માંગરોળ: હત્યાનો ભેદ ઉકેલાયો, સજાતિય સંબંધ અને રૂપિયા બન્યા વિલન - Sandesh
  • Home
  • Gujarat
  • માંગરોળ: હત્યાનો ભેદ ઉકેલાયો, સજાતિય સંબંધ અને રૂપિયા બન્યા વિલન

માંગરોળ: હત્યાનો ભેદ ઉકેલાયો, સજાતિય સંબંધ અને રૂપિયા બન્યા વિલન

 | 5:46 pm IST

માંગરોળ તાલુકાના નાના નોગામા ગામે રાજપૂત યુવકની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશના ગુનાનો ભેદ આજે એલસીબી તેમજ માંગરોળ પોલીસે મોબાઇલ ફોનના આધારે ઉકેલી નાંખી મરનારના બે આરોપી મિત્રોની અટક કરતા ચકચાર મચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર માંગરોલ તાલુકાના નાના નોગામા ગામની સીમમાં પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા નહેરની બાજુમાં આવેલ ઝાડીઝાંખરામાંથી પુષ્પરાજસિંહ દોલતસિંહ સોલંકી (ઉં.વ ૩૭, રહે. મેરા વચલુ ફળિયુ, તા. વાલીયા)ની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી આવી હતી. તેમજ મૃતકની બાઇક (નં. જી.જે ૧૬ સી.સી ૦૧૫૭) નરોલી ગામથી ધરમપુર ગામ નજીક ખાડી નીચે મળી આવી હતી.

જે અંગે પરિવારજનોએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટનાક્રમની ફરિયાદ નોંધાવતાં હરકતમાં આવેલી માંગરોળ પોલીસે એલસીબી સાથે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. જેમાં મરનારની ફોન ડિટેઇલના આધારે તપાસનીશ સૂત્રોએ ટીમ બનાવી કોલ ડિટેઇલમાં આવી ગયેલા બે શંકાસ્પદ ઇસમોના લોકેશનના આધારે નાની નરોલી બસસ્ટેન્ડ પાસે વોચ ગોઠવી ૧ યાસીન ઉર્ફે ઇકબાલ ઇબ્રાહીમ શેખ (ઉં.વ. ૨૧, રહે. નાની નરોલી), ઇરફાન હબીબ પઠાણ (ઉં.વ. ૨૦, રહે. નાની નરોલી) જેની એલસીબી ટીમે અટક કરી સઘન પૂછપરછ કરતા બંને આરોપીઓની કેફિયતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ તપાસમાં ઉપરોકત બંને આરોપીઓની કબૂલાતમાં મરનાર પુષ્પરાજ સોલંકી તેમજ ઉપરોકત બંને આરોપીઓ છેલ્લા ઘણા સમયથી મિત્રતા ધરાવતા હતા. તેમજ મૃતક પુષ્પરાજ સોલંકી આરોપીઓ પાસે તેની મરજીથી સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરાવતો હતો અને જે કામના ફોટાઓ તેમજ મોબાઇલમાં વીડિયો શૂટિંગ ઉતારી ઉપરોકત બંને આરોપીઓ મરનાર પુષ્પેન્દ્રને છાશવારે બ્લેકમેઇલ કરી નાણાં પડાવતા હતા.

હત્યાની ઘટનાના બે દિવસ પૂર્વે બંને આરોપીઓએ મૃતક પાસેથી રૃ. એક લાખની માંગણી કરી અને નાણાં નહીં આપે તો હત્યા કરી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો. જેના આધારે બંને આરોપીઓએ રૃપિયાની માંગ કરી ગત તા. ૯-૦૨-૨૦૧૮ના રોજ નાના નોગામાંથી સીમમાં પુષ્પેન્દ્રને બોલાવ્યો હતો. પૂર્વ આયોજિત કાવતરાના ભાગ સ્વરૃપે આરોપીઓએ મંગાવેલ એક લાખ રૂપિયા પૈકી મૃતક પુષ્પેન્દ્ર માત્ર ૨૦ હજાર રૃ. લઇને આવતા અકળાયેલા બંને આરોપીઓએ ૨૦ હજારની લૂંટ ચલાવી ધારદાર લોખંડના છરાઓથી માથાના તથા ગળાના ભાગે વાર કરી હત્યા કરી નાંખી હતી. ઘટનાને અંજામ આપી બંને આરોપીઓએ લાશને ઢસડી નજીક ઝાડીઝાંખરામાં ફેંકી દઇ મૃતકની બાઇકને ધરમપુર ગામની સીમમાં આવેલ ખાડીમાં ફેંકી દીધી હતી. એલસીબી પોલીસે ઉપરોકત હત્યાના ગુનામાં ૧. યાસીન ઉર્ફે ઇકબાલ ઇબ્રાહીમ શેખ (ઉં.વ. ૨૧, રહે. નાની નરોલી, તા. માંગરોલ), ઇરફાન હબીબ પઠાણ (ઉં.વ. ૨૦, રહે. નાની નરોલી, તા. માંગરોળ) બંને વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી અટક કરી આરોપીઓ પાસેથી ગુનાના કામમાં વપરાયેલ ધારદાર તીક્ષ્ણ છરો તેમજ મરનાર પાસેથી લૂંટેલ રોકડા ૨૦ હજાર પોલીસે રિકવર કર્યા હતા.