મનીલાની અનોખી ચીઝ કેક   - Sandesh

મનીલાની અનોખી ચીઝ કેક  

 | 2:05 am IST

ફોકસ :- વસંત કામદાર

ફિલિપાઈન્સની રાજધાની મનીલા તેના પ્રાકૃતિક સૌંદર્યના કારણે વિશ્વભરમાં જાણીતી છે. અહીં અનેક ભવ્યાતિભવ્ય હોટેલ્સ આવેલી છે. એડસા શાંગ્રીલા આવી જ એક ભવ્ય પંચતારક હોટેલ છે. અહીંની ચીઝ કેક કેવળ મનીલા જ નહીં પરંતુ દેશવિદેશમાં જાણીતી છે. અહીં આવતાં સહેલાણીઓ કેવળ ચીઝ કેક ખાતા જ નથી પરંતુ હોટલના રસોડામાં જઈને એ ચીઝ કેકને બનતી જોવાનો આગ્રહ પણ રાખે છે. અહીં એક ૨૩ વર્ષની જુવાન છોકરી એ કેક બનાવે છે. તેની કેક બનાવવાની રીત અનન્ય અને અનોખી છે. તે પોતાની બે જાંઘો વચ્ચે છરો દબાવે છે અને પછી કોણી તથા કાંડાની મદદથી કેકના ગાર્નિશિંગ માટેની દ્રાક્ષ, કિવીઝ અને સ્ટ્રોબેરીઝ કાપે છે. તે મોંમાં ક્રીમની પેસ્ટ ભરાવીને કેકને ડેકોરેટ કરે છે. આ બધું જોઈને સહેલાણીઓની આંખો ચાર થઈ જાય છે, કારણ કે એ છોકરી પાસે બંને હાથના પંજા જ નથી ને છતાંય તે વિશ્વભરમાં પ્રથમ હરોળની શેફ એટલે કે રસોયણ ગણાય છે. એ છોકરીનું નામ છે મેરીસેલ અપાટન.

થોડાં વર્ષો પહેલાંની વાત છે. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૦૦ના રોજ ફિલિપાઈન્સના ઝામ્બોઆન્ગા નામના ગામમાં મેરીસેલ અપાટન નામની એક ૧૧ વર્ષની તરુણી તેના કાકા સાથે પાણી ભરીને પરત આવી રહી હતી ત્યાં અચાનક પાસેની ઝાડીમાં સંતાઈ રહેલા ચારપાંચ શખ્સો તેમની તરફ ધસી આવ્યા. આમ તો તેઓ તેમના પાડોશીઓ જ હતા જેમની સાથે તેમને થોડા સમય પહેલાં નજીવી બાબતે કોઈ તકરાર થઈ હતી. તેઓ મેરીસેલ અને તેના કાકા ઉપર ઘાતક શસ્ત્રો સાથે તૂટી પડયા. છરાઓના ઘાથી ઈજાગ્રસ્ત કાકાનું પ્રાણપંખેરું તો તત્ક્ષણ ઊડી ગયું. તેઓ હવે આ નાનકડી નાજુક છોકરી તરફ ધસ્યા. એને તો બિચારીને કોઈ હોશકોશ જ નહોતા. તે બૂમો પાડવા લાગી. ‘ક્યૂઆ વાંગ પો વાંગ ન્યો અકોન્ગ ટાગેઈન’ એટલે કે ‘મને મારી ન નાંખશો…મારી ઉપર દયા કરો.’ ..પણ તેના કાલાવાલાની કોઈ અસર પેલા દાનવો ઉપર થઈ નહીં છરાઓના ઉપરાછાપરી ઘાથી એ છોકરી લોહીનાં ખાબોચિયાંમાં ફસડાઈ પડી. તેને મરી ગયેલી માનીને પેલા શખ્સો તો ત્યાંથી પલાયન થઈ ગયાં પરંતુ એ નાનકડી છોકરી પોતાની તમામ તાકાત એકઠી કરીને બેઠી થઈ અને લથડાતી તથા ઘસડાતી પોતાના ઘેર પહોંચી. તેને આવી સ્થિતિમાં જોઈ તેની મા તેને લઈને તાત્કાલિક દવાખાને નાઠી. તેનું ઘર ડુંગરા ઉપર હતું. ત્યાંથી મુખ્ય સડક ૧૨ કિમી દૂર હતી. તેની મા જેમતેમ કરીને દવાખાને પહોંચી. ડોક્ટરોએ સ્પષ્ટ જણાવ્યું કે પુષ્કળ લોહી વહી જવાના કારણે અને ઘા જીવલેણ હોવાના લીધે એ છોકરી બચે એવી કોઈ શક્યતા જ નથી. તેમ છતાં તેની માના આગ્રહના લીધે તેમણે ૫ કલાક લાંબી શસ્ત્રક્રિયા કરી. પેલા નરાધમોએ એ છોકરીના કૂણા પંજા વાઢી નાંખ્યા હતા. એ છોકરીના ઘાને ૨૫ ટાંકા વડે સીવી લેવામાં આવ્યા અને એ તબીબી સારવારનો ખર્ચ ૫૦ હજારથી ઉપર થયો. એ છોકરી સહેજ સાજી થઈ એટલે એની મા એને લઈને ઘેર પહોંચી તો ત્યાં તો તેમના ઘરનું નામનિશાન નહોતું. તેમના પાડોશીએ આખું ઘર સળગાવી દીધું હતું. આવી સ્થિતિમાં એ મા-દીકરી જાય ક્યાં? તેઓ આખરે ત્યાંના સ્થાનિક દેવળે પહોંચ્યાં અને ત્યાંના ધર્મગુરુ ફાધર એન્ટોનીએ તેમને આશરો આપ્યો. એ ઉદાર હૃદયના ફાધરે એ દીકરીની તબીબી સારવારનો ખર્ચ ચૂકવ્યો, એ મા-દીકરીના રહેવાની વ્યવસ્થા કરી તથા અદાલતી જંગ લડીને એ મા-દીકરીને તેમના પાડોશીઓ પાસેથી વળતર પણ અપાવ્યું.

એ છોકરીએ પોતાની ૧૨મી વર્ષગાંઠ ઊજવી એટલે ફાધરે તેને નિશાળમાં પ્રવેશ અપાવ્યો. મેરીસેલને પંજા તો હતા નહીં એટલે તેના માટે નિશાળે ખાસ પ્રકારની સુવિધાઓ પૂરી પાડી. તેને તેના વર્ગના બીજા વિદ્યાર્થીઓ ચીડવતા. તે તેની માને ઘરકામમાં મદદરૂપ પણ થઈ શકતી નહોતી. આવી સ્થિતિમાં તેણે આપઘાત કરવાનું વિચાર્યું, પરંતુ ફાધર પાસે એ વાત પહોંચી જતાં તેમણે તેને હિંમત આપી અને ઈશ્વરના પ્રેમ વિશે સમજાવ્યું. ફાધરની વાત્સલ્યભરી વાતોએ મેરીસેલને હિંમત આપી અને તેને લાગ્યું કે પ્રભુ તેની નિર્બળતામાંયે સામર્થ્ય દર્શાવી શકે છે. તેણે જીવતરના જંગમાં ઝઝૂમી લેવાનો મક્કમ નિર્ધાર કરી લીધો. તેણે અભ્યાસનાં એક પછી એક પગથિયાં ચડવાં માંડયાં. શાળાકીય ભણતર પૂરું કરીને તેણે કેગાયન શહેરની પ્રતિષ્ઠિત એવી હોટેલ મેનેજમેન્ટ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યાંના પ્રોફેસરો માટે તો આ વાત હાસ્યાસ્પદ હતી, કારણ કે જેના બંને હાથના પંજા જ ન હોય એવી છોકરી વાનગીઓ કેવી રીતે બનાવી શકે? પરંતુ જ્યારે મેરીસેલે તેમને સલાડ કાપીને બતાવ્યો ત્યારે તો તેમની આંખો ચાર થઈ ગઈ. મેરીસેલે તેની બે જાંઘો વચ્ચે છરાને જકડીને કાંડા તથા કોણી વડે કાકડી, ગાજર, બીટ ઈત્યાદિ કાપી બતાવ્યાં. પ્રોફેસરોએ હરખાઈને તેને કોલેજમાં પ્રવેશ આપી દીધો. અહીં તે ૨ વર્ષ સફળતાપૂર્વક ભણી. તેણે ત્યારબાદ આર્ટ્સના ર્સિટફિકેટ કોર્સમાં સુવર્ણચંદ્રક પણ મેળવ્યો. તેણે હવે માંદગીના કારણે જીવનથી હારી ગયેલા નવજુવાનોમાં આશા અને આત્મવિશ્વાસનો સંચાર કરવા માટે લેખો લખવાનું તથા ટીવી. ઉપર નિદર્શનો આપવાનું શરૂ કર્યું. તેના આ કાર્યએ મરી પરવારેલા મનવાળા અનેક જુવાનિયાઓને સફળતાનાં સ્વપ્નાં જોતાં કરી દીધા. રોનેલીન નામની એક ૨૧ વર્ષની છોકરી સંપૂર્ણપણે લક્વાગ્રસ્ત હતી. તેને વ્હીલચેરમાં ફરવું પડતું હતું. મેરીસેલનાં પ્રવચનોના કારણે તેનામાં હિંમત આવી અને તેણે ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી જેવા અઘરા વિષયમાં અભ્યાસ શરૂ કર્યો.

મેરીસેલનો આ કિસ્સો મનીલાનાં સ્થાનિક મેગેઝિનમાં છપાયો. ઈશ્વરની કોઈ અગમ્ય યોજના કે એ મેગેઝિન મનીલાની વિશ્વપ્રસિદ્ધ હોટલ એડસા સાંગ્રીલા હોટેલના મુખ્ય શેફ એટલે કે રસોઈયા અલજામીલ બોરજાના હાથમાં આવ્યું. તેણે તેના મેનેજર સાથે વાત કરીને મેરીસેલને પોતાની હોટલમાં નોકરી અપાવી દીધી અને અહીંથી મેરીસેલની એક નવી જ જિંદગીની શરૂઆત થઈ ગઈ. તે કેવળ ગરમ પ્રવાહીનું વાસણ ઊંચકવાનું જ ટાળતી હતી. બાકીનું બધું જ કામ તે પોતાની જાતે કરી લેતી હતી. તેની પાસે હવે થોડીઘણી આવક થવા લાગી. તે પોતાનાથી નાનાં ત્રણ ભાઈ-બહેનોને પોતાની સાથે શહેરમાં લઈ આવી છે. તેનાં મા-બાપ તો તેના ગામડે પાછાં રહેવા ચાલ્યાં ગયાં છે, પરંતુ હવે મેરીસેલે પરિવારની પૂરી જવાબદારી ઉઠાવી લીધી છે. પંજા વગર કોઈ કામ કરવું અશક્ય લાગે એવી સ્થિતિમાં પંજા વગર ભાત ભાતની વાનગી બનાવતી મર્દાની મેરીસેલને આપણી ખૂબ ખૂબ શુભેચ્છા.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન