મેનિપ્યુલેશન : ચાલાકીથી કામ કઢાવવાની કળા - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • મેનિપ્યુલેશન : ચાલાકીથી કામ કઢાવવાની કળા

મેનિપ્યુલેશન : ચાલાકીથી કામ કઢાવવાની કળા

 | 8:54 pm IST

મંથન । ભૂમિકા સોની

‘અરે… આ વજન તો તોબા… હું તો એકદમ થાકી ગઈ, માથું દુઃખે છે, શરીર તૂટે છે’ કહેતા હાથમાંના સામાનને પલંગ પર ફગાવતાં શ્રેયા ધબ કરતી ખુરશીમાં બેસી ગઈ. તેનો બબડાટ સાંભળીને તેનો પતિ શ્રેયાંસ ઓફિસની ફાઈલ મૂકીને ઊભો થયો અને પૂછયું ‘શું થયું? કેમ આટલી ગુસ્સામાં છે?’

‘અરે શ્રેયાંસ… આ કેટલો સામાન લાવવાનો હતો… મોલમાંથી બધું લેતા ત્રણ કલાક થયા… હવે હું સાવ થાકી ગઈ… હજી રસોઈ બાકી છે… ક્યારે કરીશ? એક કામ કરને, બહારથી જમવાનું લઈ આવ ને! છોકરાઓને પણ આજે તું હોમવર્ક કરાવી દે ને!’ શ્રેયાએ થાકેલા અવાજે કહ્યું.

કમને શ્રેયાંસે હા પાડી દીધી. પોતાનું ઓફિસનું કામ સાઇડમાં મૂક્યું અને છોકરાઓને લઈને હોમવર્ક કરાવવા બેસી ગયો.

સુષ્માના ઘરે સાત-આઠ મહેમાન આવવાના હતા. જમવાના સમયે જ આવવાના હતા. સુષ્માએ નજીકમાં રહેતી પોતાની દેરાણીને પણ જમવા આવવાનું આમંત્રણ આપી દીધું. દેરાણી મદદ કરાવવાના ઇરાદે સવારે આવી ગઈ. આવીને જોવે છે કે સુષ્મા તો સૂતી છે, પૂછયું તો કહ્યું કે રાતનો તાવ આવે છે. રાતના વાસણ પણ બાકી છે અને અત્યારની રસોઈ પણ… બિચારી દેરાણી- જમવા આવી હતી અને બધું કામ માથે આવી ગયું.

ઓફિસમાં જ્યારે વધારે કામ હોય ત્યારે જ કર્મચારી રજા પર હોય, મહેમાન આવવાના હોય ત્યારે જ કામવાળી વધારે પગાર માગે, ઉતાવળ હોય ત્યારે જ ઘરના સભ્યો વધારાનું કામ સોંપે, બોસને કે સિનિયર કલાર્કને પટાવીને કામ કઢાવવા તેને મસ્કા મારવામાં આવે. બધાને સાથે બહાર જવાનું હોય ત્યારે જ કોઈનું સ્કૂટર બગડી જાય અને બીજા પાસે લિફ્ટ માગી લે.

આવા બધા અનુભવ બધાને થતા જ હોય છે. અંગ્રેજીમાં આને ‘મેનિપ્યુલેશન’ કહેવાય છે. ‘ચાલાકીથી કામ કઢાવી લેવાની કળા’, જો કે જીવનમાં કોઈને કોઈ તબક્કે આપણે આવી ચાલાકી કરતા જ હોઈએ છીએ, પણ તમારી સાથે કોઈ આવી ચાલાકી કરીને બધી જવાબદારી તમારા માથે નાખી ન દે તે માટે સજ્જ રહેજો.

હિન્દી ફિલ્મો કે સિરિયલમાં તો આ સામાન્ય થઈ ગયું છે કંઈક થાય અને ઘરના સભ્ય છાતી પર હાથ રાખીને ઢળી પડે, ડોક્ટર પણ કહી દે કે જોરદાર એટેક આવ્યો છે, તેમને આઘાત ન લાગે તે જોજો અને ઘરના સભ્યો તેની વાત માની જાય, આવા દૃશ્યોની નકલ ખાસ કરીને પતિ- પત્ની એકબીજા પાસેથી કામ કઢાવવા અથવા માતાપિતા બાળકોને પોતાનાથી દૂર જતા રોકવા માટે કરતા હોય છે. જો કે બધા ઢોંગ નથી કરતા.

કેટલાક લોકો જાણી જોઈને આવું કરતા હોય છે. તો કેટલાક લોકો ચાલાકી વાપરતા હોય છે. પણ સત્ય એ છે કે મોટાભાગના લોકો સહાનુભૂતિ કે લાગણી મેળવવા આવા બહાના કરતા હોય છે. જેમની પાસે સત્તા નથી એવા લાચાર બાળકો મોટાઓનું ધ્યાન ખેંચવા આવું કરતા હોય છે. ઘણાં ઘરમાં સ્ત્રીઓ પણ બીમારીનું બહાનું કાઢે છે, તો પુરુષો કામ કે નોકરી જવાની આળસ હોય તો બીમારી ઊભી કરી દે છે. મોટા ભાગે મેનિપ્યુલેશનનો આશય બીજાનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો અથવા પોતાનું કામ કઢાવવાનો હોય છે.

સાઇકોલોજિસ્ટના કહેવા મુજબ મેનિપ્યુલેશનનો મુખ્ય આશય અમુક પ્રકારનો પાવર મેળવવાનો, ઈમોશનલ કે ઇકોનોમિકલ સહાય લેવાનો હોય છે. ક્યારેક કોઈની સમકક્ષ થવાની વૃત્તિ હોય છે, મેનિપ્યુલેશન ખાસ કરીને પતિ-પત્ની, માતા પિતા-બાળકો બોસ- કર્મચારીના સંબંધમાં થતા હોય છે.

ચાલાકીના કેટલાક સ્વરૂપ જોવા મળે છે, ઘરમાં બે સ્ત્રીઓ હોય ત્યારે એકબીજાના માથે કામ નાખી દેવા કે મનગમનતી સિરિયલ જોવા તાત્કાલિક માંદગી પકડી લે છે, એટલે બીજાએ કામ કરવું જ પડે છે. પતિ પાસેથી કામ કઢાવા કે રસોઇની આળસ આવતી હોય ત્યારે પત્ની બીમારીનું નાટક કરે છે પતિ બહારથી ટિફિન મગાવી લે છે.

માનસ શાસ્ત્રીઓએ મેનિપ્યુલેટર્સને અમુક વિભાગમાં વહેંચી દીધા છે.

બિહેવિયરલ મેનિપ્યુલેટર્સ

આવા લોકો વિચિત્ર રીતે વર્તીને સામેની વ્યક્તિને ઇમોશનલી બ્લેકમેઇલ કરતા હોય છે, જેમ કે તમને બધાને તો મારી કંઈ જ પડી જ નથી. હું તો ઘરમાં નોકર છું. મારી કોઈને કદર જ નથી… વગેરે વગેરે… આવું બધું બોલતા રહેતા હોય છે.

પેસિવ મેનિપ્યુલેટર્સ

આવા લોકો મધ જેવા મીઠા હોય છે. સામેવાળાના વખાણ કરતા હોય છે. સામેવાળાના ડ્રેસ, સ્ટાઇલ, રસોઈ જેવી વાતના વખાણ કરતા જ રહે છે. જેમ કે… તું છો તો હું છું, તારા વગર મારું કોણ ધ્યાન રાખે? આવું બધું બોલતા રહેતા હોય છે.

એક્ટિવ મેનિપ્યુલેટર્સ

આવા લોકો કારણ વગર સામેવાળાના વખાણ કરતા હોય છે. સામેવાળાના ડ્રેસ, સ્ટાઇલ, રસોઈ જેવી વાતના વખાણ કરતા જ રહે છે. કોઈ પણ કારણ શોધીને નાનીમોટી ગિફ્ટ આપતા હોય છે. ખાસ કરીને બોસ કે સિનિયરને ખુશ કરવા આવું કરતા હોય છે.

નોલેજ મેનિપ્યુલેટર્સ

આવા લોકો થોડા ખતરનાક હોય છે. લોકોની ખાનગી વાતો જાણીને પછી પોતાનું કામ કઢાવવા તેનો ઉપયોગ કરતા હોય છે. બધાની સામે લોકોની ખાનગી વાત ખુલ્લી પાડીને પોતાનું કામ કઢાવી લે છે.

જો તમારે મેનિપ્યુલેશનના ભોગ ન બનવું હોય તો, સામેની વ્યક્તિને સ્પષ્ટ, પણ ખરાબ ન લાગે તે રીતે જવાબ આપી દો ક્યારેક આખી વાત હસવામાં કાઢી નાખો. ક્યારેક એકદમ તરત જ કટાક્ષ સાથે જવાબ આપો. તેની વાત તમને નથી ગમી તે વાણી વર્તનથી જણાવી દો.

તો થઈ જાવ સાવચેત… અને આવી વ્યક્તિથી બચતા રહો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન