Manoeuvres By Amit Shah, Nitin Gadkari Helped Bjp Retain Power In Goa
  • Home
  • Featured
  • ઈનસાઈડ સ્ટોરી : અમિત શાહ અને ગડકરીએ કંઈક આવી રીતે ગોવામાં પાડ્યો ખેલ

ઈનસાઈડ સ્ટોરી : અમિત શાહ અને ગડકરીએ કંઈક આવી રીતે ગોવામાં પાડ્યો ખેલ

 | 8:50 pm IST

મનોહર પારિકરના નિધન બાદ ગોવામાં ભાજપ સત્તા બચાવવામાં સફળ રહેવા પાછળ પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રીએ નીતીન ગડકરીએ મહત્વની ભૂમિકા અદા કરી હતી. સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખનારા ભાજપને રાજ્યમાં સરકાર ટકી રહે તે સુનિશ્ચિત કરવા શાહ અને ગડકરી પડદા પાછળ રહીને ખુબ જ સક્રિય રહ્યાં હતાં. બંને નેતાઓએ હઠેલા સહયોગીઓને મનાવવાના મુશ્કેલ કામને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે ભાજપ બહુમત ના મેળવી શકી ત્યારે પણ ગડકરીના પ્રયાસોનું જ પરિણામ હતું કે નાના પક્ષો ભાજપ સાથે આવ્યા અને પારિકરના નેતૃત્વમાં સરકાર બની. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપને એ વાતનો પહેલાથી જ અંદાજ હતો કે પારિકરની ગેરહાજરીમાં તેને સંકટ સામે ઝઝુમવુ પડી શકે છે કારણ કે સહયોગી પક્ષોએ માત્ર દિવંગત મુખ્યમંત્રીના નામે જ ભાજપને સમર્થન આપ્યું હતું.

કેંસરથી ઝઝુમી રહેલા પારિકરનું જ્યારે રવિવારે નિધન થયું ત્યારે ભાજપ તત્કાળ એક્શનમાં આવી ગઈ. ત્યાં સુધી કે સહયોગી મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી (MGP)ના ધારાસભ્યો સાથે બેઠક યોજી મંથન કરવા લાગી. ભાજપ તેનાની વધુ એક સહયોગી ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP)ના વિજય સરદેસાઈ પોતાની પાર્ટીના ધારાસભ્યો સાથે તો મંત્રી રોહન ખોટે અને ગોવિંદ ગાવડે સહિત અપક્ષના ધારાસભ્યોએ પણ બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો. પારિકરના નિધન બાદ સત્તાને ટકાવી રાખવા માટે ભાજપે અનુભવી નીતીન ગડકરીને ગોવા માટે રવાના કરી દીધા, જે અગાઉ પણ રાજ્યમાં ઉભા થયેલા રાજકીય સંકટનો ઉકેલ લાવી શક્યા હતાં.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગડકરીએ પારિકર સરકારને સમર્થન આપનારા તમામ ધારાસભ્યો સાથે રાત આખી એક-એક કરીને ચર્ચા કરી હતી, પરંતુ સહમતિ બની નહોતી રહી. MGPના ધારાસભ્ય સુદીન ધાવલીકરે મુખ્યમંત્રી પદ માટે તો દાવેદારી ઝીંકી દીધી તો ભાજપના વિધાયક દળે પ્રમોદ સાવંતના નામનો પ્રસ્તાવ લાવી દીધો. ભાજપ અની સહયોગી પક્ષો વચ્ચે એટલુ તો અંતર હતું કે, GFP અને બીજા ધારાસભ્યો વિશ્વજીત રાણેને મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરવા લાગ્યા. અનેક તબક્કાની વાતચીત બાદ પણ સોમવાર સવાર સુધી કોઈ જ સહમતિ સધાઈ શકી નહીં.

એક તરફ ભાજપ જ્યાં નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં અને સહયોગીઓને મનાવવામાં લાગી હતી તો બીજી બાજુ વિરોધ પક્ષ એવા કોંગ્રેસ રાજ્યપાલ મૃદુલા સિન્હા સામે સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. 14 ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસ રાજ્યમાં સૌથી મોટો પક્ષ ધરાવતી હોવાની હોવાની હેસિયતથી રાજભવનમાં સરકાર બનાવવાના આમંત્રણનું દબાણ વધારી રહી હતી. કોંગ્રેસે તો દાવો પણ કરી દીધો હતો કે તેની પાસે સરકાર બનાવવા માટે પર્યાપ્ત બહુમત પણ છે.

સોમવાર સાંજે પારિકરની અંતોષ્ઠિ કરવામાં આવી પણ ત્યાં સુધી નવી સરકારની રચનાને લઈને સ્થિતિ સ્પષ્ઠ નહોતી થતી. જ્યારે અમિત શાહ ભાજપના ધારાસભ્યો અને MGPએ ધાવલીકર સાથે એક હોટલમાં બેઠક શરૂ કરી, ત્યારે નવી સરકારની રચનાને લઈને હલચલ તેજ થતી જોવા મળી. થોડા જ સમયમાં ગોવામાંથી રવાના થવાનું કહી ચુકેલા ગડકરી પણ પણજીમાં રોકાયા હતાં. આમ અમિત શાહ અને ગડકરીની સક્રિયતાના પગલે મોડી રાત સુધીમાં રાજકીય સ્થિતિમાં સુધાર થવા લાગ્યો.

એક સૂત્રના જણાવ્યા પ્રમાણે એક એવા ફોર્મ્યુલા પર કામ થયું જે તમામ ગઠબંધન સહયોગીઓને માન્ય હોય. જેને અંતર્ગત સાવંત મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે સામે આવ્યા, જ્યારે સરદેસાઈ અને ધાવલીકરને નાયબ મુખ્યમંત્રી બનવા પર સહમતિ સધાઈ. ગઠબંધનના ભાગીદારોએ એ પણ સંકેત આપ્યા કે બાકી કેબિનેટને ગત સરકારની જેમ જ રાખવામાં આવે એટલે કે તમામ મંત્રીઓને રિપીટ કરવામાં આવે. આ મામલે પણ સહમતિ સધાઈ ગઈ.

ભાજપ ભલે એ વાતને લઈને આશાવાદી હતી કે સાવંતની આગેવાનીમાં ગઠબંધન સરકારનો શપથગ્રહણ સમારોહ રાત્રે 9 વાગ્યે થઈ જશે, પણ છેલ્લી ઘડી સુધી કેટલીક મુશ્કેલીઓના કારણે શપથગ્રહણ પર અનિશ્ચિતતાના વાદળ મંડરાયેલા રહ્યાં. ચર્ચાઓનો ભાગ રહેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્યાર બાદ ગડકરી ફરી એકવાર બેઠા અને કોમન મિનિમમ પ્રોગ્રામ તથા પાવર શેરિંગ સહિતના તમામ મુદ્દાઓ પર ગઠબંધનના ભાગીદારોમાં જે અસહમતિ હતી, તેને દુર કરી. અંતે મંગળવારે મોડી રાત્રે દોઠ વાગ્યે ભાજપની આગેવાનીમાં ગઠબંધનની સરકાર રચવાનો દાવો રજુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ગડકરી સહિત સાવંત અને ગઠબંધનના ધારાસભ્યો તત્કાળ રાજભવન માટે રવાના થયા. થોડી જ વારમાં મંગળવારે સાવંત અને 11 મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ આયોજીત કરવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન