બહુજનોને છેતરનાર બહેનજી બંધ કરો દિવાસ્વપ્ન જોવાનું - Sandesh
  • Home
  • Columnist
  • બહુજનોને છેતરનાર બહેનજી બંધ કરો દિવાસ્વપ્ન જોવાનું

બહુજનોને છેતરનાર બહેનજી બંધ કરો દિવાસ્વપ્ન જોવાનું

 | 2:57 am IST

કરન્ટ અફેર : આર. કે. સિંહા

બહુજન સમાજવાદી પાર્ટીની એક માત્ર નેતા માયાવતીએ વડા પ્રધાન જોવાનું શરૂ કરી દીધું છે. જોવા જઈએ તો દિવસે સપનું જોઈ ખુશ થવા માગો તો કાંઈ ખોટું પણ નથી. એમ તો તેમને સપના અને હકીકત વચ્ચેનું અંતર તો ખબર જ હશે. થોડા દિવસો પહેલાં ઉત્તર પ્રદેશમાં એક ચૂંટણી રેલી સંબોધિત કરતાં બહેનજીએ કહ્યું કે દેશના હવે પછીના વડા પ્રધાન ઉત્તર પ્રદેશના જ હશે. એ જરૂરી નથી કે મોદીજી વારાણસીથી ચૂંટણી જીતે. તેઓ એક બાજુ સ્પષ્ટ સંકેત આપી રહ્યા હતા કે તેઓ પોતે જ  વડા પ્રધાન બની શકે છે. માયાવતી રાજનીતિના ભલે તે જૂના ખેલાડી હોય, પરંતુ તેમને એ સમજવું જોઈએ કે તેમને માટે દિલ્હી હજુ દૂર છે. તેમને વડા પ્રધાનપદ મળે એ અસંભવ છે. દલિતોને જ ઠગવા અને છેતરનારી નેતા દલિત નેતા પોતાને જાહેર કરીને દેશના વડા પ્રધાન બની શકે નહીં.

બહેન માયાવતીજીની એક મોટી ખામી એ છે કે તે પોતાના પક્ષમાં ક્યારેય નવી નેતાગીરી ઊભી કરતી નથી. દબાયેલા કચડાયેલા સમાજના લોકોની રાજકીય ભાગીદારી જરૂરી છે, પણ તેના કરતાં વધુ જરૂરી છે, તેઓમાં યોગ્ય નવું નેતૃત્વ પેદા કરવું, જે તે ક્યારેય કરવાના નથી. તેમણે વર્ગીય બહુજન રાજનીતિનું મોડલ ઊભું કર્યું નહી અને દેશના પ્રખર બહુજન બુદ્ધિજીવીઓ અને આંદોલન સાથે જોડાયેલા લોકો સાથે સંવાદ કરી તેમને પોતાની સાથે પણ લીધા નથી. તેમને બુદ્ધિજીવીઓ સાથે સખ્ત પરહેજ છે.

માયાવતી ઓછામાં ઓછું એટલું તો જણાવે કે તેમણે ઉત્તર પ્રદેશના દલિતોને અનામતના મોહતાજ કેમ બનાવી દીધા ? તેમણે દલિત નવજવાનોના સ્વરોજગાર માટે શું ક્યારેય નક્કર પહેલ કરી ? અને તેમને એ પણ પૂછવું જોઈએ કે તેમણે પસમાંદા મુસલમાનોને સદૈવ અંધારામાં કેમ રાખ્યા ?   એ સત્ય છે કે હવે હજારો ભણેલા ગણેલા મહત્ત્વાકાંક્ષી દલિય યુવાનો સરકાર પાસે નોકરીની ભીખ નથી માગતા. તેઓ પોતાના માટે હવે બિઝનેસની દુનિયામાં નવું પ્રકરણ લખવાના સપના જોવા અને તેને સાકાર કરવા મંડી પડયા છે. પરંતુ ઉત્તર પ્રદેશના દલિતોને બહનજીએ હંમેશાં છેતર્યા છે.

ઉત્તર પ્રદેશથી વિપરીત મહારાષ્ટ્ર દલિત તેજીથી બદલાઈ રહ્યો છે, ત્યાં હજારો દલિત યુવાનો હવે વ્યવસાયી બની રહ્યા છે. તેઓ નોકરી માટે મારામારી કરતા નથી. બીજી તરફ દલિતોને બિઝનેસમાં સફળતા પણ મળી રહી છે. મહારાષ્ટ્રમાં દલિતોએ પોતાનું એક મજબૂત સંગઠન પણ બનાવ્યું છે. નામ રાખ્યું છે – દલિત ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ( ડિક્કી ). મહારાષ્ટ્રના દલિત યુવાનોને ડિક્કી દ્વારા મૂડી અને ટેક્નિકલ સહાયતા ઉપલબ્ધ કરાઈ રહી છે. વડા પ્રધાન બનવાના સપના જોનારી માયાવતી જી એ તો જણાવી દે કે ક્યારેય તેમણે ઉત્તર પ્રદેશના મહેનતી અને ઇમાનદાર દલિતોના હકમાં કોઈ આ પ્રકારની પહેલ કેમ નહીં કરી કે જેથી તેઓ પોતાના બિઝનેસ શરૂ કરી શકે. તેઓ ઉત્તર પ્રદેશની ચાર વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, પણ તેમનું બધું ધ્યાન તો પોતાની મૂર્તિઓ સ્થાપિત કરવામાં જ લાગેલું રહ્યું.

માયાવતીએ જણાવવું જોઈએ કે તેમણે ઉત્તર પ્રદેશના દલિતોને સ્વાવલંબી બનાવવાની દિશામાં ક્યારે અને કઈ પહેલ કરી ? માયાવતી સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવની સાથે મળીને મુસલમાનોના મત માગી રહી છે. તેઓ દાવો કરી રહ્યા છે કે મુસલમાનોના મત તો તેમને જ મળશે. જો કે તેમના દાવાનો આધાર શું ? એ તો કોઈ કહી શકતું નથી.માયવાતી ક્યારેય મુસલમાનોની સાથે રહી નથી. ગયા ફેબ્રુઆરી ૨૦૧૭માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં માયાવતીએ મુસલમાનોના મત મેળવવા માટે તેમને ૯૭ ટિકિટ આપી હતી. તેઓ મુસ્તાક રહીને દલિત મુસ્લિમ કાર્ડ રમ્યા હતા.એ જોવું જરૂરી છે કે માયાવતીએ પોતે ચાર વખતના મુખ્યમંત્રી બન્યા એ સમયમાં મુસલમાનોનું કેટલું કલ્યાણ કર્યું ? એ પણ જણાવવું જરૂરી છે કે માયાવતીએ ત્રણ વખત ભારતીય જનતા પાર્ટી સાથે મોરચો રચીને ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવી હતી. તેમણે ૨૦૦૨માં ગુજરાત જઈને નરેન્દ્ર મોદીની તરફેણમાં ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો. ઉત્તર પ્રદેશના દલિત ચિંતક અને પૂર્વ આઈપીએસ અધિકારી જી.એસ.દારાપુરી તો દાવો કરે છે કે માયાવતીએ ૨૦૦૭વાળા મુખ્યમંત્રીના સમય દરમિયાન અનેક નિર્દોષ મુસલમાનોને બોમ્બ વિસ્ફોટોના કેસોમાં ખોટી રીતે ફસાવ્યા હતા. હવે માયાવતી જી જરા એ તો કહો કે તેમણે ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી તરીકે પસમાંદા મુસલમાનો માટે કઈ મોટી યોજના અમલમાં મૂકી હતી ? મુસલમાનોની વસતીના ૮૭ ટકા પસમાંદા મુસલમાનોની સ્થિતિ જેવીને તેવી જ છે. કહેવા માટે તો ઇસ્લામમાં જાતિ વ્યવસ્થા નથી. પરંતુ પસમાંદા મુસલમાનોની સ્થિતિ દલિત અને પછાત જાતિઓના હિંદુઓ કરતાં ઘણી બદતર છે.

હા, એ અવશ્ય છે કે પોતાને ગરીબ દલિતોને રહનુમા ગણાવતી માયાવતીએ પોતાના અને તેમના ભાઇભાંડુઓનું જીવન સફળ થઈ ગયું છે. તેમની કુલ સંપત્તિ ૨૦૧૨ની રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરતાં ૧૧૧.૬૪ કરોડ થઈ ગઈ હતી. માયાવતી કેમ ક્યારેય વિગતવાર રીતે જણાવતની નથી કે પોતાની ચલ અચલ સંપત્તિમાં આટલી ઝડપે કઈ રીતે વધારો થઈ રહ્યો છે ? તે કયો વ્યાપાર કરી રહી છે ? તેમના ભાઈઓની સંપત્તિનું તો પૂછો જ નહીં. સેંકડો કરોડ તો તેમણે નોટબંધી બાદ જમા કરાવ્યા, જેની તપાસ ચાલી રહી છે.   માયાવતી પહેલાંની જેમ જ આ વખતે પણ પોતાની ચૂંટણી સભાઓમાં જનહિતના કોઈ પણ મુદ્દા પર ફોક્સ કરતી નથી. તે આજે પણ લખેલું જ ભાષણ વાંચી જાય છે. જનતા સાથે સીધો સંવાદ કરવાનો જે જરૂરી ગુણ એક નેતામાં હોવો જોઈએ, તે તેમનામાં ક્યારેય જોવા મળ્યો નથી. હાર્યા બાદ પણ તેમણે પોતાની ખામી જોઈ નહીં, પરંતુ પોતાના પરાજયનું ઠીકરું વોટિંગ મશીન પર ફોડી દીધું. ચોક્કસ માનજો કે આ વખતે પણ તે ૨૩ મેએ પોતાના પક્ષને પ્રજાએ નકારી કાઢયા બાદ પરાજય માટે ઇવીએમ મશીનને જ દોષિત ગણશે. ફક્ત બહુજન નામ રાખી દેવાથી બહુજન રાજનીતિ થઈ નહીં જાય. તેમના ગુરુ કાંશીરામે બહુજનના નામે જાતિની રાજનીતિનું મોડલ ઊભું કર્યું હતું. કાંશીરામ પણ બાબા સાહેબની એ ચેતવણીને ભૂલી ગયા કે જાતિના આધારે કોઈ પણ નિર્માણ વધુ દિવસો ટકી શકે નહીં. બસપાની રાજનીતિ ક્યારેય પણ બહુજનની રાજનીતિ રહી નથી. બહુજનની રાજનીતિના કેન્દ્રમાં શોષિત સમાજ હોય છે, તેમની સામાજિક અને આર્થિક નીતિઓ સમાજવાદી હોય છે, પરંતુ માયાવતીએ મુખ્યમંત્રીપદ પર હતા, ત્યારે જાહેર ક્ષેત્રના એકમોને વેચ્યા અને ખાનગી એકમોને પ્રોત્સાહન આપ્યું. ગરીબોની અસલી ચિંતા તો ૨૦૧૪ બાદ મોદીજીએ કરી. તેમની બધી કલ્યાણકારી યોજનાઓ ગરીબોને કેન્દ્રમાં રાખીને અમલમાં મુકાઈ. તો દલિતોના નેતા મોદીજીને કેમ ન માની લેવાય ?   દરમિયાન, માયાવતીને દિવાસ્વપ્ન જોતાં કોઈ રોકી ન શકે. તે સપના જોવા સ્વતંત્ર છે. પરંતુ ક્યારેય તેમને અપરાધની ગ્રંથિ કઠતી નથી કે તેમણે બહુજન સમાજને કેટલો છેતર્યો છે ?

(આ લેખકના વિચારો અંગત છે.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન