અમદાવાદના પશ્ચિમ વિસ્તારના કેટલાય લોકોએ પ્રથમ વખત કોંગ્રેસને મત આપ્યા

AMCની ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થશે. એ અગાઉ જ તારણ નિકળી રહ્યાં છે તે ચોંકાવનારા છે. જેમાં એવી વાત છે કે આ ચૂંટણીમાં વિવિધ કારણોસર ભાજપની કોરવોટ બેન્ક નારાજ હતી. પશ્ચિમના અનેક વિસ્તારોમાં ઘણા વર્ષોથી આ મતદારો હંમેશા ભાજપને જ મત આપે છે પરંતુ પ્રથમ વાર જ તેઓએ કોંગ્રેસને મત આપ્યો છે. જેને કારણે ભાજપની અનેક બેઠકો પર જીતનું માર્જીન ઘટશે.
અમદાવાદને ભાજપનો ગઢ ગણવામાં આવે છે. તેમાં પણ નદીપારના મોટા ભાગના વિસ્તારો એલિસબ્રિજ, નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ, સેટેલાઈટ, વસ્ત્રાપુર, થલતેજ, ઘાટલોડિયા જેવા અનેક વિસ્તારોમાં ભાજપની જીત નિશ્ચિત મનાય છે. જ્યારે આ ચૂંટણીમાં પ્રથમ વખત જ એવુ બન્યુ છે કે ભાજપની કોરવોટ બેન્ક ગણાતી હોય તેમાંથી હજારો મતદારો તો ઘરમાં જ બેસી રહ્યાં હતા. એટલે કે ભાજપને તેના મત મળી શક્યા નથી એ પણ નુકસાન જ છે. એટલુ જ નહીં આવા અનેક મતદારોએ કોંગ્રેસને મત આપ્યો છે. ભાજપનો ઉમેદવાર જીતી જશે પરંતુ તેની જીતની સરસારી પાતળી હશે. કેટલીયે બેઠકો પર રસાકસી પણ થશે.
રાજકીય તજજ્ઞોનુ અનુમાન છે કે એન્ટી ઈન્કમ્બન્સીને કારણે આ વખતે ભાજપને અમદાવાદ સહિતના બેથી ત્રણ કોર્પોરેશનમાં કેટલીક બેઠકોનુ નુકસાન થઈ શકે છે. પશ્ચિમ વિસ્તારના મતદારોની નારાજગીને કારણે ભાજપ અને કોંગ્રેસના સમીકરણો પણ બદલાઈ શકે છે. ઉપરાંત ભાજપના જ કાર્યકરો અને આગેવાનોમાં ટિકિટના મુદ્દે જે અસંતોષ ઉભો થયો હતો તેને લીધે પણ હજારો કાર્યકરો સાવ નિષ્ક્રિય થઈ ગયા હોવાનું કહેવાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન