`ખુરશી' પર બેસવાથી મોટા થઈ જવાતું નથી - Sandesh
  • Home
  • India
  • `ખુરશી’ પર બેસવાથી મોટા થઈ જવાતું નથી

`ખુરશી’ પર બેસવાથી મોટા થઈ જવાતું નથી

 | 5:24 pm IST

કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથસિંહે વડાપ્રધાનપદને લગતાં પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું છે કે ખુરશી પર બેસવાથી કોઈ મોટું થઈ જતું નથી. સમગ્ર દેશમાં અનેક એવા મહાનુભાવો છે કે જેઓ કોઈ જ બંધારણીય હોદ્દા પર ન હતા, છતાં વિશ્વભરમાં ખ્યાતિ ધરાવે છે. મહાત્મા ગાંધી કોઈ જ હોદ્દા પર ન હતા, છતાં વિશ્વ પ્રસિદ્ધ નેતા છે. વિશ્વના અનેક વૈજ્ઞાનિકો કોઈ જ હોદ્દા પર ન હોવા છતાં આખા વિશ્વમાં જાણીતા છે.

લોકસભાની 2014ની ચૂંટણી અને તેના પરિણામમાં રાજનાથસિંહે ભજવેલી સક્રિય ભૂમિકા વિશે ગૃહપ્રધાને જણાવ્યું હતું કે પક્ષના બધા જ કાર્યકરો તથા દેશવાસીઓને કારણે તેઓ સરકારમાં છે. આજે ભાજપ સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નેતૃત્વમાં કામગીરી બજાવી રહી છે.

ગોરખપુર અને ફુલપુરમાં ભાજપની હાર અંગે રાજનાથસિંહે જણાવ્યું હતું કે થઈ ગયું, હવે નહીં થાય. કારણ કે હવે સમજાઈ ગયું છે કે આવું પણ થાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓ વધારે પડતાં મહત્વકાંક્ષી નથી. આ પણ ભગવાનની કૃપા છે. આવું એટલા માટે કે આ દેશના વિકાસમાં બધાનો ફાળો છે. પછી તે સર્વોચ્ચ શિખરે બેઠો હોય કે દેશનો ખેડૂત હોય.

રાજનાથસિંહે વધુમાં જણાવ્યું હતું કે દેશના સાર્વભૌમત્વને જાળવી રાખવા જરૂર પડ્યે દેશની સેના વાસ્તવિક નિયંત્રણ રેખા પણ પારી કરી શકે છે. જમ્મુ અને કાશ્મીર ભારતનો અખંડિત ભાગ છે. સરકાર વિવાદનો ઉકેલ લાવવા માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે ચર્ચા માટે મંત્રણાકારની પણ વરણી કરી છે.