મારિયા શારાપોવા પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં - Sandesh
  • Home
  • Newspaper
  • મારિયા શારાપોવા પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં

મારિયા શારાપોવા પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં

 | 2:59 am IST

। મોન્ટ્રિયલ ।

રશિયન ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાએ અહીં રમાઈ રહેલા રોજર્સ કપમાં મહિલા સિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે પરંતુ પૂર્વ નંબર વન ખેલાડી જર્મનીની એન્જેલિક કાર્બેર અને ચેક ગણરાજ્યની કેરોલિના પ્લિસ્કોવા ઊલટફેરનો શિકાર બનતાં બહાર થઈ ગઈ હતી.

મારિયા શારાપોવાએ બીજા રાઉન્ડમાં પોતાના જ દેશની ૧૨મી ક્રમાંકિત દારિયા કસાત્કિનાને એક કલાક ૧૬ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૬-૦, ૬-૨થી પરાજય આપી બહાર કરી હતી. પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં શારાપોવાનો સામનો ફ્રાન્સની કેરોલિન ગાર્સિયા સામે થશે. ગાર્સિયાએ મેગડેલેના રિબારિકોવાને ત્રણ સેટ સુધી ચાલેલી મેચમાં ૪-૬, ૬-૧, ૬-૩થી હરાવી હતી. શારાપોવાનો ગાર્સિયા સામે જીત-હારનો રેકોર્ડ ૪-૧નો છે.

જર્મનીની એન્જેલિક કાર્બેરને બિન ક્રમાંકિત ફ્રાન્સની એલિઝે કોર્નેટે ૬-૪, ૬-૧થી પરાજય આપ્યો હતો. કાર્બેરે મેચમાં ૩૨ એરર કરી હતી. ત્રીજા રાઉન્ડમાં કોર્નેટનો સામનો ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી સામે થશે. નવમી ક્રમાંકિત ચેક ગણરાજ્યની કેરોલિના પ્લિસ્કોવાને નેધરલેન્ડ્સની કિકી બર્ટેન્સે ૬-૨, ૬-૨થી હરાવી બહાર કરી હતી. પ્લિસ્કોવા મેચમાં એકેય એસ લગાવ્યા નહોતા અને આઠ ડબલ ફોલ્ટ કર્યા હતા. બર્ટેન્સનો સામનો હવે ચેક ગણરાજ્યની પેટ્રા ક્વિટોવા સામે થશે. ક્વિટોવાએ એસ્ટોનિયાની એનેટ કોન્ટાવેટને ૬-૩, ૬-૪થી પરાજય આપ્યો હતો. રોમાનિયાની મિહેલા બુઝારેસ્કુનો સામનો પાંચમી ક્રમાંકિત એલિના સ્વિતોલિના સામે હતો જેમાં સ્વિતોલિનાએ ૬-૩, ૬-૭, ૪-૩ની લીડ મેળવી હતી ત્યારે બુઝારેસ્કુ ઈજાને કારણે મેચમાંથી ખસી ગઈ હતી.

નડાલનો આસાન વિજય 

ટોરોન્ટો : ટોચના ક્રમાંકિત રફેલ નડાલે રોજર્સ કપમાં ફ્રાન્સના બેનોઇટ પેયરેને ૬-૨, ૬-૩થી પરાજય આપી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. નડાલની નજર ચોથી વખત અહીં ટાઇટલ જીતવા પર છે. નડાલે અહીં ૨૦૦૫, ૨૦૦૮ અને ૨૦૧૩માં ટાઇટલ જીત્યું છે. નડાલનો સામનો સ્વિટ્ઝરલેન્ડના સ્ટેનિસલાસ વાવરિંકા સામે થશે. અન્ય એક મેચમાં એલેક્ઝાન્ડર ઝવેરેવે બ્રેડલે ક્લાહનને ૬-૪, ૬-૪થી હાર આપી હતી. નોવાક જોકોવિચે પીટર પોલાસ્કીને ૬-૩, ૬-૪થી હરાવી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો.