NIFTY 10,016.95 +28.20  |  SENSEX 31,924.41 +77.52  |  USD 65.2750 -0.08
1.6M
1M
1.7M
APPS

માર્કેટનો અંડરટોન બુલિશ છતાં સાવચેતી જરૂર રાખવી

 | 6:08 am IST

મીડ કેપ વ્યૂઃ  નયન પટેલ

યુ.પી. સહિત ચાર રાજ્યોમાં બીજેપી સરકાર બનવાની ખુશી ગત સપ્તાહે માર્કેટે ૯,૨૦૦ની લાઈફટાઈમ હાઈ સપાટીને સ્પર્શીને મનાવી. અઢી મહિનામાં નિફ્ટી ૭,૮૯૩.૮૦ની બોટમથી વધીને ૯,૨૧૮ની ટોચે પહોંચી ગઈ છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ રેકોર્ડબ્રેક સપાટીઓ જોવા મળી રહી છે. યુ.પી.માં અપેક્ષા કરતાં મોટી જીત બાદ ૨૦૧૯માં પણ દેશમાં સ્થિર સરકાર બનવાની સંભાવનાઓ વધી રહી છે. સાથે સરકાર પણ રિફોર્મ્સને લગતા બોલ્ડ સ્ટેપ લેવા તરફ મક્કમતાથી આગળ વધી શકે છે. ડિમોનેટાઈઝેશન બાદ પણ ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીઓનાં પરિણામો ધારણા કરતાં સુંદર રહ્યાં છે અને હવે ૧ જુલાઈથી જીએસટી લાગુ થયા બાદ આવનાર સમયમાં અર્િંનગ ગ્રોથમાં અને સરકારની રેવન્યુમાં મોટો સુધારો જોવા મળી શકે છે. એકંદરે નવો હાઈ બનાવ્યા બાદ પણ માર્કેટના અંડરટોન તેજીતરફી છે છતાં ટૂંકાગાળામાં જે રીતે તેજી થઈ છે અને શેરના ભાવ જે રીતે વધ્યા છે એ પછી ઉપરમાં વધેલા શેરોમાં ખરીદી કરતાં સાવચેતી રાખવી સલાહભરેલ છે. માર્કેટમાં ફેન્સીમાં રહેલી કેટલીક કંપનીઓના વેલ્યૂએશન ખૂબ જ ઓવરસ્ટ્રેચ થઈ રહ્યા છે તો ઘણાં શેરો હજુ પણ આકર્ષક વેલ્યૂએશને મળી રહ્યાં છે ત્યારે માર્કેટમાં આવનાર દિવસોમાં સ્ટોક સ્પેસિફિક રોટેશન જોવા મળી શકે છે. માટે ઉજ્જવળ ભવિષ્ય ધરાવતી, મજબૂત પ્રમોટર ટ્રેકરેકોર્ડ ધરાવતી કંપનીઓમાં શાણા લોકોના રૂપિયા શિફ્ટ થઈ શકે છે એ જોતાં તદ્દન સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે કામકાજ કરવાની સલાહ છે.  એસ્ટ્રો ટેક્નો વ્યૂ મુજબ નિફ્ટીમાં હવે ૯,૧૦૫થી ૯,૨૫૦ની ટ્રેડિંગ રેન્જ રહેશે જે તરફ બ્રેકઆઉટ આવશે એ તરફ બીજા ૧૦૦થી ૧૫૦ પોઈન્ટની ચાલ જોવાશે.

ડાર્ક હોર્સ

શીલચર ટેક્નો. (૫૩૧૨૦૧) (૩૮૫.૪)

શીલચર ટેક્નોલોજીસ વિવિધ પ્રકારના ટ્રાન્સફોર્મરનું ઉત્પાદન કરે છે. કંપનીની ઈક્વિટી માત્ર રૂ. ૩.૮૧ કરોડ છે જેની સામે રિઝર્વ રૂ. ૪૨.૮૨ કરોડ જેટલું મોટું છે. પ્રમોટરો ૬૫.૮૫ ટકા જેટલો ઊંચો સ્ટેક ધરાવે છે જેથી માર્કેટમાં ફ્લોટિંગ સ્ટોક ઘણો ઓછો છે. નાણાકીય વર્ષ ૨૦૧૭ના પહેલા નવ મહિનામાં કંપનીનો નફો ૪૫.૭૨ ટકા ઊછળીને રૂ. ૯.૨૧ કરોડ થયો છે અને કંપનીએ નવ મહિનામાં રૂ. ૨૪.૧૫ની ઈપીએસ હાંસલ કરી છે. માત્ર ૧૨ના સાવ જ નીચા પીઈથી ક્વોટ થતાં આ સ્ટોકમાં રૂ. ૩૫૦ના સ્ટોપલોસ સાથે રૂ. ૪૫૦/૫૨૫ના ટાર્ગેટ માટે રોકાણ કરી શકાય. શેરનો બાવન સપ્તાહનો હાઈ રૂ. ૫૨૫ છે.

સ્ટોક વોચ

ગુજરાત થેમીસ બાયોસીન (૫૦૬૮૭૯) (૪૯.૩૦)

કંપની બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન કરે છે તેમજ ફાર્મા કંપનીઓ માટે જોબવર્ક પણ કરે છે. બેલેન્સશીટમાં ઝડપથી સુધારો જોવા મળી રહ્યો છે. પ્રમોટર સ્ટેક ૭૪.૯૯ ટકા જેટલો ઊંચો છે. નવ મહિનામાં કંપનીએ રૂ. ૨૫.૨૫ કરોડના વેચાણ ઉપર રૂ. ૩.૦૨ કરોડનો નફો હાંસલ કર્યો છે. સ્ટોકમાં રૂ. ૪૩ના સ્ટોપલોસ સાથે રૂ. ૬૮.૭૦ના ટાર્ગેટ માટે રોકાણ કરી શકાય.

માર્કેટમાંથી સાંભર્યું છે

શારદા એનર્જી (૫૦૪૬૧૪) (૨૪૪)

સ્પોન્જ આયર્ન, બિલેટ્સ, ફેરો એલોય, ઈકો બ્રિક્સ, પેલેટ્સ જેવા પ્રોડક્ટો બનાવતી તેમજ માઈનિંગ અને પાવર સેક્ટરમાં પણ હાજરી ધરાવતી આ કંપનીના સ્ટોકમાં મુંબઈના કેટલાક પન્ટરો સક્રિય થયા છે અને ઝડપથી રૂ. ૨૭૫/૨૮૫ના ટાર્ગેટની વાત કરી રહ્યા છે.

કેસીપી લિમિટેડ (૫૯૦૦૬૬) (૧૦૪)

સિમેન્ટ, હેવી એન્જિનિયરિંગ, પાવર અને હોટેલ સેક્ટરમાં સક્રિય આ કંપનીના સ્ટોકમાં મોટા રોકાણકારોની એક તરફી ખરીદી થઈ રહી હોવાની ચર્ચા છે. સ્ટોક ઝડપથી રૂ. ૧૨૦/૧૨૫ના આંક બતાવે એવી ચર્ચા મજબૂત છે.