લગ્ન વિનાની જિંદગી જ શું ? - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS

લગ્ન વિનાની જિંદગી જ શું ?

 | 7:09 am IST

દાંપત્ય  । વર્ષા રાજ

હરિયાણાના હિસાર જિલ્લામાં જાટ પરિવારમાં જન્મેલી કૃષ્ણા પૂનિયા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત એથલિટ છે. પૂર્વ ખેલાડી અને કોચ વીરેન્દ્ર પૂનિયા રાજસ્થાનના ચુરુ જિલ્લાના રહેવાસી છે. આ દંપતીએ લગ્ન અને કરિયર બાબતેની કેટલીય પરંપરાગત ધારણાઓને તોડી છે. કૃષ્ણાએ લગ્ન પછી સ્પોર્ટ્સમાં પોતાની કરિયરને નવી ઊંચાઈ સુધી પહોંચાડયું છે. તો તેની પાછળ પતિ વીરેન્દ્ર પૂનિયાની પ્રેરણા અને ટ્રેનિંગની મોટી-મહત્ત્વની ભૂમિકા છે. બંને જયપુરમાં ભારતીય રેલવેમાંકાર્યરત છે.

લગ્ન તો એરેન્જ્ડ છે

કૃષ્ણા : હું ત્યારે કોલેજમાં હતી. વીરેન્દ્રના ઘરના સભ્યો માગું લઈને આવ્યા હતા. લગ્ન નક્કી થયા પછી અમે ૫-૬ મહિના કેમ્પમાં સાથે ટ્રેનિંગ લીધી. અમારા લગ્ન ૨૪-૧૧-૯૯ના રોજ થયા. ત્યારે હું ૨૧ વર્ષની હતી અને વિરેન્દ્ર ૨૬ના. વિરેન્દ્રએ મને પૂછયું કે તું ભવિષ્યમાં સ્પોર્ટ્સમાં રહીશ, મેં કહ્યું- હા.

વીરેન્દ્ર : મારા મિત્રો જગવીરસિંહ કૃષ્ણાના પરિવારને જાણતા હતા. હું એક લગ્નમાં ગયો હતો ત્યાં કૃષ્ણા પણ હતી. એ મને પસંદ આવી ગઈ. એ પછી મેં મારા ઘરવાળાઓને કૃષ્ણાના ઘરે મોકલ્યા. મારા દાદાજી-પિતાજીને પણ એ પસંદ આવ્યું. એવું કોઈ પ્લાનિંગ બિલકુલ નહોતું કે સ્પોર્ટ્સવાળી યુવતી સાથે જ લગ્ન કરવા, આ તો અનાયાસે જ મળ્યું.

ઓઢવું નહીં

કૃષ્ણા : સાસરીમાં બધાં પ્રગતિશીલ વિચાર ધરાવતા હતા. મારા સસરા પ્રધાનાચાર્ય હતા. બદ્નસીબી એ થઈ કે લગ્નના બે વર્ષ પછી એમનું નિધન થઈ ગયું. જ્યારે લગ્નની વાતચીત ચાલી રહી હતી ત્યારે જ એમણે કહ્યું હતું કે, ”બેટી, ઘૂંઘટ ન કાઢતી અર્થાત્ ઓઢતી નહીં.” જાટ પરિવારમાં એમની આ વિચારધારા બેહદ ક્રાંતિકારી ગણાય.

વીરેન્દ્ર : લગ્ન પૂર્વે પણ કૃષ્ણા ડિસ્કસ થ્રો હતી, એનું થ્રો સારું હતું, સ્ટ્રેન્થ સારી હતી, એટલે પરિવારે તેને આગળ વધવા કહ્યું. અમે લગ્ન પહેલાં નેશનલ કેમ્પમાં સાથે ટ્રેનિંગ લીધી હતી. લગ્ન પછી ૨૦૦૦માં એને બેક ઈજા થઈ એટલે બે વર્ષ સ્પોર્ટ્સથી દૂર રહી, પછી બેટા લક્ષ્યરાજનો જન્મ થયો. મા કહે કે, માથે ઓઢવાનું, પણ દાદા અને પિતાનું સ્પષ્ટ હતું કે માથે નહીં ઓઢવાનું.

પરિવારનો સાથ

કૃષ્ણા : મારાં સાસુ-સસરાએ મને બહુ સપોર્ટ કર્યો છે. જે વખતે હું પ્રેગ્નન્ટ હતી, એ વખતે સસરા ગુજરી ગયા. બેટો જન્મ્યો તો મેં સાસુના ખોળામાં મૂકીને કહ્યું કે હવે તમારે જ ઉછેરવાનો છે. બાળકના જતનમાં તેઓ પોતાનું દુઃખ ભૂલી ગયા.

વીરેન્દ્ર : છ માસના બેટાને મૂકીને અમે નેશનલ કેમ્પ ગયા હતા. કેટલીક વાર કૃષ્ણા ઈમોશનલ બની જઈને રડવા લાગતી. મારી માતાએ જ મારા દીકરાને ઉછેર્યો છે, હાલ તે દસમા ધોરણમાં છે.

પતિ અને કોચ

કૃષ્ણા : વિરેન્દ્ર મેચ્યોર અને ખુલ્લા મનના છે. અમારું અંડરસ્ટેન્ડિંગ ગાઢ છે. રમતની ટેક્નિકમાં ગરબડ થાય તો મને પણ તકલીફ થતી હતી, જેટલી વિરેન્દ્રને. વિરેન્દ્ર આંતરરાષ્ટ્રીય કક્ષાના એથલિટ રહ્યા છે. ૨૦૦૬માં મેં કેમ્પ જોઈન કર્યો ત્યારે બાબો નાનો હતો, હું કોચિંગ લઈ રહી હતી, પણ મારા પરફોર્મન્સથી સંતુષ્ટ નહોતી. ૨૦૦૪માં વીરેન્દ્રએ જ્યારે કેમ્પ જોઈન કર્યો ત્યારે મારી સાચી ટ્રેનિંગ શરૂ થઈ.

વીરેન્દ્ર : વર્ષ ૨૦૦૩માં મારા ઘૂંટણમાં ઈજા થઈ. મેં એક વર્ષનો કોર્સ કરીને પછી કોચિંગ શરૂ કર્યું. પત્નીના કોચ બનવાનો લાભ એ હતો કે તેને વઢી શકતો હતો, એક્સર્સાઈઝ કરાવી શકતો હતો, તેનું પોૃર વ્યવસ્થિત કરી શકતો હતો, જે અન્ય યુવતીઓ સાથે શક્ય નહોતું.

વર્ક-લાઈફ બેલેન્સ

કૃષ્ણા : બાળકને મોટું થતું ન જોઈ શકવાનો અફસોસ તો રહ્યો, પણ જ્યારે ગોલ્ડ મેડલ મળ્યો તો એ અફસોસ દૂર થઈ ગયો.

વીરેન્દ્ર : હવે તો એ સમજે છે કે મમ્મી તમે મહેનત કરો, એવોર્ડ જરૂર મળશે. એ બહુ જ કેરિંગ છે અને મેચ્યોર છે. અમે ઈચ્છીએ કે ભવિષ્યમાં તે પણ સ્પોર્ટ્સમાં આગળ વધે.

લગ્ન તો જરૂરી છે

વીરેન્દ્ર : અમે તો ગ્રામીણ સંસ્કૃતિવાળા છીએ. અમારું માનવું છે કે, સૃષ્ટિએ સ્ત્રી-પુરુષને એકબીજાના પૂરક બનાવયા છે. એકલા રહેનારાઓની તુલનામાં વિવાહિત લોકો વધુ ખુશ હોય છે. એકલ પરિવારોનાં બાળકો ધૈર્ય અને એડજસ્ટમેન્ટ શીખી શકતાં નથી. પૈસાની દોડ, બીજાઓ સાથે તુલના, આંધળી પ્રતિસ્પર્ધાને કારણે મોટા ભાગના લોકો આજે નાખુશ છે. આપણે ભવિષ્યમાં જીવીએ છીએ અને વર્તમાનની ઉપેક્ષા કરીએ છીએ. પહેલાં આજને બહેતર બનાવો. સંબંધ નિભાવતાં શીખો અને જીવનનો કોઈ મક્સદ બનાવો, તો જ સફળતા મળશે અને સંબંધ મધુર બનશે.

કૃષ્ણા : હું પણ એ જ માનું છું કે લગ્ન વગર જીવન અધૂરું છે. માનવી એકલો જીવવા માટે પેદા નથી થયો. આપણે જીવનમાં જે કંઈ પણ કરી રહ્યા છીએ, એના કેન્દ્રમાં પરિવાર અને સમાજ તો છે. પતિ-પત્ની એક ગાડીના બે પૈડાં છે. એક પૈડાંને પણ પંચર થયું તો ગાડી આગળ નહીં વધે. આજકાલના નવા યુગલમાં ધૈર્ય ઓછું છે. પહેલાં યુવતીઓની સાસરી દૂર રહેતી હતી, નવા પરિવારમાં એડજસ્ટમેન્ટમાં સમય મળતો હતો. હવે દર વખતે હાથમાં મોબાઈલ જ હોય છે. વળી પરિસ્થિતિઓમાં પોતાની રીતે સામંજસ્ય સાધવાનો સમય નથી કે ધૈર્ય પણ નથી. જો હું એમ ઈચ્છતી હોઉં કે પતિ મારા પરિવારનું સમ્માન કરે તો મારે પણ તેમના પરિવારનું માન રાખવું જોઈએ. ઘર યુવતીથી બને છે. મા-બાપ બાળકનું બૂરું નથી ઈચ્છતાં. એમની પાસે અનુભવ હોય છે, એનો લાભ લો અને એમના વિચારોનું સમ્માન કરો, તો જ જીવન સકારાત્મક દિશામાં જશે. અહમ્ને ત્યજીને બીજાના વિચારોને પણ સાંભળો અને સમજો તો જીવન વધુ સહજ અને આસાન બની શકે છે.

સારું-નઠારું બધું સ્વીકાર્ય

કૃષ્ણા : મારા પતિએ નાની ઉંમરથી બહુ જ જવાબદારીઓ સંભાળી છે. પતિયાલામાં પણ ઘણાં બધાં એથ્લેટિક્સ એમની સલાહ લેવા આવતા. વીરેન્દ્ર કેરિંગ બહુ જ છે. મારી બધી જરૂરિયાતોને પૂરી કરે છે.

વીરેન્દ્ર : કૃષ્ણામાં કોઈ દુર્ગુણ નથી. એ લગ્ન પછી સંયુક્ત પરિવારમાં આવી, પરંતુ તેણે સૌને પોતાના બનાવી લીધાં. ઘરે જાય તો ઘરેલુ યુવતી બની જાય છે. સામાજિક કાર્ય પણ કરે છે. કન્યાભ્રૂણ હત્યા રોકવા પણ કાર્ય કર્યું. બાળકોને સ્પોર્ટ્સ માટે પ્રેરિત કરે છે.