મેરેજ લાઈફ કેવા સંજોગોમાં શુષ્ક થાય છે ? - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • મેરેજ લાઈફ કેવા સંજોગોમાં શુષ્ક થાય છે ?

મેરેજ લાઈફ કેવા સંજોગોમાં શુષ્ક થાય છે ?

 | 5:05 am IST

સતરંગીઃ રશ્મિન શાહ

જરા વિચારો કે એક સમયે જેની સાથે રહેવાના ઓરતાં હતા એ જ વ્યક્તિ પર હવે ઘડીવારમાં ગુસ્સો કેમ આવી જાય છે, એવું તે શું બને છે કે જેની વાતો મધ જેવી મીઠી લાગતી હતી એની જ વાતોથી હવે ત્રાસ કેમ છૂટે છે?

ગયા વીકના તમે વાંચ્યું કે અનડિવોર્સ મેરેજ લાઈફ જીવવામાં આવી રહી છે. આ વાતને ખરેખર ગંભીરતાથી જોવાની જરૂર છે. જો ૪૯ ટકા જેવડી મોટી સંખ્યામાં કપલ આ રીતે જીવતાં હોય તો મારે કે તમારે નહીં પણ આવી રીતે જીવી રહેલાં કપલે એટલે કે હસબન્ડ અને વાઈફે નક્કી કરવાનું છે કે એવું તે શું બની ગયું કે તેમની મેરેજ લાઈફમાંથી ઉષ્માનું બાષ્પીભવન થઈ ગયું. એવું નથી કે આ જગતમાં માત્ર નકારાત્મક સર્વે જ થાય છે. હકારાત્મક અને સકારાત્મક સર્વે પણ થાય જ છે અને આવા જ એક સર્વેમાં બહાર આવ્યું છે કે પ્રાધાન્ય ઘટતું જવાને લીધે મેરેજ લાઈફમાં અંટસ ઉમેરાય છે અને એ અંટસ વચ્ચે સંબંધોમાં અંતર આવવાનું શરૂ થાય છે.

તાજેતરમાં થયેલા એક સર્વેમાં આવ્યા પ્રમાણે હસબન્ડ-વાઈફના રિલેશનમાં આવેલા અંતરને જો કાઢવાનું કામ કરવું હોય તો હસબન્ડે એવું ધારવાનું છોડવું પડશે કે એના નસીબમાં સૌથી મૂર્ખ વાઈફ આવી છે અને એવું જ વાઈફે કરવું પડશે કે એણે મનમાં જે ગ્રંથિ બનાવી લીધી છે કે એના હસબન્ડના જીવનમાં કોઈ સ્થાન નથી, જેને માન્યતાને એણે છોડવી પડશે. ભારતીય કપલની આ સૌથી દારૂણ અવસ્થા છે કે બંને પોતપોતાને સાચાં માને છે અને સાચાં માનીને જ આગળ વધવાનું કામ કરે છે. પોતે જ સાચાં છે એવું માનનારા કપલની સંખ્યા ભારતમાં ૫૩.૪૩ ટકાની છે. અફસોસની વાત એ છે કે આવી માન્યતા વચ્ચે પણ બંનેએ પૂરેપૂરી એકબીજાની ઈચ્છાને માન આપવું પડે છે પણ માન આપવાની જે વાત છે એમાં એટલો બધો ભાર ઉમેરી દેવામાં આવે છે કે માની લીધેલી વાતમાં મીઠાશનો અહેસાસ થતો જ નથી. યાદ રહે, મેરેજ ક્યારેય કોઈના ઉપર કરેલો કોઈ પ્રકારનો ઉપકાર નથી, નથી અને નથી જ. આમ કહીએ તો બેય પક્ષને બરાબરની ચટપટતી હતી એટલે જ આ ઘટના ઘટી છે એટલે એવું રખે માનતાં કે હવે આ સંબંધોને આગળ વધારવાની જવાબદારી સામેના પક્ષની છે. સામેના પક્ષ પર બધું છોડીને તમે જો હાથ પર હાથ ધરીને કે પગ ઉપર પગ ચડાવીને બેસી રહેશો તો કંઈ નહીં થાય. પ્રયાસો કરો તમારાં અને તમારા જ પ્રયાસોને જ તમે કેન્દ્રમાં રાખો. તમે જો એવું ધારતાં હો કે મારે શું તો યાદ રાખજો, સામેથી પણ એ જ વાત ઊભી થશે. મને શું છે. જ્યારે-જયારે આ પ્રકારના સંબંધોમાં હું મને અને મારા જેવા એકાક્ષરી ભાવો દાખલ થાય છે ત્યારે-ત્યારે લગ્નજીવનમાં ધારી ન હોય અને માની ન હોય એવી અંતરાઈઓ આવવાની શરૂ થાય છે. લગ્નજીવન એ હકીક્તમાં તો ‘હું’ કે ‘તું’ મટીને ‘આપણે’ થવાની દિશામાં આગળ વધવાની ઘટના છે અને એવું જ બનતું હોય છે પણ એ સંબંધોના શરૂઆતના તબક્કામાં, એ પછીના તબક્કામાં ફરી પાછા ‘આપણે’માંથી ‘હું’ અને ‘તું’ આવી જાય છે અને અંતરાઈઓનો નવો ધોધ શરૂ થઈ જાય છે.

 

તમને માનવામાં નહીં આવે પણ સર્વેમાં પણ પ્રસ્થાપિત થયું છે કે મોટાભાગના સંબંધોમાં ડિસ્ટન્સ ઊભું કરવાનું કામ મહિલાઓ દ્વારા એટલે કે વાઈફની સાઈડથી થતું હોય છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો સાથે રહેતાં હોય પણ એ પછી પણ અંતર અનુભવ કરતાં હોઈ એવા સંબંધોમાં ૧૬.૦૪ ટકા મહિલા અંતર કરવાનું શરૂ કરી દે છે. આ જે અંતર શરૂ થાય છે એ અંતર વખતે એ વાત ભુલાઈ જતી હોય છે કે મોટાભાગના કિસ્સામાં તો રહેવાનું સાથે જ છે અને સાથે રહેવાનું છે એ પછી કેટલીક વાતો કાયમ માટે એકબીજાના માનસપટ પર ઘટ્ટ અસર છોડી જશે તો બહેતર છે કે એવું કામ કરવાને બદલે વાતને વળ ચડાવવાનું છોડીને સરળતા સાથે જીવીએ.

તમે કલ્પના નહીં કરી શકો પણ મોટાભાગના હસબન્ડ-વાઈફના કિસ્સામાં એવું ધારી લેવામાં આવે છે કે અમને કંઈ નથી થવાનું અને અમે તો ઝઘડતાં રહેવાના છીએ. વાસ્તવિક્તા, સમયનું મહત્ત્વ કે પછી ઉંમરના અંદાઝને જોવામાં આવતો નથી અને એ પણ એક કારણ છે કે લગ્નજીવનના અમુક વર્ષો પછી કેટલીક બીમારી બેમાંથી એક કે પછી બંને પક્ષે ભોગવવી પડે છે. ભોગવવામાં આવતી આ તકલીફો વચ્ચે બધું જ બદલાય છે, રૂટિનમાં ફેરફારો પણ થાય છે અને જરૂરી લાઈફસ્ટાઈલમાં સુધારાવધારા પણ કરવામાં આવે છે પણ સ્વભાવમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી અને એ જ કારણે આવી ગયેલા અંતરમાં ઉમેરો થવાનો શરૂ થાય છે. ઉમેરો થતો રહે અને થઈ રહેલાં ઉમેરામાં ઘટાડો કરવાનો કોઈ પ્રયાસ થતો નહીં દેખાતો હોવાને લીધે સંબંધોમાં ન ઈચ્છતાં હો પ્રકારની બરડતા આવતી જાય છે અને એ બરડતાં જ સંબંધોમાં રહેલી પ્રેમની હૂંફ અને લાગણીની ઉષ્માનું બાષ્પીભવન કરે છે. જો સંબંધોને યથાવત્ રાખવા હોય, જો સંબંધોમાં રહેલી લાગણીમાં પ્રેમ અકબંધ રાખવો હોય તો સહાનુભૂતિ બહુ જરૂરી છે. ખરેખર ત્રાસ છૂટે એવી હકીક્ત એ છે કે હસબન્ડ તેના ડ્રાઈવર માટે અને વાઈફ એના શાકવાળા માટે સહાનુભૂતિ રાખે છે પણ એકબીજા પ્રત્યે સહાનુભૂતિ રાખવાનું કામ કરતાં નથી અને આ ફેક્ટ છે, એક નગ્ન સત્ય છે. ભૂલતાં નહીં, લગ્ન એ કોઈ એકની ઈચ્છા ક્યારેય શક્ય નથી. એ તમારા બંનેની મરજીથી જ આવેલું પરિણામ છે અને એટલે જ આ વાતને ડગલે-ને-પગલે યાદ રાખવાની છે. છણકો કરો ત્યારે પણ અને પ્રેમ દેખાડવાનું કામ કરો ત્યારે પણ ભૂલતાં નહીં, લગ્ન એ તમારા બંનેનો સહિયારો નિર્ણય છે અને આ સહિયારા નિર્ણયને અકબંધ રાખવાનું કામ તમારે બંનેએ જ કરવું પડશે. સામેવાળો પ્રયાસ ન કરે તો પણ તમે એ પ્રયાસ ચાલુ રાખો. એવું ધરીને કે સામે શિવલિંગ છે અને એના પર સ્નેહનો અભિષેક કરતાં રહેવાનો છે. રામ જાણે ક્યારેય એ રિઝે પણ હા, પ્રયાસનું પરિણામ હકારાત્મક હોય એ નક્કી છે.