Marriage rituals related to bride and grooms astrology
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • લગ્નમાં કેમ ચોળવામાં આવે છે પીઠી? મહેંદીનું શું છે મહત્વ? વિવાહમાં થતાં રીત-રિવાજો પાછળ આ છે કારણ

લગ્નમાં કેમ ચોળવામાં આવે છે પીઠી? મહેંદીનું શું છે મહત્વ? વિવાહમાં થતાં રીત-રિવાજો પાછળ આ છે કારણ

 | 10:34 am IST
  • Share

આપણા હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારમાં ખાસ મહત્વના સંસ્કાર એટલે વિવાહ. લગ્નને આપણે ત્યાં સાત જન્મોના બંધન માનવામાં આવે છે આપણે ત્યાં લગ્નમાં અલગ અલગ પ્રાંત અને જ્ઞાતી અનુસાર વિવાહ સંસ્કાર કરવામાં આવે છે. આજે આપણે એવા જ કેટલાક ખાસ પ્રચલિત રીત રિવાજ અંગે વાત કરીશુ. વિવાહ હોય એટલે પીઠી, મહેંદી, જયમાળા અને સેંથો પૂર્યા બાદ કંકુ-કોડીયે રમવા સુધીના દરેક રિવાજ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જાણીએ હિંદુ ધર્મના લગ્નમાં દરેક રિવાજ પાછળનું મહત્વ શું હોય છે.

વર કન્યાને પીઠી લગાવવી
વર હોય કે વધૂ લગ્નની શરૂઆત પીઠીથી કરવામાં આવે છે. માન્યતા છે કે પીઠીના કારણે ત્વચામાં નિખાર આવે છે. લગ્નમાં અનેક મહેમાન આવે છે તેમાં જો કોઈને ઈન્ફેક્શન હોય તો તે વર કે વધૂને ન લાગે તે માટે તેને હળદરનો આ ઉબટન લગાવવામાં આવે છે. હળદર એક એન્ટી બાયોટિકનું કામ કરે છે. હળદર આપણે ત્યાં શાસ્ત્રો અનુસાર શુભ માનવામાં આવે છે દુલ્હનને કે દુલ્હાને લગાવવાથી શુકન થાય છે.

મહેંદી
નવવધૂને ખાસ મહેંદી લગાવવામાં આવે છે. કહેવાય છે કે મહેંદીનો રંગ જેટલો ઘેરો હોય તેટલું તેનું વૈવાહિક જીવન સારું હોય છે. પરંતુ ખરેખર માન્યતા એવી છે કે લગ્ન સમયે અનેક પ્રકારની ચિંતા રહેતી હોય છે. મહેંદી માનસિક શાંતિ આપે છે. વધૂને ચિંતામુક્ત રાખવા માટે મહેંદી લગાવવામાં આવે છે.

વરરાજા ઘોડી પર સવાર થઈ આવે
જાન લઈને વર જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે તે ઘોડી પર બેસે છે. અનેક પ્રાણીઓમાં ઘોડી ખુબજ ચંચળ અને કામુક ગણાય છે. માન્યતા છે કે વર આ બંને વાતોને પોતાના પર હાવી ન થવા દે તે માટે તેને ઘોડી પર બેસાડીને લાવવામાં આવે છે. ઘોડાને શોર્ય અને વીરતાનું પ્રતિક માનવામાં આવે છે. ભગવાન રામે પણ વિવાહમાં ઘોડા પર બેસીને ગયા હતા. આ કારણે વરને ઘોડી પર બેસાડીને લાવવામાં આવે છે.

જયમાળા વિજયનું પ્રતિક
લગ્નવિધિમાં જયમાલળા એક મુખ્ય વિધિ છે. વર અને વધૂ એકમેકને ફૂલોની માળા પહેરાવે છે. માન્યતા છે કે વર અને વધૂ એકમેકની સ્વીકૃતિ પ્રદાન કરે છે. વિષ્ણુ પુરાણ અનુસાર દેવી લક્ષ્મી જ્યારે સમુદ્ર મંથનથી પ્રકટ થયા ત્યારે ભગવાન વિષ્ણુને માળા પહેરાવીને પતિના રૂપમાં સ્વીકાર કર્યો હતો. જયમાળા આ પરંપરાનું પ્રતિક છે.

માથામાં સેંથો પૂરવો
વિવાહ મંડપમાં સપ્તપદી બાદ વર વધૂને સેંથો પૂરે છે. આ માટે લાલ રંગના સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી તેને સમાજમાં તેની પત્નીના રૂપમાં સુહાગન માનવામાં આવે. સિંદૂર લગાવવા માટેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે જ્યાં સિંદૂર લગાવવામાં આવે છે ત્યાં બ્રહ્મરંધ્ર હોય છે. સિંદૂર લગાવવાથી મનને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. સુહાગનની નિશાની ગણાતું સિંદુર સોળ સણગારોમાં મહત્વનું છે.

વરરાજાના જૂતા ચોરવા
કહેવાય છે કે વિવાહના દિવસે વર રાજા સમાન હોય છે. વરરાજા જ્યારે વિવાહના મંડપમાં આવે છે અને જૂતા ખોલે છે ત્યારે વધૂની નાની બહેનો તે જૂતા છૂપાવી દે છે. વિવાહ પૂર્ણ થાય ત્યારે આ સાળીઓ જૂતા પાછા આપે છે. વરરાજા પાસે ગોઠ કરવામાં આવે છે અને પૈસા આપ્યા પછી જ જૂતા પરત મળે છે. જીજા અને સાળીના સંબંધો મધુર અને સ્નેહભર્યા રહે તેને માટે અને મોજ મસ્તી માટે આ રિવાજ શરૂ થયો છે. આ રિવાજની પાછળ કોઈ કારણ નથી માત્ર મસ્તી અને સંબંધોમાં મધુરપ માટે આ રિવાજ છે.

કંકુ-કોડીની પ્રથા
વિવાહ પૂર્ણ થાય અને નવવધુ સાસરીમાં આવે એટલે તરત જ નવદંપત્તિને કંકુ-કોડીથી રમાડવામાં આવે છે. જેમાં એક મોટા થાળમાં દૂધ અને ગુલાબની પાંદડીઓ સાથે કંકુ નાંખી દેવામાં આવે છે. તેમાં ચાંદીનો સિક્કો નાંખવામાં આવે છે. કોડી નાખવામાં આવે છે દંપત્તિ એક સાથે પાણીમાં હાથ નાખી આ સિક્કો કોડી શોધે છે માન્યતા છે જેને પહેલા મળે તેનું ઘરમાં રાજ ચાલે છે. આ રમત આવનારી નવવધુને થોડી હળવાશની પળો મળે તે માટે છે.

આ વીડિયો જુઓ: જાણો ઘરેબેઠા કેવી રીતે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન