મારા લગ્નની ટ્રેન સફર - Sandesh

મારા લગ્નની ટ્રેન સફર

 | 4:37 am IST

મને બધી જ જાતની ઊંચાઈઓનો ખૂબ જ ડર છે – ખીણો, પર્વતો, નદીઓ, રેલવે સ્ટેશન ઉપરના પુલો અને અરે, સંબંધો પણ મને ઢીલી કરી દે છે. આજે હું બધાનો અનુભવ કરવાની છું.

‘ક્રિષ્ના, જલદી કર, નહીં તો ટ્રેન ચૂકી જઈશું.’ મારા વિચારોમાં વિક્ષેપ પાડતી માની બૂમ સંભળાય છે.

‘જેટલું જલદી થઈ શકે તેટલું કરું છું.’ હું મનોમન બોલીને મારું ડાર્ક બ્રાઉન બ્લેઝર પહેરું છું.

મને અત્યંત ન ગમતી વાતોના લિસ્ટમાં એક વધારો કરું તો તે છે આ શિયાળાની ઋતુ. આવી સીઝનમાં મને સખત શરદી થઈ જાય છે અને સાચું કહું તો હું ઠંડી સહન જ નથી કરી શક્તી. એટલે જેટલા પહેરાય તેટલા ગરમ કપડાં મેં પહેરી લીધાં છે અને બીજા ઘણાં ગરમ કપડાં બેગમાં ભર્યાં છે.

અને ઓટોરિક્ષા આવી પહોંચે છે.

‘ચાલો, ચાલો, બધા અંદર બેસી જાવ.’ ડેડી કહે છે.

‘ક્રિષ્ના! શું છે આ ગાંડપણ! કેટલાં કપડાં બેગમાં ઠાંસી ઠાંસીને ભર્યાં છે. કેટલી વજનદાર થઈ ગઈ છે તારી બેગ!’ મારો ભાઈ અનુપ બરાડે છે.

‘ચિંતા ન કર. મારી બેગ હું ઉપાડી લઈશ. તારે ચિંતા કરવાની જરૂર નથી.’ આટલું વાક્ય તો હું બોલી ગઈ પણ પછી મને પસ્તાવો થયો કારણ કે બેગ ખરેખર ખૂબ જ વજનદાર થઈ ગઈ હતી!

અને પછી તો અમે મહાકાય રેલવેબ્રિજ પાસે આવી ગયા.

‘ઓકે, હું ઊંચકી શકીશ.’

મેં બહાદુર છોકરી બનવાનો પ્રયત્ન શરૂ કર્યો, પરંતુ ટ્રેનનો અવાજ અને બ્રિજની ઊંચાઈ ડરાવી નાખતા હતા. જ્યારે ઊંચાઈની વાત આવે એટલે હું સાવ બીકણ સસલી બની જાઉં છું.

‘આ રહ્યા આપણી બેઠકોના નંબરો.’ મમ્મીએ ટ્રેનમાં ચડયા પછી કહ્યું.

હું મારું લેપટોપ લઈને ઉપરની બર્થમાં ચડી જાઉં છું. અમારી મુસાફરી આખી રાતની હોવાથી બધા લોકો હમણાં સૂઈ જશે અને હું કોરિયન મૂવી ‘માય લીટલ બ્રાઈડ’ લેપટોપ પર જોઈશ. મને રોમેન્ટિક કોરિયન મૂવી જોવી બહુ ગમે છે.

રાતના ત્રણેક વાગે મને ઊંઘ આવવા માંડે છે પરંતુ મારે પહેલાં બાથરૂમ જઈ આવવું જોઈએ. આ માટે મારે ટ્રેન કોઈ સ્ટેશને ઊભી રહે તેટલી રાહ જોવી રહી; કારણ કે મારા એક બીજા ‘ફોબિયા’ની વાત કરું- ‘જો ટ્રેન ચાલુ હોય તો હું પેશાબ કરી શક્તી નથી.’ હવે તમને મારી બીક વિશેના લિસ્ટની બરાબર જાણ થઈ ગઈ હશે!

પછી તો હું બરાબર ઊંધી ગઈ અને ત્યાં તો અચાનક વરસાદ પડવા માંડયો અને હું આખી પલળી ગઈ. પાણીનું એક મોજું મારા પરથી સરકી રહે છે અને હું જાગી જાઉં છું!

‘અરે ગાંડા, અનુપ! તારા મગજનું કંઈ ઠેકાણું છે કે નહીં.’ ખેર, એ સ્વપ્નનો એક હિસ્સો બની ગયો. અનુપ મને જગાડવા મારા મોઢા પર પાણી રેડી રહ્યો હતો.

તે મૂર્ખાની જેમ હસતા હસતા બોલ્યોઃ ‘અંબાલા આવી જવાની તૈયારીમાં છે.’

જી હા, અમે અમારા ગામ જઈ રહ્યા હતા જે અંબાલાની નજીકમાં છે. ગામ જવું મને દરેક વખતે ખૂબ ગમતું, પરંતુ આ વખતે કંઈક જુદી જ વાત છે. સંબંધોના ડરનો મારે અહીં સામનો કરવાનો છે.

અમે ડી.એસ.શર્મા અંકલ અને તેમના કુટુંબને મળવા જઈ રહ્યા છીએ.

મને સાચા કારણની ખબર છે કે શા માટે અમે તેઓના કુટુંબને મળવાના છીએ. તેઓ (એટલે કે મારા માતા-પિતા) મારા લગ્ન શર્મા અંકલના એકના એક પુત્ર સાથે કરવા માંગે છે, જે તેઓ સાથે તેમના ફાર્મહાઉસમાં રહે છે. તેઓનું કુટુંબ માલદાર છે પરંતુ મારે ગામડાગામમાં રહેતા માણસ સાથે લગ્ન કરવા નથી જે પાછો ખેડૂત છે. મને લાગે છે કે તે ગ્રેજ્યુએટ પણ નહીં હોય- સાંકડા મનનો મા-બાપનો કહ્યાગરો. ગામડામાં રહેતા લોકોને ઘરગથ્થુ પત્નીઓ જોઈએ, નોકરી કરતી છોકરીઓ નહીં.

ટ્રેન સ્ટેશને પહોંચે છે. ડબ્બાઓમાં ઘૂસવા કુલીઓ દોડદોડ કરી રહ્યા છે. બધા ટ્રેનની બહાર આવી ગયા છે- એક હું નહીં. હું મારી ભારે ભરખમ બેગ સાથે મથામણ કરી રહી છું અને પછી અચાનક પ્લેટફોર્મ ઉપર પડું છું. માથું નીચે, પગ અધ્ધર. મૂરખ! હું ટ્રેનમાંથી ઊતરતાં પડી ગઈ હતી. ભગવાન, હું પણ સાવ મૂરખી જ છું- ડોબી, ડોબી, ડોબી….

હું મારી જાતે ઊઠવાનો પ્રયત્ન કરું ત્યાં તો ભીડમાંથી એક હાથ મને મદદ કરવા લંબાય છે. હું તે હાથ પકડી લઉં છું અને ઊભી થાઉં છું. ઊભી થયા પછી હું મારાં કપડાં પરની ધૂળ ખંખેરવા માંડું છું. પછી હું એ વ્યક્તિ તરફ ફરું છું – ‘આભાર તમારો’ કહેવા જેણે મને ઉઠાડવામાં મદદ કરી હતી. હું બાઘીચકવી બની જાઉં છું. તે માણસ તો જબરદસ્ત દેખાવડો છે.

‘આભાર તમારો.’ બસ આટલું જ બોલી શકી.

તેણે સફેદ ઝભ્ભો-લેંઘો પહેર્યા હતા. ઝભ્ભાના ઉપરના બટનો બીડયા વગરના હતા. તેની છાતીના સ્નાયુઓ તંદુરસ્ત વ્યક્તિને છાજે તેવા હતા. તેના હાથના સ્નાયુઓ તો વળી તેનાથી પણ મજબૂત અને ભરાવદાર હતા. શું તેને ઠંડી લાગી નહીં રહી હોય? કદાચ અત્યારે તે ઉષ્માભર્યો બની ગયો હશે!

અચાનક જ તેના અવાજના લીધે ચૂપકીદી તૂટે છેઃ ‘તમે બરાબર છોને?’

‘હા, ફરીથી તમારો આભાર.’ હું સહેજ રોકાઈને સહેજ શરમાઈને બોલું છું.

ત્યાં તો મમ્મીનો અવાજ આવે છેઃ ‘મારે કેટલીવાર તને સમજાવવું કે સાચવીને ચાલ.’

મારો ભાઈ તો હંમેશની જેમ હસ્યા કરતો હતોઃ હવે એ મહિના સુધી મારા આ પડી જવાની વાત બધાને કરતો ફરશે.

એ પછી મને ખ્યાલ આવે છે કે શર્માઅંકલનું આખું કુટુંબ ત્યાં જ ઊભું હતું અને પેલો દેખાવડો માણસ બીજું કોઈ નહીં પણ તેઓનો એકનો એક દીકરો છે. હજી મને તેના નામની ખબર નથી. આ તો ભારે મૂંઝવણની વાત થઈ.

‘તમારી બેગ મને આપી દો, પ્લીઝ.’ તે ધીમેથી મને કહે છે.

‘ના, ના, હું ઊંચકી લઈશ.’ હું બબડું છું.

‘હા, એ તો મેં જોઈ લીધું.’ એટલું બોલી તે મારા હાથમાંથી બેગ લઈ લે છે.

પછી તો તરત અમે તેઓની બાદશાહી કારમાં ગોઠવાઈ ગયા. તે કાર હંકારી રહ્યો છે અને મારા પેટમાં પતંગિયા ઊડી રહ્યા છે. હજી મને તેના નામની ખબર નથી.

છેવટે અમે ફાર્મહાઉસ ઉપર પહોંચીએ છીએ. સુંદર- અતિસુંદર. ચારે તરફ કુદરતથી ઘેરાયેલું. પ્રવેશદ્વારે ફૂલોની વેલો લટકતી હતી અને ત્યાં નામની તક્તિ છેઃ ‘શર્માનું નિવાસસ્થાન.’ બિલ્ડિંગ શ્વાસ થંભી જાય તેવું મનોહર છે. જીવનમાં જે કંઈ જોઈએ તે બધું જ ત્યાં છે.

હવે અમે સૌ અમારા અલગ-અલગ રૂમોમાં ગોઠવાઈ ગયા છીએ. મને સખત ઊંઘ આવે છે એટલે હું મારી રજાઈ નીચે સરકીને સૂઈ જાઉં છું.

હું જ્યારે જાગી જાઉં છું ત્યારે બહાર અંધકાર હોય છે. બારી બહાર જોતાં મને ખ્યાલ આવે છે કે આ મારો રૂમ નથી. હું ઊઠીને નીચે જાઉં છું- મેઈન હોલમાં.

બધા ત્યાં ડિનર લઈ રહ્યા છે- ત્યારે મને ખ્યાલ આવે છે કે હું આખો દિવસ સૂઈ રહી હતી.

‘આવ, વહાલી, ડિનર લઈ લે.’ આન્ટીએ કહ્યું.

મિસિસ શર્મા સુંદર અને દેખાવડાં મહિલા છે અને કોઈને પણ ખ્યાલ આવી જાય કે તેમના દીકરાને આટલું રૂપ ક્યાંથી મળ્યું છે.

મિ. પરફેકટ પણ ત્યાં જ છે, મારી મમ્મીની બાજુમાં બેઠા છે અને પોતાના કામકાજ અંગે વાતો કરી રહ્યા છે. હં, કેવો વર્તાવ- શું તેણે મને જોઈ પણ નહીં હોય? જાણે કે હું પહેલી બોલાવું…

ડિનર પછી અમે સૌ અમારા રૂમમાં ચાલ્યા જઈએ છીએ. હવે બધા સૂઈ જશે જ્યારે હું જાગતી રહીશ…

હાશ, મારું લેપટોપ મારી પાસે છે.

એ સમયે કોઈ મારો દરવાજો ખટખટાવે છે. ‘શું હું અંદર આવી શકું?’

‘હા’ હું જવાબ આપું છું.

અને ત્યાં તો સામે છે મિ.પરફેકટ.

‘મોમે પૂછાવ્યું છેે કે કંઈ તમારે જોઈતું હોય.’

‘નહીં, કશું જ નહીં, આભાર તમારો.’ હું હસતા હસતા કહું છું.

તે જવા માટે ફરે છે અને અચાનક પાછા ફરીને પૂછે છે, ‘તમે લેપટોપ ઉપર શું કરી રહ્યા છો?’

‘કંઈ નહીં, બસ મૂવી જોઈ રહી છું.’

‘શું હું પણ તમારી સાથે જોઈ શકું?’

‘ઓહ, ઓકે.’ હું કહું છું. મને નવાઈ લાગે છે. જમવાના ટેબલ સમયે તો તેણે મારી સામે પણ જોયું નહોતું.

‘કોરિયન મૂવી છે નહીં? ખૂબ રોમેન્ટિક હોય છે નહીં?’ તે સહેજ હસતા હસતા બોલે છે.

‘મને રોમેન્ટિક કોરિયન મૂવી ગમે છે.’ હું અચાનક જ બોલી ઊઠું છું.

‘તમે પાસે હોરર મૂવી નથી?’

– અચ્છા, મને ખબર પડી ગઈ. તમે મારી સાથે ગેલમસ્તી કરવાનો પ્રયત્ન કરવાના છો.

ખેર, મને લાગે છે કે તેઓ થોડાઘણા અંશે સફળ થયા છે. હું અભિભૂત થઈ છું.

‘હા, મારી પાસે હોરર મૂવી છે, પરંતુ તે તમે મારી સાથે બેસીને ન જુઓ તો સારું રહેશે. હોરર મૂવી જોતી વખતે હું ચીસ પાડી ઊઠું છું. જો કે મોટાભાગની મૂવી હું જોતી જ નથી. હું મારી આંખો ઢાંકેલી રાખું છું એથી જો કંઈ ભયંકર બને તો હું તરત આંખો બંધ કરી દઈ શકું.’

‘ઓકે, તો પછી ચાલો આપણે તમારી રોમેન્ટિક કોરિયન મૂવી જોઈએ.’ તે મરક મરક હસતા કહે છે.

‘માફ કરજો, પણ તમારું નામ શું છે?’ હું પૂછું છું.

‘તમને મારું નામ ખબર નથી?’ તેને મજા ન પડી હોય તેવું લાગ્યું.

‘આપણી યોગ્ય ઓળખાણ કોઈ કરાવે તેવો સમય જ મળ્યો નહોતો.’ હું વિસ્તારથી સમજાવું છું.

ક્રમશઃ