મંગળ ઉપર વસાહત બનાવી રહી શકાય? - Sandesh
  • Home
  • Kids Corner
  • મંગળ ઉપર વસાહત બનાવી રહી શકાય?

મંગળ ઉપર વસાહત બનાવી રહી શકાય?

 | 12:09 am IST

જ્ઞાન-વિજ્ઞાન :- માખન ધોળકિયા

મંગળ ઉપર માણસોને વસાવવા માટે ત્યાં પાણી છે કે નહીં એની તપાસ કરવામાં આવી રહી છે. પાણીના અવશેષ મળી આવ્યા પછી ત્યાં કેટલું પાણી છે એની તપાસ ચાલી રહી છે. અને પાણી મળી આવે તો પાણીના સહારે જીવન જરૂર ટકી શકે એ સિદ્ધાંતના આધારે મંગળ ઉપર માનવ વસાહતો વસાવવાના પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે.

આ વસાહતોમાં માણસો રહી શકે એ માટે મંગળ જેવું જ વાતાવરણ ઊભું કરીને એમાં મહિનાઓ સુધી કેદ રહેવાની તાલીમ પણ સાહસિકો લઈ રહ્યા છે. છાશવારે એવા સમાચાર આવે છે કે મંગળ ઉપર મળી આવેલો ફલાણો પુરાવો પુરવાર કરે છે કે ત્યાં માણસો વસી શકશે. મંગળ ઉપર માણસોએ જઈને વસાહતો બનાવી લીધી છે અને ત્યાંના ખૂબ જ ઉગ્ર વાતાવરણમાં એ લોકો શી રીતે વસી રહ્યા છે એની ફિલ્મો પણ બની રહી છે.

આ બધી વાતોથી આપણને ખાતરી થઈ જાય છે કે મંગળ ઉપર આજે નહીં તો વીસ, પચાસ, સો વર્ષે ચોક્કસ માણસો વસતા થઈ જશે. સો વર્ષ પહેલાં કોઈ માણસ અવકાશમાં જઈ શકે એ માનવા કોઈ તૈયાર નહોતું, આજે માણસો છાશવારે અવકાશમાં જઈ રહ્યા છે એમ એક દિવસ મંગળ ઉપર વસાહતો બનશે અને માણસો રહેશે એ વાત કોઈ માને કે ન માને એક દિવસ એવો જરૂર આવશે કે મંગળ ઉપર માણસો રહેતા હશે. દલીલોથી આ વાત પુરવાર કરી શકાય છે અને વાત આપણા ગળે ઉતરી જાય એવી છે. પરંતુ આ બધી વાતો સોહામણા સપનાં બતાવવાની જ વાતો છે. જે વાસ્તવમાં શક્ય બનવાની નથી.

તદ્દન શક્ય લાગતી આ વાત કેમ શક્ય નથી એ સમજીએ. આપણી પૃથ્વી ઉપર પાણીનો ભંડાર છે, પરંતુ એમાંથી ૭૫ ટકાથી વધારે પાણી પીવાલાયક નથી. તો મંગળ ઉપર મળી આવેલા પાણીના અવશેષો પીવાલાયક પાણીના જ છે એ શી રીતે નક્કી કરી શકાય? બીજું આપણે અન્ય ગ્રહ પર વસાહત બનાવવાની જરૂર કેમ પડે છે? કારણ કે આપણે પૃથ્વીને એટલી હદે નુકસાન કરી દીધું છે કે થોડા દાયકાઓ પછી પૃથ્વી આપણી રક્ષક નહીં રહે, ભક્ષક બની જશે. પૃથ્વી જેવી આદર્શ જગ્યાને જો આપણે ફરી રહેવાલાયક ન બનાવી શકતા હોઈએ તો મંગળ જેવા માનવભક્ષી ગ્રહને શી રીતે રહેવાલાયક બનાવીશું? ત્યાં અનાજ શી રીતે ઉગાડીશું? શાકભાજી શી રીતે ઉગાડીશું? પાણીનો પ્રવાહ શી રીતે ચાલુ રાખીશું? આવા તો સેંકડો સવાલો છે જેના જવાબ નથી.

અમેરિકાના એરિઝોનામાં પર્વત, ઢોળાવો, દરિયો, વગેરે ભૂગોળ રચીને એમાં જળાશય બનાવીને સીલ કરી દેવામાં આવ્યું. એમાં પૃથ્વીના વાતાવરણ જેવી હવા મળતી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી. આશા હતી કે દરિયામાંથી વાદળો બનશે. પર્વતો ઉપર વરસશે, નદીઓ બનશે, જંગલો વિકસશે અને એક નાનકડી મોડેલ પૃથ્વી તૈયાર થશે. પછી આવું જ મોડેલ મંગળ ઉપર બનાવીશું, પરંતુ એ પ્રયોગ નિષ્ફળ જતાં ચૂપચાપ બંધ કરી દેવામાં આવ્યો છે.

[email protected]