Mayawati and Prime Minister Narendra Modi's perennial bliss
  • Home
  • India
  • માયાવતી અને PM મોદી વચ્ચેનો શાબ્દિક જંગ ચરમસીમાએ, BSP સુપ્રીમોએ લગાવ્યો આ આરોપ

માયાવતી અને PM મોદી વચ્ચેનો શાબ્દિક જંગ ચરમસીમાએ, BSP સુપ્રીમોએ લગાવ્યો આ આરોપ

 | 5:53 pm IST

બસપા સુપ્રીમો માયાવતી અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે વચ્ચે શાબ્દિક જંગ ચરમસીમાએ પહોંચ્યો છે અને એનાથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે માયાવતી પોતાને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરી રહી છે. આનો અંદાજ તેમની વચ્ચે ચાલતા આરોપ-પ્રત્યારોપોમાં જોવા મળી રહ્યો છે. મોદી ચૂંટણી રેલીમાં માયાવતી અને ગઠબંધન પર આરોપો લગાવે છે અને માયાવતી એનો પલટવાર કરવામાં જરાય પાછીપાની કરતાં નથી. માયાવતીએ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કરતાં કહ્યું હતું કે મોદી જેમ માત્ર કાગળ પર જ ઓબીસી છે એમ તેઓ માત્ર કાગળ પર જ ઈમાનદાર છે.

મેં સંપત્તિ છુપાવી નથી

માયાવતીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પીએમ મોદી શાલીનતાની તમામ હદ પાર કરી ચૂક્યા છે. તેઓ બસપાને બહેનજીની સંપત્તિ વાળી પાર્ટી કહેવામાં ગભરાતા નથી. પણ મારી પાસે જે છે એ તમામ મારા શુભિચંતકો અને સમાજે આપેલું છે. મેં કંઈ પણ સરકારથી છુપાવ્યું નથી. છેલ્લાં પાંચ વર્ષમાં અમને બદનામ કરવાની વારંવાર કોશિશ થઈ પણ તેઓ નિષ્ફળ રહ્યા કારણ કે અમારો હિસાબ એકદમ સાફ છે.

ભાજપના લોકો પાસે બેનામી સંપત્તિ

માયાવતીએ આરોપ લગાવ્યો હતો કે મોદીએ અપરિપક્વ રીતે નોટબંધી અને જીએસટી લાગુ કરી હતી. એમના ઓળખીતા ભ્રષ્ટ શ્રીમંત મિત્રો જનતાએ બેન્કોમાં ભરેલા નાણાં લઈને ભાગી ગયા. પોતાને સાફ અને ઈમાનદાર અને બીજા લોકોને ભ્રષ્ટ સમજવાની એમને બીમારી છે. જોકે દેશ જાણે છે કે સૌથી વધારે બેનામી સંપત્તિ ધરાવતા ભ્રષ્ટ લોકો જ ભાજપ સાથે જોડાયેલા છે. ભાજપ અને વડા પ્રધાન વાસ્તવમાં છે કંઈક અલગ પણ લોકો સમક્ષ તેઓ ઈમાનદાર હોવાની છબી બનાવે છે. તેમનો દરેક હિસાબ છુપાયેલો રહે છે.

મોદીની વિરાસત કાળા ધબ્બા સમાન

માયાવતીએ કહ્યું હતું કે હું જેટલો સમય ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી રહી એનાથી વધારે સમય સુધી મોદી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા છે પણ એમની વિરાસત ભાજપ અને દેશ પર કાળા ધબ્બા સમાન છે. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેનો તેમનો કાર્યકાળ અરાજકતા, સંકીર્ણતા, હિંસા, તંગદિલી, અફરાતફરી, દ્વેષ અને ધૃણાથી ભરેલો રહ્યો છે. હું ચાર વખત ઉત્તર પ્રદેશની મુખ્ય મંત્રી રહી પણ એ સમયે રાજ્ય દંગલો અને અરાજકતાથી મુક્ત હતું. અમારી વિરાસત બેહદ સાફ અને વિકાસપૂર્ણ રહી છે.

મોદી દલિત વિરોધી

મોદીએ માયાવતી પર આરોપ લગાવ્યો હતો કે તેઓ દલિતની નહીં દૌલતની બેટી છે. એનો જવાબ આપતાં માયાવતીએ કહ્યું હતું કે આ એમનો અસલી ચહેરો દર્શાવે છે. એમની માનસિકતા દલિતો પ્રતિ ઘોર જાતિવાદી છે. આ લોકો વર્ષોથી પીડિત અને શોષિત સમાજને આગળ વધવા દેવા માગતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન