Mayawati to hold 11 joint rallies from April 7
  • Home
  • Election 2019
  • માયાવતીની રેલીઓ દ્વારા સાથી સમાજવાદી પાર્ટીના ગઢમાં જ ગાબડા પાડશે!

માયાવતીની રેલીઓ દ્વારા સાથી સમાજવાદી પાર્ટીના ગઢમાં જ ગાબડા પાડશે!

 | 10:54 pm IST

લોકસભા ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની વચ્ચે ગઠબંધન બાદ બંને પક્ષોના ટોચના નેતા પ્રજાને રીઝવવા માટે સંયુક્ત રેલીઓ પણ યોજવાના છે. અખિલેશ યાદવ અને માયાવતી એક સાથે રાજ્યમાં 11 રેલીઓ યોજશે, જો કે એ સંયુક્ત રેલીઓમાં એક સવાલ એ પણ ઊઠયો છે કે 11માંથી 9 સંયુક્ત રેલી સમાજવાદી પાર્ટીના ગઢમાં કેમ યોજાઈ રહી છે ?

નવરાત્રિના પ્રારંભ સાથે સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ, બસપા પ્રમુખ માયાવતી અને આરએલડીના પ્રમુખ અજિતસિંહની સંયુક્ત રેલીઓનો પ્રારંભ થશે. આ સંયુક્ત રેલીઓમાં મૈનપુરી, કન્નોજ, બદાયૂં, ફિરોજાબાદ અને આઝમગઢની બેઠકો પણ છે, જે હાલમાં યાદવ પરિવાર પાસે છે. 80 ટકા રેલીઓ સપાના ગઢ ગણાતા વિસ્તારમાં યોજાઇ રહી છે, તેની પાછળનું કારણ શું?

જાણકારોનું કહેવું છે કે સમાજવાદી પાર્ટીની વોટબેન્ક માયાવતીની સાથે એટલી દૃઢતાથી રહેશે નહીં, જેટલી માયાવતીની વોટબેન્ક તેમના એક ઇશારે સમાજવાદી પાર્ટીને મત આપે છે. મુલાયમસિંહ, રામગોપાલ યાદવ, ડિમ્પલ યાદવ, આઝમ ખાન જેવા પરિવારના લોકો માટે રેલી યોજીને માયાવતી એ સંદેશ આપવા માગે છે કે યાદવ પરિવારથી તેમના જૂના મતભેદ ખતમ થઇ ગયા છે અને હવે બંનેના સબંધોમાં મધુર છે અને કોઇ ખટરાગ નથી.

બીજી તરફ ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીના મતે વાસ્તવમાં અખિલેશ યાદવની હતાશા અને ચૂંટણીનો ભય છે, જે તેમને માયાવતીને પોતાના અને પરિવારના વિસ્તારમાં રેલી કરવા માટે મજબૂર કરી રહ્યો છે. સપાની હાલત એવી છે કે તે કોઇ પણ સંજોગોમાં કમસે કમ પોતાના પરિવારની બેઠકો બચાવવા ઇચ્છે છે અને તેથી પણ અડધાથી વધુ સંયુક્ત રેલીઓ ફક્ત સપાના વિસ્તારમાં યોજાઈ રહી છે.

મુલાયમસિંહ માટે મત માગીને માયાવતી ઇતિહાસ રચશે !

ક્યારેક એક બીજાના કટ્ટર વિરોધી રહેલા સપા અને બસપાની વચ્ચે લોકસભાની ચૂંટણી માટે ગઠબંધને કેટલાય લોકોને ચોંકાવ્યા હતા. હવે તેના કરતાં પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે બસપાના પ્રમુખ માયાવતી સપાના સુપ્રિમો મુલાયમસિંહ યાદવ માટે ચૂંટણી પ્રચાર કરશે ! ક્યારેક માયાવતીને ફૂટેલી આંખે પણ જોવા રાજી ન હતા, એવા મુલાયમસિંહ મૈનપુરી બેઠક પરથી ચૂંટણી લડશે. આ બેઠક સપાનો ગઢ છે. મુલાયમસિંહનો પ્રચાર કરવા માટે માયાવતી 19મી એપ્રિલે પ્રચાર કરશે. આ મતવિસ્તારમાં સંયુક્ત રેલી પણ યોજાશે. આ રેલી એવા સમયે યોજાઇ છે કે જ્યારે મુલાયમે એસપી-બીએસપી ગઠબંધનના બેઠકોની વહેંચણી માટે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન