મસાલા ઢોંસા, બર્ગર અને અંડા ભુરજીનો પણ મેકડોનાલ્ડમાં આસ્વાદ માણી શકાશે

424

વિશ્વની સૌથી મોટી ચેઈન રેસ્ટોરન્ટ મેકડોનાલ્ડમાં હવે વિદેશી સાથે દેશી વાનગીસભર મેનૂ જોવા મળશે. દેશી મેનૂમાં મુખ્યત્વ મસાલા ઢોંસા બર્ગર સાથે મોલેગા પોડી સોસ અને અંડા ભુરજીનો આસ્વાદ માણી શકાશે.

આ દેશી-વિદેશી મેનૂનો પ્રથમ મુંબઈમાં અમલ થશે. નવી વાનગીઓ ફ્રાય નહીં પણ ગ્રીલ હશે. આનો આશય પોષાય તેવા ભાવ સાથે ગ્રાહકોની સંખ્યામાં વધારો કરવાનો છે. 13 જાન્યુઆરીથી મુંબઈના મેકડોનાલ્ડના 44 આઉટલેટમાં દેશી રેસીપીના ઉમેર સાથે નવું મેનૂ જોવા મળશે. નવા દેશી નાસ્તાનો ભાવ ખિસ્સાને પોષાય તેવો રૂ. 30થી લઈ રૂ. 135 સુધીનો હશે. આ દેશી નાસ્તાનો સ્વાદ મેડડિલિવરી અને ટેકઅવે કિયોસ્ટ મારફતે માણી શકાશે. કંપની આ નવા મેનૂનો દેશભરમાં ક્રમશ અમલી બનાવશે.

પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં મેડોનાલ્ડના 240 જેટલા રેસ્ટોરન્ટનું સંચાલન કરતી વેસ્ટલાઈફ ડેવલપમેન્ટના વાઈસ-ચેરમેન અમિત જતિયાએ જણાવ્યું હતું કે દેશી નાસ્તાના રસિયાઓમાં વધારો થવાની અમને અપેક્ષા છે. મેકડોનાલ્ડની આ નવીન પહેલને પગલે ભારતીય નાસ્તા બજારમાં જોરદાર ઉછાળો આવશે.

મેકડોનાલ્ડે પ્રથમવાર જ તેના મેનૂમાં ભારતીય નાસ્તાનો સમાવેશ કર્યો નથી. અગાઉ એટલે કે 1997માં મેકઆલુ તિક્કી બર્ગર અને ત્યારપછી પનીર બર્ગર તથા રેપનો મેનૂમાં સમાવેશ કરાયો હતો.