મને એ યુવતીએ સ્મિત શું ઇંગ્લિશમાં આપ્યું ઘડીભર એમ લાગ્યું કે બ્રિટનમાં વાસો છે! - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • મને એ યુવતીએ સ્મિત શું ઇંગ્લિશમાં આપ્યું ઘડીભર એમ લાગ્યું કે બ્રિટનમાં વાસો છે!

મને એ યુવતીએ સ્મિત શું ઇંગ્લિશમાં આપ્યું ઘડીભર એમ લાગ્યું કે બ્રિટનમાં વાસો છે!

 | 3:07 am IST

ચિંતન । વી. એમ. વાળંદ

સ્મિત ચહેરાનું આભૂષણ છે. લેખક રોબર્ટ ર્હાિંલગનું અવતરણ છે. સ્મિત તમારી ફેસવેલ્યૂ વધારે છે.

દરેક દેશનું સ્મિત હોય છે. અમેરિકનવાસીઓ અપરિચિત વ્યક્તિને પણ સ્માઇલ આપે, જ્યારે શિસ્તબદ્ધ બ્રિટિશરો અજાણ્યા સામે સ્માઇલ ખર્ચતા નથી. એક મુશ્કેટાટપણું એમને વારસામાં મળેલું છે.

અમુક પાત્ર-કલાકાર એવાં હોય કે એમને જોઈને આપણા ચહેરે સ્મિત ફરકે. દાખલા તરીકે ચાર્લી ચેપ્લિન, મહેમુદ, મિસ્ટર બિન, ટોમ એન્ડ જેરી, ફુંગ ફું પાંડા.

ટી.વી. પર મહાભારત સિરિયલે ધૂમ મચાવી હતી. એમાં કૃષ્ણની ભૂમિકામાં નીતીશ ભારદ્વાજનું સ્મિત દર્શકોના મનમાં એક કાયમી છાપ આંકતું ગયું. મોગેમ્બોની ભૂમિકામાં અમરીશ પુરીનું કનિંગ સ્મિત વિલનની વ્યાખ્યા સમજાવતું ગયું.

નાના બાળકનું સ્મિત દુનિયાની પેલે પાર લઈ જવા સક્ષમ છે. ભગવાનનું આદર્શ સ્મિત કેવું હોઈ શકે એની ઝલક એમાં પામી શકાય. સૂતેલા બાળકના ચહેરે પ્રગટતા સ્મિતના સંદર્ભમાં ટાગોરે ગીતાંજલિમાં લખ્યું છે.

બીજના ચંદ્રનું ઝાંખું કિરણ પાનખરના વાદળની કિનાર પર પડયું અને ઝાકળભરી સવારના સ્વપ્નમાં સ્મિતનો સૌ પ્રથમ જન્મ થયો.

પ્રિયતમના સ્મિત માટે ટળવળતા પ્રેમની તરસનો અંદાજ કદાચ આવી શકે પણ એની તીવ્રતા અનુભવવા તો પ્રેમી બનવું જ પડે. પ્રિયતમાનું સ્મિત બંને રીતે કાતિલ છે. એ હકારનું હોય તો પ્રેમી ખુશીમાં સાન-ભાન ગુમાવી દે અને નકારનું હોય તો દિલ તારતાર થઈ જાય.

વિમાનસેવામાં પરિચારિકાઓ સર કે મેડમ કહી જે સ્મિત વેરે છે એ આમ તો એમની ફરજનો એક ભાગ છે, છતાં પ્રવાસીઓ માટે એ મૂલ્યવર્ધક હોય છે. વિચાર કરો કોઈ અત્યંત રૂપાળી એરહોસ્ટેસ કટાણું મોં કરીને તમને ખાવાનું પીરસે તો એ તમારા ગળે ઊતરે ખરું? સ્મિત પાસે રૂપને ઓવરેટક કરવાની શક્તિ છે.

સ્મિત પાસે વિનય-વિવેકની અભિવ્યક્તિ અપેક્ષિત છે. ભજન ગમે એટલું ગમતું હોય પણ પ્રાર્થનાસભામાં સ્મિત રેલાવીને એનું ગાન થાય તો મૃતક પરિવારની આંખો પર ઊઝરડા પડે. એ જ રીતે પાર્ટીનો માહોલ કે ગીત-ગઝલની મહેફિલ હોય ત્યારે સોગિયા મોંઢે થતી રજૂઆત મીઠાઈમાં કારેલાનો ટેસ્ટ સરકાવે છે.

હોસ્પિટલમાં સાજા થયેલા દર્દીનું સ્મિત ડોક્ટર માટે એવોર્ડ છે. આ સ્મિતમાં થેન્ક્સ સાથે અહોભાવ સમાયેલો છે. બાળપણનું બોખું સ્મિત અને વૃદ્ધત્વનું બોખું સ્મિત આ દુનિયાના પરમ પવિત્ર એક્સ્પ્રેશન્સ છે. દાદા-દાદી કોઈ નાના-નાની પાર્કમાં હસીને વાત કરતાં હોય ત્યારે એમ લાગે કે દાંપત્યનો ખરો અર્થ તો વૃદ્ધાવસ્થામાં જ સમજાવી શકે.

આખી જિંદગીમાં વિવિધ પાત્ર અને પરિસ્થિતિમાં વિહરતાં સેંકડો સ્મિતમાંથી કોઈ એક મિલેનિયમ સ્મિતની પસંદગી કરવાનું કોઈ કહે તે તમે શેની પસંદગી કરો?

અમારી દૃષ્ટિએ માતા પોતાના તાજા જન્મેલાં બાળકને પહેલી જ વાર જુએ ત્યારે જે સ્મિત જન્મે છે એ સ્મિત પરમ તેજનું છે. એમાં માત્ર વાત્સલ્યનો જ ઝબકારો નથી, પણ ઈશ્વરે હજુ સુધી માનવજાતમાં ટકાવી રાખેલી શ્રદ્ધાનો અણસારો છે.

અનેક દુઃખની ભરમાર વચ્ચે અંતે જિંદગીમાં જે ઝોક કેળવવાનો છે એ જવાહર બક્ષીના આ લેખમાં વણાયેલો છે.

અમ દોસ્ત, ગઈ નથી હજી ગુંજાશ સ્મિતની

સેવાનાં કારણો તો મને મારા ઘણાંય છે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન