મારા મીડિયા સેલની સતત આખા વિશ્વના મીડિયા પર નજર છે - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • મારા મીડિયા સેલની સતત આખા વિશ્વના મીડિયા પર નજર છે

મારા મીડિયા સેલની સતત આખા વિશ્વના મીડિયા પર નજર છે

 | 4:01 am IST

ગોડફાધર્સઃ શીલા રાવલ

શકીલ એક એવો ગેન્ગસ્ટર છે જેની સાથે હું ૧૯૯૪થી ટેલિફોનિક સંપર્કમાં રહી છું. એને લગતી કે ડી કંપનીને લગતી સ્ટોરી એર થાય કે તરત જ એ જ્યાં પણ છુપાયો હોય ત્યાંથી મને ફોન કરે એ મારા માટે એક સ્વાભાવિક રૂટીન બની ગયું હતું. આ વખતે એણે ફોન કર્યો તો એના અવાજમાં ગજબની કરડાકી હતી. એણે કહ્યું, યે સૈયદ અનસારી કૌન હૈ? આ પ્લીઝ મુઝે ઉસ કા નંબર દિજિયે.

શકીલ જેનો નંબર માગતો હતો એ અમારા ટીવી શોનો એન્કર હતો.

મેં શકીલને ટાઢો પાડવા પ્રયાસ શરૂ કર્યો, દેખો શકીલભાઈ ઈસ મેં ઐસા હૈ…!

પણ એ મારી વાત પૂરી સાંભળ્યા વગર કહે, આપ વો સબ છોડીયે, મુઝે ઉસ કા નંબર દે દીજિયે બસ! મૈં ઉસ કો બતાના ચાહતા હૂં કિ આપ કે ચેનલ પર મેરે બારે મેં બાત કરના હો તો કૈસે કરના ચાહિયે! આપ કા ચેનલ બડા નામવર હૈ. ઉસ કી ઈઝઝત હૈ. ઔર યહ આદમી મેરે બારે મેં ઐસી નોનસેન્સ લેન્ગ્વેજ મેં બાત કર રહા હૈ?

આખરે મેં શકીલ ને કહ્યું, દેખિયે શકીલભાઈ, આપ જિસ કી બાત કર હે હૈં, વો હમારે ચેનલ કા એન્કર હૈ. વો કેમેરા કે સામને જો બોલતા હૈ વો ઉસ કે શબ્દ નહીં હોતે, ઉસ કે દિમાગ સે નહીં બોલતા હૈ, ઉસ કે પાસ લિખિ હૂઈ સ્ક્રિપ્ટ હોતી હૈ. ઉસ કો તો સિર્ફ પઢના હોતા હૈ.

સ્ક્રિપ્ટ લિખને વાલે કોઈ ઔર હી હોતે હૈં. આપ મુઝે બતાઈએ કિ સ્ક્રિપ્ટ મેં કૌન સે વર્ડ કે બારે મેં આપ બાત કર રહે હૈં, તો મૈં જિસને ભી વહ સ્ક્રિપ્ટ લિખા રહેગા ઉસ કો સમઝા દૂંગી કિ અબ કી બાર વહ ધ્યાન રખે.

શકીલના અવાજમાં કડવાશ ભળી ગઈ, ગલી કા ચોર… મવાલી… ઔર શર્ટ કે બટન ખુલે…! યહ ઝબાન આપ કે ચેનલ કો શોભા દેતી હૈ ક્યા?

હું વિચારવા લાગી, આ માણસ શકીલ, એણે કદી મીડિયાએ તેને ભયાનક અન્ડરવર્લ્ડ ડોન, ભાઈ, કાતિલ જેવા શબ્દોથી નવાજ્યો હોય એની સામે વાંધો નહોતો લીધો, અને આજે એ ગલી કા ચોર અને મવાલી શબ્દો સામે વાંધો લઈ રહ્યો હતો!

મેં એને કહ્યું, બિલકુલ ભાઈ આપ કી બાત સહી હૈ. ઐસી ભાષા હમારે ક્યા કિસી ભી ચેનલ કો શોભા નહીં દેતી. મૈં આપ કો યકીન દિલાતી હૂં કિ ઈસ મામલે મેં મૈં પૂરી જાંચ કરૃંગી. ઉસ પ્રોડયૂસર સે મિલૂંગી જિસને યહ પ્રોગ્રામ બનાયા હૈ. ઉસસે કહૂંગી કિ યહ જો વર્ડ હૈ ઉસે નિકાલ દિયા જાએ.

મને ખાતરી હતી કે મારા ચેનલના સાથીઓ અને હેડ પણ આ વાતે માની જશે. આખરે એક ડોને જાતે આ શબ્દો સામે વાંધો લીધો હતો.

નસીબની વાત હતી કે એ સ્ટોરી કોઈ જાતના સુધારા વગર થોડા દિવસ પછી ફરીથી કોઈ બીજી સ્ટોરીના કનેક્શનમાં એર થઈ ગઈ. ફરી શકીલનો ફોન આવી ગયો.

મને યાદ આવી ગયું કે ફોન પર આવી રીતે વાત કરતાં કરતાં એણે એક વખત કહ્યું હતું કે એની પાસે ચોવીસ કલાક અને ૩૬૫ દિવસ સતત કામ કરતું મીડિયા સેલ છે. એના માણસો આખા વિશ્વની દરેક ચેનલ ઉપર ડી કંપની વિશે જે કંઈ કહેવાય, જે કંઈ રજૂ થાય એની કોપી બનાવીને રાખે છે.

શકીલનો ફોન આ વખતે ગુસ્સાનો જ હશે એની મને ફોન ઉપાડતાં પહેલાંથી ખાતરી હતી. ફોન ઉપાડતાં જ એણે ક્રોધથી કહ્યું, દેખિયે મેડમ મૈંને ગલત સલત લિખનેવાલે કો ઈસ લિયે માફ કર દિયા થા કિ આપને મુઝ સે કહા થા કિ ઉસ સ્ટોરી સે જો ગલત શબ્દ હૈં વહ આપ દૂર કરવા દોગી. અબ આપ કો મૈં સિર્ફ ઈતના હી કહતા હૂં કિ આપ મુઝે ઉસ કા નંબર દિજિયે. આપ નહીં દેંગી તો મૈં અપને તરીકે સે ઢૂંઢ લૂંગા. ફિર આપ મુઝે ફોન કરેંગી. યહ સિરીયસ મેટર હૈ!

આ વખતે શકીલને ટાઢો પાડતાં મારો ખાસ્સો સમય વીત્યો, મારે ખૂબ દલીલો કરવી પડી. ખૂબ ખુલાસા કરવા પડયા. જોકે વાતના અંતે એ થોડો હળવો થયો ખરો. શકીલે કહ્યું, યે જુમ્મે કે જુમ્મે નયી દાઉદ-શકીલ કી ફિલ્મ બનતી હૈ… ન્યૂઝ ચેનલ કી ટીઆરપી ભાઈ સે હી ચલતી હૈ, સમઝે ના?

મૈં તરત જ તક ઝડપી લીધી અને કહ્યું, આપ ભી જાનતે હૈં, ઔર જનતા ભી જાનતી હૈ કિ ઈસ મેં સચ્ચાઈ કમ, પાની જ્યાદા હોતા હૈ, ફિર આપ ક્યોં ઈતના ડિસ્ટર્બ હો જાતે હૈં?

જોકે મને મનમાં પાકી ખબર હતી કે આ વાત ખૂબ ગંભીર જ હતી. શકીલની એ વાત સાચી હતી કે ૨૦૦૭ના એ જમાનામાં ન્યૂઝ ચેનલો માટે ડી-કંપની મોટામાં મોટો મસાલો હતો. એટલે શકીલની એ સ્ટોરી ફરી ફરીને રજૂ થયા જ કરવાની હતી. એમાં જો હવે સુધારો ન થાય તો ગંભીર પરિણામો આવી શકે.

મેં તરત જ એ સ્ટોરી અને ડી-કંપનીની અન્ય સ્ટોરી ચલાવનાર દરેક સંબંધિત વિભાગોના વડાઓને શકીલના ફોનની વાત કરી દીધી અને એના વાંધાની વાત પણ જણાવી દીધી. જોકે એ લોકો મારા જેટલા સિરીયસ નહોતા. એક કલીગે કહ્યું, હું તો આજ પછી ઓવરસીઝ ફોનકોલ્સ રિસીવ જ નહીં કરું. બીજાએ કહ્યું, હું મારી સેક્રેટરીને અત્યારે જ સૂચના આપી દઉં છું કે આવો કોઈ ફોન આવે તો મને ન આપે, એ પોતે જ કોઈક રીતે ટેકલ કરી લે. મેં અમારા ચેનલ હેડને વાત કરી અને એ પ્રોગ્રામમાંથી શકીલને જેની સામે વાંધો હતો એ બે વાક્યો કઢાવી જ નંખાવ્યા. એ વાક્યો સાથેની કોપી મારી કસ્ટડીમાં લઈ લીધી.

શકીલે કોઈ સ્ટોરી સામે વાંધો લીધો હોય એવો આ પહેલો બનાવ નહોતો. ઓક્ટોબર ૨૦૦૦માં હું છોટા રાજન પર લોહિયાળ હુમલા અને એ કેસમાં થાઈલેન્ડની પોલીસ દ્વારા પકડાયેલા શકીલના સાગરિતોની સ્ટોરી કરીને બેંગકોકથી પાછી ફરી હતી. બેંગકોકમાં રીર્પોિંટગ કરીને તૈયાર કરેલી વોર ઓફ ડોન્સ નામની મારી એ સ્ટોરી વાંચ્યા પછી એક દિવસ સાંજે શકીલે મને ફોન કર્યો હતો. એના અવાજમાં આનંદનો રણકો હતો.

મુન્ના ઝિંઘાડાને થાઈલેન્ડકી પુલિસ કી મૌજુદગી મેં આપ કો ક્યા કડક ઈન્ટરવ્યૂ દિયા હૈ! લેકિન મેડમ મૈં આપ કો એક બાત બતા દૂં, રાજન ઉસ કે ઘર કી બાલ્કની સે જમ્પ લગાકર ડસ્ટ બિન મેં ગિરા થા ઔર વહાં સે ભાગ ગયા થા.

મેં એની વાત નકારી દીધી હતી, શકીલભાઈ આપ જો કહતે હૈં વૈસા નહીં હુઆ હૈ, સચ્ચાઈ કુછ ઓર હી હૈ. મંૈ ખુદ રીર્પોિંટગ કર કે આઈ હું.

આપ માનેંગી નહીં, ઐસા કિજિયે આપ અપના ફેક્સ નંબર દિજિયે. મૈં આપ કો રાજન કે ખુદ કે શબ્દોં મેં થાઈ પુલિસ કા કાનૂની વર્ઝન ભેજતા હૂં.

મેં એને મારો ફેક્સ નંબર લખાવ્યો.

બીજા જ દિવસે મારા ફેક્સ મશીન પર ફેક્સ ઉતર્યો. એમાં છોટા રાજનનું અધિકૃત બયાન હતું. એમાં સ્પષ્ટ રીતે છોટા રાજન બાલ્કનીમાંથી ડસ્ટ બિનમાં કૂદકો મારીને ભાગી ગયો હોવાની વાત કોર્ટમાં રજૂ કરાઈ તેની નોંધ હતી. મેં ચેક કર્યું કે એ ફેક્સ ક્યાંથી કરવામાં આવ્યો છે તો એ નંબર કરાંચીની એક ફાઈવ સ્ટાર હોટલનો હતો.

(ક્રમશઃ)

[email protected]