મક્કા મસ્જિદ બ્લાસ્ટ : અસીમાનંદ સહિત તમામ આરોપી નિર્દોષ - Sandesh
  • Home
  • India
  • મક્કા મસ્જિદ બ્લાસ્ટ : અસીમાનંદ સહિત તમામ આરોપી નિર્દોષ

મક્કા મસ્જિદ બ્લાસ્ટ : અસીમાનંદ સહિત તમામ આરોપી નિર્દોષ

 | 1:32 am IST

હૈદરાબાદ :

૧૮ મે ૨૦૦૭ના રોજ શુક્રવારે હૈદરાબાદની ઐતિહાસિક મક્કા મસ્જિદમાં થયેલા વિસ્ફોટના કેસમાં એનઆઈએની સ્પેશિયલ કોર્ટ દ્વારા સ્વામી અસીમાનંદ સહિત તમામ આરોપીને નિર્દોષ છોડી મૂક્યા હતા. કોર્ટમાં NIA નક્કર પુરાવા રજૂ નહીં કરી શકતાં કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે બોમ્બ બ્લાસ્ટના આ કેસમાં ૧૧ વર્ષે પણ NIA પુરાવા ભેગા કરી શકી નથી અને સાક્ષીઓ પણ પોતાનાં નિવેદનો બદલી રહ્યા છે. અસીમાનંદે ગુનો કબૂલ્યો હોવા છતાં તેમને નિર્દોષ જાહેર કરાયાં હતાં. ૧૧ વર્ષ પહેલાના આ બોંબવિસ્ફોટમાં ૯નાં મોત થયાં હતાં અને ૫૮ લોકો ઘવાયાં હતાં.

૬૮ સાક્ષીઓને તપાસ્યા હતા, તેમાંથી ૫૪ સાક્ષીઓ ફરી ગયા

ઘટનાને દિવસે મસ્જિદમાંથી ૩ બોંબ મળ્યા હતા. બોંબબ્લાસ્ટ પછી લોકોને હિંસા કરતાં રોકવા પોલીસે ફાયરિંગ કરવું પડયું હતું, જે પોલીસ ગોળીબારમાં ૫નાં મોત થયાં હતાં. શરૂઆતમાં કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી જેણે ૬૮ સાક્ષીઓને તપાસ્યા હતા, તેમાંથી ૫૪ સાક્ષીઓ ફરી ગયા હતા. સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી હતી.

આ કેસમાં કુલ ૧૦ને આરોપી ઠરાવાયા હતા : એનઆઈએ દ્વારા કેસની તપાસ પછી ૧૦ લોકોને આરોપી બનાવાયા હતા, જેમાં અભિનવ ભારતના તમામ સભ્યો સામેલ હતા. સ્વામી અસીમાનંદ, દેવેન્દ્ર ગુપ્તા, લોકેશ શર્મા ઉર્ફે અજય તિવારી, લક્ષ્મણદાસ મહારાજ, મોહનલાલ રતેશ્વર અને રાજેન્દ્ર ચૌધરીને આરોપી ઠરાવાયા હતા. બે આરોપી રામચંદ્ર કાલસાગરા અને સંદીપ ડાંગે હજી ફરાર છે. એક મુખ્ય આરોપી અને સંઘના કાર્યકર સુનીલ જોશીની તપાસના ગાળામાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. અસીમાનંદે લેખિતમાં કહ્યું હતું કે આ બ્લાસ્ટમાં અભિનવ ભારતના કેટલાક કાર્યકરો સામેલ હતા. અસીમાનંદને ૨૩ માર્ચ ૨૦૧૭ના રોજ જામીન આપવામાં આવ્યા હતા. અજમેર બ્લાસ્ટ કેસમાં અસીમાનંદને અગાઉથી જ છોડી મૂકવામાં આવ્યા છે.

એનઆઈએ બહેરો અને આંધળો પોપટ : ઓવૈસી

એનઆઈએની કોર્ટમાં તમામ આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા પછી ઓવૈસીએ એનઆઈએની તપાસ કામગીરી અને કેસ લડવાની પદ્ધતિ સામે સવાલો ઉઠાવ્યા હતા. ઓવૈસીએ એનઆઈએને બહેરો અને અંધ પોપટ ગણાવ્યો હતો. ઓવૈસીએ કહ્યું કે એનઆઈએ દ્વારા જાણીજોઈને આરોપીઓ સામે નક્કર પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.  રાજકીય દખલને કારણે આરોપીઓ નિર્દોષ છૂટયા હોવાના તેમણે આક્ષેપો કર્યા હતા. આ કેસમાં યોગ્ય ન્યાય તોળવામાં આવ્યો નથી. એનઆઈએ અને કેન્દ્ર સરકારે અસીમાનંદ અને અન્યોને આપવામાં આવેલા જામીન સામે અપીલ કરવાની પણ તસદી લીધી નથી. આ કેસને લૂલો બનાવવા માટે કેન્દ્ર જવાબદાર છે. આ એક પક્ષપાતી તપાસ જ હતી.

;