મીડિયા બેરોન રાઘવ બહલનાં ઘર અને કચેરી પર આવકવેરાના દરોડા - Sandesh
  • Home
  • India
  • મીડિયા બેરોન રાઘવ બહલનાં ઘર અને કચેરી પર આવકવેરાના દરોડા

મીડિયા બેરોન રાઘવ બહલનાં ઘર અને કચેરી પર આવકવેરાના દરોડા

 | 1:11 am IST

। નવી દિલ્હી ।

આવકવેરા વિભાગે ગુરુવારે મીડિયા વેબસાઇટ ધ ક્વિન્ટના સ્થાપક અને નેટવર્ક ૧૮ના માલિક રાઘવ બહલ સહિત ચાર બિઝનેસમેનનાં ઠેકાણાં પર દરોડા પાડયા હતા. આ દરોડા કંપનીના શેરોનાં વેચાણની પ્રક્રિયામાં કરાયેલી કથિત કરચોરીના આરોપસર પડાયા હતા. આવકવેરા વિભાગના પ્રવક્તાએ જણાવ્યુ હતું કે, રાઘવ બહલ, કમલ લાલવાણી, અનુપ જૈન અને અભિમન્યુ ચતુર્વેદી એમ ચાર બિઝનેસમેનનાં ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. અમે રૂપિયા ૧૦૦ કરોડથી વધુની સંભવિત કરચોરીના કેસની તપાસ કરી રહ્યા છીએ. રાઘવ બહલને એક ચોક્કસ કંપનીના શેરોનાં વેચાણ દ્વારા લાંબા ગાળાનો આર્થિક લાભ થયાની શંકા છે. બાકીના ૩ બિઝનેસમેનને પણ આજ કંપનીના શેરોનાં વેચાણમાંથી આર્થિક લાભ થયો છે, તેથી આ ચારેય બિઝનેસમેનનાં ઠેકાણાં પર એકસાથે દરોડા પડાયા છે.

આવકવેરાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, બે વર્ષ અગાઉ એક ફાઇનાન્સ કંપનીના શેરોમાં લાંબા ગાળાના આર્થિક લાભમાં કરાયેલી કરચોરીના કેસની તપાસ રાઘવ બહલ અને અન્યો સામે ચાલી રહી છે. આ દરોડા કાનપુરના ડિરેક્ટર જનરલ ઓફ ઇન્કમટેક્સના નોઈડા ડિવિઝન દ્વારા પડાયા છે. સીબીડીટી દ્વારા રાઘવ બહલને સવાલો મોકલી આપવામાં આવ્યા હતા પરંતુ તેમના દ્વારા કોઈ જવાબ અપાયો નહોતો.

પત્રકારત્વને લગતા એકપણ દસ્તાવેજને હાથ લગાડશો તો ગંભીર પરિણામ : બહલ

રાઘવ બહલે આવકવેરા અધિકારીઓને ચેતવણી આપી હતી કે, તેઓ દરોડાની કાર્યવાહી દરમિયાન પત્રકારત્વને લગતા કોઈપણ ગંભીર અને સંવેદનશીલ દસ્તાવેજો જોવા કે સાથે લઈ જવાનું સાહસ ન કરે નહીંતર તેનાં ગંભીર પરિણામ ભોગવવાં પડશે. અમને આશા છે કે એડિટર્સ ગિલ્ડ આ મામલામાં અમને સહકાર આપશે જેથી ભવિષ્યમાં કોઈપણ મીડિયા સંસ્થા સામે આ પ્રકારની કાર્યવાહી કરવાનો રિવાજ શરૂ ન થાય.

બદઇરાદાથી પડાયેલા દરોડા મીડિયાની સ્વતંત્રતા પરનો ગંભીર હુમલો : એડિટર્સ ગિલ્ડ

ક્વિન્ટ અને નેટવર્ક ૧૮ની કચેરીઓ પર આવકવેરાના દરોડા પર ચિંતા વ્યક્ત કરતાં એડટર્સ ગિલ્ડે જણાવ્યું હતું કે, બદઇરાદા સાથે મીડિયાહાઉસ પર પડાયેલા આવકવેરાના દરોડા મીડિયાની સ્વતંત્રતા પર ગંભીર હુમલો છે. સરકારે આ પ્રકારના પ્રયાસોથી દૂર રહેવું જોઈએ. અમે બહલે આપેલાં નિવેદનથી ઘણા વિચલિત થયા છીએ. આવકવેરા વિભાગ સંબંધિત કાયદાઓના દાયરામાં દરોડાની કાર્યવાહી કરવાના અધિકાર ધરાવે છે પરંતુ આ અધિકારનો સરકારના ટીકાકારોને પરેશાન કરવા માટે ઉપયોગ થવો જોઈએ નહીં.

ક્વિન્ટ પરના દરોડાને વખોડવામાં આવ્યો

રાઘવ બહલનાં મીડિયાહાઉસ પર આવકવેરાના દરોડાને વખોડવામાં આવ્યો છે. કેટલાક લોકોએે બદલાની ભાવનાથી પડાયેલા આ દરોડા પાછળનાં કારણો જણાવવા માગ કરી છે. પત્રકારોએ જણાવ્યું હતું કે, આ પ્રેસની આઝાદી પર તરાપ છે. વરિષ્ઠ પત્રકાર આશુતોષ અને એડવોકેટ પ્રશાંતભૂષણે આરોપ મૂક્યો છે કે મોદી સરકારની ટીકા કરવા માટે રાઘવ બહલને નિશાન બનાવવામાં આવ્યા છે. એનડી ટીવીના રવિશકુમારે જણાવ્યું હતું કે, અકબરના સમાચારો અટકાવવા માટે આવકવેરા દરોડાની ખબરો લાવો. જલદી કરો.