મેડિકલ કોલેજમાં એડમિશન વિશે સુપ્રીમનો શકવર્તી ચુકાદો - Sandesh
  • Home
  • Columnist
  • મેડિકલ કોલેજમાં એડમિશન વિશે સુપ્રીમનો શકવર્તી ચુકાદો

મેડિકલ કોલેજમાં એડમિશન વિશે સુપ્રીમનો શકવર્તી ચુકાદો

 | 1:27 am IST

ઇશ્યૂ ઇન ન્યૂઝ : વિનોદ પટેલ

શિક્ષણમાં ખાનગીકરણનાં વરવાં પરિણામો આવી શકે છે તે બાબતે આ કોલમમાં અવારનવાર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. મેડિકલશિક્ષણ મોંઘું હોવાથી સરકારોએ આ મામલે સૌથી પહેલાં હાથ પાછા ખેંચવાની શરૂઆત કરી હતી. દેશમાં સૌથી વધારે શિક્ષિત ગણાતાં રાજ્ય કેરળ દ્વારા મેડિકલ એજ્યુકેશનનું ખાનગીકરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. કેરળમાં મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે ચાલતી રાજકીય ગોબાચારી સર્વોચ્ચ અદાલતે આપેલા એક ચુકાદાને કારણે ઉઘાડી પડી છે.

બનેલું એવું કે કેરળમાં આવેલી બે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજોએ તેમનાં એડમિશન નીટનાં મેરિટ લિસ્ટ અનુસાર આપવાના સરકારી ધારાધોરણોનું પાલન કર્યું નહોતું. પ્રેસ્ટિજ એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કન્નુર મેડિકલ કોલેજ અને સેલ્ફ ડેવલપમેન્ટ આલ્મ્સ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરુણા મેડિકલ કોલેજમાં ૨૦૧૬-૧૭ દરમિયાન આપવામાં આવેલાં એડમિશન બંધનકારક આદેશ અનુસાર ઓનલાઇન ઢબે આપવામાં આવ્યાં નહોતાં, વળી આ એડમિશન કોલેજની વેબસાઇટ પર કમિટી દ્વારા મંજૂર કરાયેલા પ્રોસ્પેક્ટ્સનું પ્રકાશન કર્યા વિના જ આપવામાં આવ્યાં હતાં. એડમિશન એડવાઇઝરી કમિટીએ આ બાબતની ગંભીર નોંધ લઈને આ એડમિશન્સ રદ કર્યાં હતાં. બંને મેડિકલ કોલેજોએ કમિટીનાં એડમિશન્સ રદ કરવાના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ હાઇકોર્ટે ૨૮ ઓક્ટોબર ૨૦૧૬માં બંને મેડિકલ કોલેજોને આડેધડ એડમિશન આપવા માટે કડક શબ્દોમાં ધમકાવી એક-એક લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. બંને કોલેજોએ એડમિશન રદ કરવાના હાઇકોર્ટના નિર્ણય સામે સર્વોચ્ચ અદાલતમાં સ્પેશિયલ લિવ પિટિશન કરી હતી, જેને સર્વોચ્ચ અદાલતે કાઢી નાખી કડક સંદેશ પાઠવ્યો હતો કે ખાનગી પ્રોફેશનલ કોલેજોમાં એડમિશન આપવામાં જો ગોબાચારી કરવામાં આવશે તો તે ચલાવી લેવામાં નહીં આવે અને વિદ્યાર્થીઓનાં ભવિષ્યને જોખમમાં મૂકીને આવી કોલેજો સામે કડક પગલાં ભરવામાં આવશે. સર્વોચ્ચ અદાલતે કન્નુર મેડિકલ કોલેજનાં ૧૫૦ એડમિશન અને કરુણા મેડિકલ કોલેજનાં ૩૦ એડમિશન રદ કર્યાં હતાં. વિદ્યાર્થીઓ દ્વારા આ મામલે કરવામાં આવેલી રિવ્યૂ પિટિશનને ફગાવી દેવામાં આવી હતી.

સર્વોચ્ચ અદાલતનાં આ આકરાં વલણ છતાં કેરળની સરકારે લાજવાને બદલે ગાજવાનું પસંદ કરીને ૨૦ ઓક્ટોબર ૨૦૧૭માં એક વટહુકમ બહાર પાડીને આ ૧૮૦ એડમિશનને કાયદેસર કરવાનો પ્રયાસ કર્યો. આ વટહુકમમાં જણાવાયું હતું કે શૈક્ષણિકવર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન કોઈપણ મેડિકલ કોલેજમાં અપાયેલાં એડમિશનને કોઈપણ ચુકાદા, આદેશ કે એડમિશન રેગ્યુલેટરી કમિટીના આદેશને અવગણી રેગ્યુલરાઇઝ કરવાની સરકારને સત્તા છે. આમાં જે કોલેજો તેમનાં એડમિશન રેગ્યુલરાઇઝ કરવા માગતી હોય તેમણે એક અરજી કરવાની રહેશે અને વિદ્યાર્થીઓએ રેગ્યુલરાઇઝેશન ફી તરીકે ત્રણ લાખ રૂપિયા ચૂકવવાના રહેશે.

અદાલતના આદેશની ઉપરવટ જતાં આ વટહુકમને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો. સર્વોચ્ચ અદાલતની જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ યુ. યુ. લલિતની બનેલી બેન્ચે આ મામલે કડક વલણ લઈને આ વટહુકમ પર સ્ટે આપતાં જણાવ્યું હતું કે આ વટહુકમને આધારે કોઈ વિદ્યાર્થીને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવાનો લાભ મેળવવાનો અધિકાર નથી. કમાલની વાત તો એ બની કે સર્વોચ્ચ અદાલતનો આ વટહુકમ સામેનો મનાઇહુકમ અમલમાં આવે તેના એક જ દિવસ પહેલાં સત્તાધારી અને વિરોધ પક્ષે આ મામલે અભૂતપૂર્વ એકતા બતાવી ૪ એપ્રિલ ૨૦૧૮માં આ વટહુકમને કાયદેસર સ્વરૂપ આપવા માટે રાજ્યની વિધાનસભામાં એક ખરડો પણ સર્વાનુમતે પસાર કરી દીધો!  જોકે, રાજકારણીઓનાં નસીબ ટેડાં કે વટહુકમ પર રાજ્યપાલ સહી કરી તેને પરત કરે તે પહેલાં અદાલતે તેની કાર્યવાહી આગળ ચલાવેલી. કેરળ સરકારના વકીલે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી કે વિધાનસભામાં ખરડો પસાર થઈ ગયો હોઈ મેડિકલ કાઉન્સિલની અરજી વિફળ બની રહેશે, પરંતુ ખંડપીઠના વિદ્વાન ન્યાયમૂર્તિઓએ સવાલ કર્યો કે આ ખરડા પર રાજ્યપાલની સહી થઈ ગઈ છે કે કેમ અને તેના વિશે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે કેમ. લેભાગુ રાજકારણીઓનાં કમનસીબે આ પ્રક્રિયા પૂરી થઈ નહોતી એટલે અદાલતે વિધાનસભામાં પસાર કરવામાં આવેલા ખરડાની બાબતને અવગણીને તેની કાર્યવાહી આગળ ચલાવી હતી. રસપ્રદ બાબત એ છે કે એ વખતે કેરળના રાજ્યપાલ તરીકે ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ પી. સથશિવમ ફરજ બજાવતા હતા. વિડંબના એ હતી કે ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ પી. સથશિવમે એક રાજ્યના રાજ્યપાલ તરીકે એક એવા વટહુકમ પર સહી કરવાની હતી જેમાં ન્યાયપાલિકાની ઓથોરિટીને કારોબારી દ્વારા ખોટી રીતે પડકારવામાં આવી હતી. રાજ્યપાલે શરૂઆતમાં કાયદાની નજરે ખામીઓ હોવાનું જણાવી ખરડો સરકારને પરત મોકલ્યો હતો પરંતુ સરકારે ધરાર હઠ કરતાં છેવટે રાજ્યપાલે સહી કરી સર્વોચ્ચ અદાલતની સત્તા પર કાતર ફેરવવાની કાર્યવાહીમાં સાથ આપવો પડયો હતો. ન્યાયાધીશોને જ્યારે કારોબારી કે રાજકીય પક્ષો રાજ્યપાલ તરીકે નીમે ત્યારે ન્યાયાધીશોએ આ વ્યવસાયી જોખમને ધ્યાનમાં રાખવું ઘટે.

સર્વોચ્ચ અદાલતે બુધવારે ૧૨ સપ્ટેમ્બરે  કેરળ વિધાનસભાના આ ખરડાને રદ કર્યો છે. આમ હાલ તો જાગ્રત ન્યાયપાલિકાને કારણે કેરળમાં મેડિકલ કોલેજનાં એડમિશનને નાણાંનાં જોરે હાઇજેક કરી જવાનો રાજકારણીઓનો મનસૂબો પાર પડયો નથી, પરંતુ બીજા રાજ્યોમાંના મેડિકલમાફિયાઓ ક્યાં સુધી કારોબારી અને ન્યાયપાલિકાના અંકુશમાં રહેશે તે તો ભવિષ્યમાં જ ખબર પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન