મીસા ભારતી અને પતિના મની લોન્ડરિંગ કેસમાં જામીન મંજૂર - Sandesh
  • Home
  • India
  • મીસા ભારતી અને પતિના મની લોન્ડરિંગ કેસમાં જામીન મંજૂર

મીસા ભારતી અને પતિના મની લોન્ડરિંગ કેસમાં જામીન મંજૂર

 | 4:19 am IST

 

 

નવી દિલ્હી, તા. ૫

સીબીઆઈ વિશેષ અદાલતે આરજેડીનેતા લાલુપ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતી અને તેમના પતિ શૈલેશકુમારને મની લોન્ડરિંગ કેસમાં સોમવારે જામીન મંજૂર કર્યા હતા. વિશેષ ન્યાયાધીશ અરવિંદકુમારે રૂપિયા બે લાખનાં વ્યક્તિગત બોન્ડ અને તેઓ મંજૂરી વિના દેશ નહીં છોડે તે શરતે બંનેને જામીન મંજૂર કર્યા હતા. વિશેષ ન્યાયાધીશ એન. કે. મલ્હોત્રાએ આઠ ફેબ્રુઆરીએ સમન કર્યા પછી મીસા ભારતી અને શૈલેશકુમાર સહિતના તમામ આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. મીસા ભારતીની કંપની મિશેઇલ પેકર્સ એન્ડ પ્રિન્ટર્સનો કેસમાં આરોપી તરીકે ઉલ્લેખ છે.

સુનાવણી દરમિયાન ઈડીએ આરોપીઓ ગંભીર અપરાધમાં સંડોવાયેલા હોવાનું કહીને જામીનઅરજી સામે વિરોધ નોંધાવ્યો હતો. ઈડીના વકીલ અતુલ ત્રિપાઠીએ રજૂઆત કરી હતી કે આવા પદ ધરાવતાં લોકો આવી પ્રવૃત્તિ કરે તે સંપૂર્ણપણે દેશની વિરુદ્ધમાં છે. કોર્ટે તપાસકર્તા એજન્સીને વળતો સવાલ કર્યો હતો કે કેસની તપાસ દરમિયાન આ દંપતીની ધરપકડ કરી હતી? તપાસ એજન્સીએ પ્રશ્નનોે જવાબ નામાં આપતાં કોર્ટે બીજો પ્રશ્ન કર્યો હતો કે તો પછી હવે કેમ ઇચ્છો છો કે કોર્ટ તેમને કસ્ટડીમાં સોંપે?

ઈડીએ ૨૩ ડિસેમ્બરના રોજ મીસા ભારતી અને તેમના પતિ વિરુદ્ધ વકીલ નિતેશ રાણા મારફતે અંતિમ અહેવાલ રજૂ કર્યો હતો. મની લોન્ડરિંગ તપાસ સંદર્ભમાં ઈડી દ્વારા દંપતીનાં દિલ્હીમાં આવેલાં ફાર્મહાઉસ પર અગાઉ ટાંચ મુકાઈ ચૂકી છે. દક્ષિણ દિલ્હીના બિજવાસન વિસ્તારમાં આવેલાં ફાર્મ પર ઈડીએ પીએમએલએ હેઠળ ટાંચ મૂકી હતી. ઈડીએ આક્ષેપ કર્યા છે કે મની લોન્ડરિંગ રાહે પ્રાપ્ત થયેલા રૂપિયા ૧.૨ કરોડનો ઉપયોગ કરીને વર્ષ ૨૦૦૮-૦૯માં તે ફાર્મ ખરીદ કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રકુમાર જૈન અને વીરેન્દ્રકુમાર જૈન એમ બે ભાઈઓ સામે ચાલી રહેલી તપાસનાં અનુસંધાનમાં એજન્સીએ ગયા વર્ષે જુલાઈમાં ફાર્મહાઉસ સહિતનાં સ્થળે દરોડા પાડયા હતા. શેલ કંપનીઓનો ઉપયોગ કરીને બંને ભાઈઓએ મોટાપાયે મની લોન્ડરિંગ કર્યું હોવાના આક્ષેપ છે. બંને જૈનબંધુ હાલ જામીન પર છે. ઈડી આ કિસ્સામાં સીએ રાજેશ અગરવાલની પણ ધરપકડ કરી ચીકી છે.