કરવી હતી મસ્તી, પીવા પર હતો પ્રતિબંધ, મિત્રોએ મળી બનાવી નાખ્યો પોતાનો આઇલેન્ડ pics - Sandesh
  • Home
  • World
  • કરવી હતી મસ્તી, પીવા પર હતો પ્રતિબંધ, મિત્રોએ મળી બનાવી નાખ્યો પોતાનો આઇલેન્ડ pics

કરવી હતી મસ્તી, પીવા પર હતો પ્રતિબંધ, મિત્રોએ મળી બનાવી નાખ્યો પોતાનો આઇલેન્ડ pics

 | 5:12 pm IST

ન્યૂઝીલેન્ડના કોરોમંડલ દ્વીપકલ્પ પર નવા વર્ષ દરમિયાન જાહેર જગ્યાઓ પર આલ્કોહોલ લેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પરંતુ ઘણાખરા લોકો માટે નવા વર્ષની ઉજવણી ત્યાં સુધી પૂરી થતી નથી જ્યાં સુધી બરાબર દારૂ ઢીંચી ન લેવાય. કેટલાક લોકોએ આનો તોડ કાઢયો.

મિત્રોના એક જૂથે એવો રસ્તો કાઢયો જે ન ફક્ત સમાચાર જ બન્યા પણ જેમણે આ વિશે સાંભળ્યું તેઓ વાહવાહ પોકારી ગયા. વસ્તુતઃ આથી કોઈ કાયદાનો ભંગ પણ ન થયો. દારૂબંધીથી બચવા માટે મિત્રોના આ જૂથે પોતાનો એક ટાપુ બનાવી નાખ્યો, જ્યાં તેઓ આખી રાત મસ્તી કરી શકે.

એ માટે રવિવારે બપોરે જ્યારે તાઇરુઆ નદીમાં પાણીનો પ્રવાહ ઓછો હતો ત્યારે તેમણે નદીના મુખ પાસે રેતીનો એક ટીંબો બનાવ્યો. એ પછી તેના પર એક પિકનિક ટેબલ લગાવ્યું અને દારૂ ઠંડો કરવા માટે કૂલર પણ લઈ આવ્યા. એ સાથે આ મિત્રો ‘આંતરરાષ્ટ્રીય પાણી’માં પહોંચી ગયા જ્યાં કોરોમંડલની દારૂબંધી લાગુ પડતી નથી.

સોમવાર સુધી મિની આઇલેન્ડ બનેલો રહ્યો હતો
મિત્રોના આ ગ્રૂપે આખી રાત પોતાના આઇલેન્ડ પર મસ્તી કરી અને આતશબાજીના નજારા સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું. તેમનો આ આઇલેન્ડ સોમવાર સુધી બનેલો રહ્યો. દારૂબંધીના ઉલ્લંઘન કરનારને જેલ અથવા ૧૮૦ ડોલર દંડની જોગવાઈ છે, પરંતુ કોરોમંડલના પ્રશાસને આ ઘટનાને મજાકના રૂપે લીધી હતી. પોલીસે પણ આને ક્રિએટિવિટીનું નામ આપ્યું છે.