મેઘાલયમાં સરકાર રચવા ભાજપ ગઠબંધનનો દાવો - Sandesh
  • Home
  • Ahmedabad
  • મેઘાલયમાં સરકાર રચવા ભાજપ ગઠબંધનનો દાવો

મેઘાલયમાં સરકાર રચવા ભાજપ ગઠબંધનનો દાવો

 | 1:42 am IST

શિલોંગ, તા.૪

મેઘાલય વિધાનસભાની ચૂંટણીમાં એકપણ પાર્ટીને બહુમતી નહીં મળતાં રવિવારે આખો દિવસ રાજકીય વાતાવરણ ઉગ્ર બની રહ્યું હતું. કોંગ્રેસ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઊભરી આવી હોવા છતાં બહુમતી માટે પનો ટૂંકો પડતાં ફક્ત બે બેઠક મેળવનારા ભાજપે પ્રાદેશિક પાર્ટીઓની મદદથી સરકારની રચના કરવાનું બીડું હાથમાં ઉઠાવી લેતાં મેઘાલયમાં સત્તા મેળવવાનું કોંગ્રેસનું સ્વપ્ન ચકનાચૂર થતું લાગી રહ્યું છે.

કોંગ્રેસે રાજ્યપાલ ગંગાપ્રસાદને મળીને મેઘાલયમાં સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. કોંગ્રેસના નેતાઓ કમલનાથ, એહમદ પટેલ અને સી. પી. જોશી શનિવારે રાત્રે ૭ કલાકે રાજ્યપાલને મળ્યા હતા. કમલનાથે જણાવ્યું હતું કે, અમે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોવાના નાતે કોંગ્રેસને સરકાર રચવાનું આમંત્રણ પહેલાં અપાય તેવી માગ કરી હતી. ૬૦ સભ્યોની મેઘાલય વિધાનસભામાં કોંગ્રેસને ૨૧ બેઠક પ્રાપ્ત થઇ છે. બહુમતી માટેના મેજિક નંબર ૩૧ માટે કોંગ્રેસને ૧૦ બેઠક ખૂટે છે.

મેઘાલયના વિદાય થઇ રહેલા સીએમ મુકુલ સંગમાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સમાન વિચારધારા ધરાવતતી પાર્ટીઓના સંપર્કમાં છે. જનતાએ ભંગિત ચુકાદો આપ્યો છે. હવે સવાલ એવા લોકોને શોધવાનો છે જેઓ રાજ્યની જનતાને સ્વીકાર્ય એવા કોમન એજન્ડા સાથે એકજૂથ થાય. દરેક પાર્ટી પોતાની રીતે ચૂંટણી લડી છે અને પ્રાદેશિક પક્ષોએ ભાજપ અથવા એનપીપી સાથે ચૂંટણી પહેલાં કોઇ જોડાણ રચ્યું નહોતું.

બીજી તરફ ભાજપનાં નેતૃત્વમાં બિનકોંગ્રેસી પાર્ટીઓ એક મંચ પર આવી ગઇ છે. ભાજપના નેતા અને આસામના નાણામંત્રી હેમંત વિશ્વ શર્માએ જણાવ્યું હતું કે, નેશનલ પીપલ્સ પાર્ટી, યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી, ભાજપ અને હિલ સ્ટેટ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ મેઘાલયમાં બિનકોંગ્રેસી સરકારની રચના કરવાનો નિર્ણય કર્યો છે. ૫૯ સભ્યોનાં ગૃહમાં અમને ૩૪ ધારાસભ્યોનું સમર્થન હાંસલ છે. બિનકોંગ્રેસી પાર્ટીઓએ રાત્રે ૩૪ ઘારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સોંપી દીધું છે. હવે માત્ર પચારિકતાઓ જ બાકી છે. સમાચાર માધ્યમોના જણાવ્યા મુજબ કોનરાડ સંગમા ભાજપ ગઠબંધનના સીએમ તરીકે મંગળવારે સવારે ૧૦:૩૦ કલાકે શપથ લેશે. આ રીતે ફક્ત બે બેઠક ધરાવતા ભાજપના નેતૃત્વમાં પ્રાદેશિક પાર્ટીઓએ એકજૂથ થઇ સરકાર રચવાની તૈયારી કરી લીધી છે.

મેઘાલયમાં કોણ છે સીએમ પદના દાવેદાર

૧. મુકુલ સંગમા        કોંગ્રેસ

૨. કોનરાડ સંગમા      એનપીપી

૩. અગાથા સંગમા      એનપીપી

૪. પિનશિંગેન સેમ      પીડીએફ

મેઘાલયમાં ડે. સીએમ નહીં

મેઘાલયમાં સીએમપદ માટે કોનરાડ સંગમા જાહેર થઇ ગયા છે. તેમની બહેન અગાથા સંગમા સાથે ટક્કર હતી. હવે ચિત્ર સ્પષ્ટ થઇ જતાં બાજી કોનરાડના હાથમાં છે. બીજી બાજુ ભાજપ ગઠબંધને જાહેર કર્યો છે કે મેઘાલયમાં કોઇ ડેપ્યુટી સીએમ નહીં હશે.

નાગાલેન્ડ વિધાનસભામાં ભાજપ પ્લસનું સંખ્યાબળ

એનડીપીપી      ૧૭

ભાજપ           ૧૨

એનપીપી        ૦૨

જદયુ            ૦૧

અપક્ષ           ૦૧

કુલ              ૩૩

નાગાલેન્ડના સીએમ ટીઆર જેલિયાંગે હજી આશા છોડી નથી. એમણે જણાવ્યું હતું કે, અમારી પાર્ટી ૨૭ ધારાસભ્યો સાથે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનીને ઊભરી આવી છે તેથી સરકાર બનાવવાની તક અમને પહેલાં મળવી જોઇએ.

અટકળો પર પૂર્ણવિરામ : એનડીપીપીના વડા નેઇફુ રિયો ચોથી વાર નાગાલેન્ડના સીએમ બનશે

નાગાલેન્ડમાં સરકાર રચનાની તમામ અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું છે. ઉત્તરપૂર્વ ભારતના ભાજપના પ્રભારી રામ માધવ અને નાગાલેન્ડમાં ભાજપની સહયોગી પાર્ટી નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી(એનડીપીપી)ના વડા નેઇફુ રિયોએ રવિવારે રાજ્યપાલ પી. બી. આચાર્યની મુલાકાત કરી રાજ્યમાં સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. નાગાલેન્ડમાં ભાજપ અને તેનો નવો સહયોગી પક્ષ એનડીપીપી જદયુના ધારાસભ્યનાં સમર્થનથી સરકારની રચના કરશે.

શનિવારે જાહેર થયેલાં વિધાનસભાનાં પરિણામમાં ભાજપને ૧૨, એનડીપીપીને ૧૭ બેઠકો પ્રાપ્ત થઇ હતી. ૬૦ સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે જરૂરી એવા ૩૩ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો ભાજપ ગઠબંધન દ્વારા રાજ્યપાલ સમક્ષ કરાયો છે. અગાઉ નાગાલેન્ડમાં ભાજપનું ગઠબંધન એનપીએફ સાથે હતું. ચૂંટણી પહેલાં ભાજપે આ ગઠબંધન તોડી એનડીપીપી સાથે હાથ મિલાવ્યા હતા. એનપીએફ આ ચૂંટણીમાં ૨૭ બેઠક સાથે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઊભરી આવી હતી. મેઘાલયમાં સરકાર રચવા જઇ રહેલી એનપીપીના નાગાલેન્ડમાં બે ધારાસભ્ય ચૂંટાઇ આવ્યા છે. તેનું સમર્થન ભાજપ ગઠબંધનને મળી રહેશે તેથી નાગાલેન્ડમાં ભાજપ સરકાર નિશ્ચિત બની છે.