Mehsana-Palanpur highway will be six-lane at a cost of Rs.445 crores
  • Home
  • Featured
  • રૂપિયા 445 કરોડના ખર્ચે મહેસાણા-પાલનપુર હાઈવે છ માર્ગીય થશે

રૂપિયા 445 કરોડના ખર્ચે મહેસાણા-પાલનપુર હાઈવે છ માર્ગીય થશે

 | 6:14 pm IST

ઉત્તર અને મધ્ય ગુજરાતના મુખ્ય ચાર માર્ગોની પહોળાઈ વધારવા રૂ.656 કરોડના કામો રાજ્ય સરકારે મંજૂર કરીને તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી લીધી છે. જેમાં મહેસાણાથી પાલનપુરના હાઈવેને પણ બે તબક્કે રૂ.445 કરોડના ખર્ચે છ માર્ગીય બનાવવાનો પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ તમામ કામો શરૂ થયા બાદ બે વર્ષની સમયાવધિમાં પૂર્ણ થઈ જશે એમ મંગળવારે જાહેર કર્યું હતુ.

વિશ્વબેંક લોન સહાયિત આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય માર્ગ યોજના-2 હેઠળ શરૂ કરવામાં આવ્યા છે. જેની અંદાજીત કિંમત રૂ.1938 કરોડ પૈકી રૂ.1050 કરોડ લોન હેઠળ ઉપલબ્ધ થશે. રાજ્ય સરકારનો હિસ્સો રૂ.222 કરોડ રહેશે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, બે તબક્કે મહેસાણા બાયપાસથી ઊંઝા- સિધ્ધપુર થઈને પાલનપુર સુધીના હાલના ચાર માર્ગીય હાઈવેને છ લેઈનમાં રૂપાંતરણ કરવામાં આવશે. જેમાં ડાબી બાજુ બહુહેતુક પદયાત્રીઓ માટે એક વધારાની લેન તથા બંને તરફ સોલ્ડરનો સમાવેશ કરાશે. આ ઉપરાંત હયાત ચાર માર્ગીય પૂલોને ભવિષ્યના ટ્રાફિકને ધ્યાને લઈને આઠ માર્ગીય કરવામાં આવશે. ઊંઝા શહેરમાં 1200 મીટર લંબાઈનો ૬ માર્ગિય ફ્લાય ઓવરબ્રિજ અને સિધ્ધપુર શહેરમાં 4 કિલો મીટર લંબાઈમાં 6 માર્ગીય રસ્તા ઉપરાંત બંને તરફ 7 મીટર પહોળા સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે. જેનાથી ઈંધણ અને સમયની બચત થશે.

અમદાવાદ, સૌરાષ્ટ્રના સ્થાનિક ટ્રાફિકને રાજસ્થાન અને દિલ્હી સાથે જોડતા અમદાવાદ- મહેસાણા હાઈવેથી આગળ પાલનપુર સુધી છ લેઈન માર્ગ મળતા ટ્રાફિકની સલામતીમાં પણ વધારો થશે. આ ઉપરાંત રૂ.124 કરોડના ખર્ચે રાધનપુરથી ચાણસ્માના 6 કિલોમીટર રસ્તાનું પણ નવીનીકરણ કરવામાં આવશે. તેના માટે ટેન્ડરની પ્રક્રિયા પુર્ણ થઈ ગઈ છે. નાયબ મુખ્યમંત્રીએ મધ્ય ગુજરાતના હાર્દસમા ધોરીડુંગરીથી લુણાવાડા રસ્તાના સુધારો, મજબૂતીકરણ અને નવીનીકરણ માટે રૂ.86 કરોડના કામો મંજૂર કર્યાનું જણાવ્યુ હતુ. જેમાં હાડોડ પાસેના ડૂબાઉ પૂલની જગ્યાએ મોટા બ્રીજના બાંધકામો પણ કરવામાં આવશે. જેનાથી મહિસાગર- અરવલ્લી જિલ્લાના વાહનવ્યવહારની સગવડમાં વધારો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન