mehsana-uma-charioteer-on-the-pedestrians-goes-fire
  • Home
  • Gujarat
  • ઉમા રથના પદયાત્રીઓ પર અત્યાચાર કરનારને સસ્પેન્ડ કરવાની માગ કરાઈ

ઉમા રથના પદયાત્રીઓ પર અત્યાચાર કરનારને સસ્પેન્ડ કરવાની માગ કરાઈ

 | 2:58 am IST

અમદાવા।દમાં ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના સમર્થનમાં ટેક  પૂરી કરવા સાબરકાંઠા જિલ્લામાંથી નીકળેલી માં ઉમા ખોડલની  રથયાત્રા અટકાવી પાટીદાર શ્રદ્ધાળુઓ પર પોલીસે લાઠીચાર્જ  સહિતનું દમન ગુજારતા, મહેસાણા જિલ્લા સહિત ઉ.ગુજરાતમાં ઘેરા  પ્રત્યાઘાત પડયા છે. મહેસાણામાં ઉ.ગુજરાત પાસ  સંગઠને કલેક્ટરને આવેદનપત્ર આપી જવાબદાર પોલીસ  કર્મચારીઓને સસ્પેન્ડ કરવા માગ કરી હતી અને આર.એસ.એસ.,  બજરંગ દળને પણ ટેકા માટે આવેદનની નકલો મોકલી હતી.  જિલ્લામાં ખેરાલુ, બહુચરાજી વિસનગરના વિજાપુરમાં પાટીદારોએ  ઉગ્ર વિરોધ કર્યા હતો.

ઉત્તર ગુજરાત પાસ કન્વીનર અને ટીમે મહેસાણા કલેકટરને લેખિતમાં આવેદન પત્ર અપાયું હતું. માતાજીના રથનું અપહરણ કરવાનો આક્ષેપ કરી અત્યાચાર ગુજારનાર વિરુધ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. આવેદનપત્રની નકલો વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સેવક સંઘ, બજરંગદળ અને મુખ્યમંત્રી સહિતને મોકલી આપવામાં આવી હતી.

ઉલ્લેખપાત્ર છે કે, હિંમતનગરના ગઢોડા તેમજ આસપાસનાં ગામડાંમાંથી મોટી સંખ્યામાં ઉમા ખોડલનો રથ લઈ અમદાવાદમાં સોલા ભાગવત ખાતે ટેક પુરી કરવા જઈ રહેલા શ્રધ્ધાળુઓને કોઈપણ કારણ વિના રોકવામાં આવ્યા હતા અને પદયાત્રી મહિલાઓ, યુવાનો અને વૃધ્ધો ઉપર લાઠી ચાર્જ કરાયો હતો. આ ઉપરાંત, રથનું અપહરણ પણ કરવામાં આવ્યું હતું. જેના કારણે મા ખોડલના પાટીદાર સહિતના શ્રધ્ધાળુઓની લાગણી દુભાઈ હતી. હિન્દુ સંગઠનોને અપીલ કરવામાં આવી છે કે, સરકાર જવાબદાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવા અને કાર્યવાહી કરે તે માટે દબાણ કરવામાં આવે. તેમની માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ દ્વારા હાલમાં કરવામાં આવી રહેલા આમરણાંત ઉપવાસના સમર્થનમાં ઊંઝા તાલુકાના પાટીદારોના ગઢ કહેવાતા વિવિધ ગામોના યુવાનો તેમજ મહિલાઓ ખૂલીને સમર્થનમાં આવ્યા છે. તાલુકાના વિશોળ, ઉનાવા, રણછોડપુરા, ટુંડાવ, સુણોક, કામલી અને અમૂઢ જેવા ગામોમાં પ્રતીક ઉપવાસ અને રામધૂન યોજી હાર્દિકને સમર્થન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આજે દસ દસ દિવસ આમરણાંત ઉપવાસના પરંતુ સરકારની આંખો હજુ ખૂલતી નથી. ઊંઝા તાલુકાના અમૂઢ ગામે સોમવારના દિવસે સાંજે ૭ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી ૧૫૧ દીવડાની મહાઆરતી અને રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઊમિયા માતાજીના મંદિરના પટાંગણમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઆરતી અને રામધૂનમાં ૪૦૦થી વધારે પાટીદાર ભાઈઓ અને ૪૫૦થી વધુ પાટીદારની બહેનો અને માતાઓ પણ આખી રાત ઉજાગરો કરીને હાર્દિક પટેલના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરાઈ હતી.