• Home
  • India
  • ક્રોસ વોટિંગના સમાચાર વચ્ચે પૂરુ થયું રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન

ક્રોસ વોટિંગના સમાચાર વચ્ચે પૂરુ થયું રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન

 | 7:20 pm IST

દેશના આગામી રાષ્ટ્રપતિ ચૂંટી કાઢવા સોમવારે ભારતના 776 સાંસદો અને રાજ્ય વિધાનસભાઓના 4120 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. સોમવારે સવારે 1૦ કલાકથી રાજધાની દિલ્હીમાં સંસદભવન અને રાજ્યોની રાજધાનીઓમાં વિધાનસભા ખાતે શરૂ થયેલું મતદાન સાંજે પાંચ કલાકે સમાપ્ત થતાં એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ અને યુપીએના ઉમેદવાર મીરાં કુમારના ભાવિ મતપેટીમાં સીલ થઇ ગયાં હતાં.

માત્ર ઔપચારિકતા સમાન બની રહેલી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનના ઉમેદવાર રામનાથ કોવિંદનો વિજય નિશ્ચિત મનાય છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 20મી જુલાઇએ મતગણતરી હાથ ધરાશે. 25 જુલાઇએ દેશના નવા રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ કરશે. લોકસભા અને 17 રાજ્યોની વિધાનસભામાં ભાજપ અને એનડીએની સ્પષ્ટ બહુમતી હોવાથી રામનાથ કોવિંદને 7૦ ટકા મત મળવાની સંભાવના છે. ચૂંટણી પંચે મતદાન પર નજર રાખવા સમગ્ર દેશમાં ૩૩ ઓબ્ઝર્વર નિયુક્ત કર્યા હતાં. જેમાંથી બે સંસદભવનમાં મતદાન સમયે હાજર હતાં. દરેક વિધાનસભામાં એક ઓબ્ઝર્વર નિયુક્ત કરાયો હતો. દરમિયાન ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, ગુજરાતમાં ક્રોસ વોટિંગ થયાના અહેવાલો પ્રાપ્ત થયાં છે. મતદાન બાદ સત્તાધારી ભાજપે જણાવ્યું હતું કે, રામનાથ કોવિંદનો વિજય નિશ્ચિત છે. સામે પક્ષે વિપક્ષે જણાવ્યું હતું કે, વિચારધારાની લડાઇમાં મીરાં કુમાર શ્રેષ્ઠ ઉમેદવાર હતાં.

ત્રિપુરામાં તૃણમૂલનાન ૬ અને કોંગ્રેસના એક ધારાસભ્યનું ક્રોસ વોટિંગ
ત્રિપુરામાં તૃણમૂલ કોંગ્રેસના ૬ અને કોંગ્રેસના એક ધારાસભ્ય રતનલાલ નાથે પાર્ટી લાઇનથી અલગ હટી એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને મત આપ્યો હતો. ટીએમસીના ૬ ધારાસભ્યોના નેતા આશીષ સહાએ જણાવ્યું હતું કે, તૃણમૂલ, સીપીએમ અને કોંગ્રેસે કરેલા અપરાધોના વિરોધમાં અમે ક્રોસ વોટિંગ કર્યું છે. કોંગ્રેસના રતનલાલને પણ અમિત શાહ સાથેની મુલાકાત બાદ કોંગ્રેસ દ્વારા નોટિસ અપાઇ છે.

સપાના કેટલાક સાંસદોએ કોવિંદને મત આપ્યો : શિવપાલ
સમાજવાદી પાર્ટીમાં મુલાયમને વફાદાર કેટલાક સાંસદોએ કોવિંદની તરફેણમાં મત આપ્યા હતા. મુલાયમના ભાઇ શિવપાલ યાદવે દાવો કર્યો હતો કે, મારી સાથે સપાના ૧૫ ધારાસભ્યોએ એનડીએના ઉમેદવાર કોવિંદને મત આપ્યો છે. યુપી વિધાનસભામાં સપાના ૪૭ ધારાસભ્ય છે.

મહારાષ્ટ્રમાં બે અને ઝારખંડમાં ૪ ધારાસભ્યો જેલમાંથી મત આપવા પહોંચ્યા
મહારાષ્ટ્રમાં એનસીપીના ધારાસભ્યો છગન ભૂજબળ અને રમેશ કદમ મત આપવા જેલમાંથી વિધાનસભા પહોંચ્યા હતા. ઝારખંડમાં પણ ધારાસભ્યો સંજીવ સિંહ, નિર્મલાદેવી, પ્રદીપ યાદવ અને એનોસ એક્કા મત આપવા જેલમાંથી વિધાનસભા ગયા હતા.