પુરુષોને આરોપીના કઠેડામાં ઊભા રાખવાની ઉતાવળ શા માટે? - Sandesh
  • Home
  • Columnist
  • પુરુષોને આરોપીના કઠેડામાં ઊભા રાખવાની ઉતાવળ શા માટે?

પુરુષોને આરોપીના કઠેડામાં ઊભા રાખવાની ઉતાવળ શા માટે?

 | 12:26 am IST

પ્રાસંગિક : રમેશ દવે

બોલિવૂડના ટોચના દિગ્દર્શક રાજકુમાર હીરાણી પણ હવે  Me Too  અભિયાન હેઠળ એક સંગીન આરોપમાં સપડાયા છે. એમની સાથે સંજુ ફિલ્મમાં કામ કરી ચૂકેલી એક સહાયક દિગ્દર્શિકાએ એમના પર જાતીય અત્યાચારનો આરોપ મૂક્યો છે. પીડિતાનું એવું કહેવું છે કે, સંજુ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન દરમિયાન લગભગ છ મહિના સુધી હીરાણીએ તેની સાથે જાતીય અત્યાચાર કર્યો હતો. પરંતુ પીડિતાના પિતા બીમાર હોવાથી એ વખતે તેણે મૌન સેવવાનું ઉચિત માન્યું હતું. વળી, એ દરમિયાન પિતાની બીમારીને કારણે પણ પીડિતા ચિંતામાં હતી. હવે રહીરહીને એણે હીરાણી પર આરોપ મૂક્યો છે. આરોપ કેટલો સાચો છે કે ખોટો છે એ વિશે કાંઈ કહી શકાય નહીં. પરંતુ એક વાત ચોક્કસ છે કે હીરાણીના દામન પર ડાઘ લાગી ચૂક્યો છે. એમના જૂના સાથી ને નિર્માતા વિધુ વિનોદ ચોપરાએ પોતાની આગામી ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ના પોસ્ટરમાંથી એમનું નામ હટાવી દીધું છે. એક દિગ્દર્શક માટે આનાથી વધુ મોટું લાંછન બીજું શું હોઈ શકે? રાજકુમાર હીરાણીની ઇમેજ એક ધીરગંભીર અને વિચારશીલ સેલિબ્રિટી તરીકેની છે. તેઓ કોઈ સ્ત્રી સાથે આવો અભદ્ર વ્યવહાર કરી શકે એવું એમના નજીકના વર્તુળમાંથી કોઈ માને નહીં. છતાં હવે જ્યારે આવો ગંભીર આરોપ લાગી જ ગયો છે ત્યારે હીરાણીએ એનો સામનો કરે જ છૂટકો.

આઈપીસીની જોગવાઈઓ મુજબ કોઈ સ્ત્રી પર બળાત્કાર થાય ત્યારે એનું નામ જાહેર કરાતું નથી. એટલા માટે કે બળાત્કાર પીડિતાનું નામ જાહેર થાય તો એણે ભવિષ્યમાં સહન કરવાનું આવે. પ્રશ્ન એ થાય છે કે તો પછી જેના પર બળાત્કાર કે જાતીય અત્યાચારનો આરોપ મુકાયો હોય એ પુરુષનું નામ શા માટે જાહેર કરાય છે? શું પુરુષોએ સમાજમાં નથી રહેવાનું? આવો આરોપ મુકાય ત્યારે એકલા પુરુષે જ નહીં પણ એના પરિવારે પણ શરમ અને લજ્જામાં મુકાવું પડે. એમને માટે સમાજમાં હળવા-મળવાનું લગભગ બંધ થઈ જાય. રાજકુમાર હીરાણી પર આવો આરોપ લાગ્યો છે ત્યારે એમની પત્ની અને એમના કુટુંબ માટે પણ એમના સગા-સંબંધીઓને જવાબ આપવાનું અને ખુલાસા કરવાનું મુશ્કેલ બની જાય. સૌથી મોટી વિડંબના એ છે કે સમાજ સહેલાઈથી પુરુષના ખુલાસા સ્વીકારવા તૈયાર નથી થતો. એને આરોપીના પાંજરામાં ઊભો કરી દેવાની બધાને ઉતાવળ હોય છે. આ સરાસર અન્યાય છે. કમ સે કમ Me Tooની બાબતમાં તો પોલીસ અને મીડિયાએ જે પુરુષ સામે જાતીય સતામણી કે રેપના આરોપ મુકાયા હોય એનું નામ ગુપ્ત રાખવું જોઈએ. એટલા માટે કે આ કેમ્પેઇન હેઠળ સ્ત્રીઓ વરસો પહેલાં બનેલા બનાવનો આધાર લઈને પુરુષો પર આરોપ મુકતી હોય છે. ખુદ પોલીસ માટે વર્ષો પહેલાં થયેલા જાતીય અત્યાચાર કે રેપનાકોઈ ઠોસ પુરાવા મેળવવાનું અને પીડિતાના આરોપો પુરવાર કરવાનું દુષ્કર હોય છે. વળી, આ આરોપ કોર્ટમાં કેટલા ટકી શકે એ વિશે પણ પૂરેપૂરી શંકા હોય છે. આ બધુ જોતાં કહેવાતા આરોપી પુરુષનું નામ જાહેર ન થાય એ જ એના અને એના પરિવારના હિતમાં છે.

અભિનેતા આલોકનાથ સામે જાણીતા લેખિકા અને સિરિયલ નિર્માતા વિન્તા નંદાએ બળાત્કારનો ગંભીર આરોપ મૂક્યો હતો. વિન્તાના કહેવા મુજબ આલોકનાથે તેમના પર લગભગ ૧૮ વરસ પહેલાં રેપ કર્યો હતો. આ કેસમાં આલોકનાથે સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. સેશન્સ કોર્ટના જજે એમના જામીન મંજૂર પણ કર્યા હતા. પરંતુ વિન્તાના વકીલે આલોકનાથને જામીન આપવાનો વિરોધ કરતી દલીલ કરી હતી. એ વખતે જજે એવી ટિપ્પણ કરી હતી કે આલોકનાથ સામે કોઈ પૂર્વદ્વેષ અને અણબનાવથી પ્રેરાઈને આરોપ કરાયા હોય એવું પ્રથમ દૃષ્ટિએ લાગે છે. વળી અભિનેતા સામે કોઈ પુરાવા કે સાક્ષી નથી. એ સંજોગોમાં તેઓ જામીન મેળવવાને હકદાર છે. જજનું આ નિરીક્ષણ ઘણં બધં કહી જાય છે. ન્યાય તંત્રનો મૂળભૂત સિદ્ધાંત છે કે સો ગુનેગાર ભલે છૂટી જાય પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. જ્યારે Me Too ઝુંબેશમાં તો પુરુષ અપરાધી સાબિત થાય એ પહેલાં જ એને બદનામીની સજા કરી દેવાય છે. Me Too હેઠળ જાણીતી હસ્તી સામે ફરિયાદ થાય એટલે તરત મીડિયામાં એના નામની હેડલાઈનો ચમકે. લોકોની નજરમાં એ પડી જાય અને ઘરેઘરે એનો ન્યાય તોળાતો થઈ જાય. આવી સજા ક્યાં સુધી વાજબી છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન