Mendarada River At junagadh In Godhara Missing youngsters body
  • Home
  • Featured
  • બે દિવસથી ગુમ ગોધરાના ચાર યુવાનોને અંધારામાં મોત મળ્યું, ચારેયના મોત

બે દિવસથી ગુમ ગોધરાના ચાર યુવાનોને અંધારામાં મોત મળ્યું, ચારેયના મોત

 | 9:46 am IST

રવિવારના વહેલી સવારથી ગુમ થયેલા ગોધરાના રામપુર ગામના ચાર પટેલ યુવાનોની કાર ગતરાતે મેંદરડા પાસેના ખડપીપળી નજીક આવેલા પાણી ભરેલા વોકળામાંથી મળી આવી હતી, પાણીમાં તરવૈયાઓની શોધખોળ બાદ ચારેય ગુમ યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ચારેય યુવાનોના મોતથી તેના ગામ અને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

પંચમહાલના ગોધરાના રામપુર ગામના મૌલિક ઇન્દ્રવદન પટેલ ઉ.22, જીગર પ્રકાશભાઈ પટેલ ઉ.23, મોહિત મહેશભાઈ પટેલ અને પીનાકીન રમેશભાઈ પટેલ નામના ચાર યુવાનો ઇકો કાર લઈને સૌરાષ્ટ્રમાં વીરપુર ખાતે દર્શન કરવા આવ્યા હતા, ત્યાર બાદ તાલાલા ખાતે પીનાકીનના સસરાના ઘરે આંટો મારવા જવા નીકળેલા ચારેય યુવાનો મેંદરડા પાસે આવીને લાપતા બન્યા હતા, આ અંગે પંચમહાલ પોલીસમાં જાણ કરવામાં આવતા ચારેય યુવાનોનું છેલ્લું મોબાઈલ લોકેશન મેંદરડા પાસે મળી આવ્યું હતું.

જેથી જૂનાગઢ પોલીસે 10 ટીમો બનાવીને તે વિસ્તારમાં શોધખોળ કરી રહી હતી, ત્યારે રાતે મેંદરડા પાસેના ખડપીપળી નજીક આવેલા પાણી ભરેલા વેંકરા વોકળામાં એક કાર ખાબકી હોવાની બાતમી મળતા ડીવાયએસપી જાડેજા અને ગઢવી સહિતનો પોલીસ કાફ્લો પહોચ્યો હતો, અંદર 20 ફૂટ ઊંડા પાણીમાં તપાસ કરતા અંદર કાર હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે ક્રેઇન મારફ્ત કારને બહાર કાઢવામાં આવી હતી.ચારેય યુવાનોમાં પિનાકીન પટેલના પત્ની તાલાલાના વતની હોય જેથી ચારેય યુવાનો પિનાકીનના સસરાના ઘરે આંટો મારવા જવાનું કહી રવાના થયા હતા. પણ તાલાલા નહી પહોંચતા પરિવારજનોએ ફોન કરતા ચારેયના ફોન બંધ આવતા હતા.

અને સવાર સુધી પાણીમાં તરવૈયાઓએ શોધખોળ કરતા બે યુવાનોના મોડી રાતે અને બે યુવાનોના વહેલી સવારે મૃતદેહ હાથ લાગ્યા હતા. આ અંગે તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી. પોલીસના કહેવા મુજબ ઇકો કાર ચલાવી રહેલા યુવાનને રાતે કદાચ ઝોકું આવી જવાના કારણે કારબે ગોથા ખાઈને ઊંડા વોકળામાં ખાબકી હોવાનું અનુમાન છે. ચારેય યુવાનોના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ચારમાંથી બે યુવકો એન્જીનીયર હતા

મોતને ભેટેલા ચારેય યુવકોમાં બે યુવકો મીકેનીકલ એન્જીનીયર હતા, જયારે એકએ આઈટીઆઈ પાસ કર્યું હતું, તો એક યુવાન હજુ ગ્રેજ્યુએટ થયો હતો, ચારેયમાં બે યુવાનો અપરણિત હતા, જયારે એક યુવાનની પત્ની સગર્ભા છે. ચારેય યુવાનોના મોતથી ગમગીની ફેલાઇ છે.

આ પણ જુઓ વીડિયો: માનાં નામે કલંક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન