Menstruation is irregular and the stomach getting bigger
  • Home
  • Featured
  • માસિક અનિયમિત થઇ ગયું છે અને પેટ પણ મોટું થઇ રહ્યું છે, શું કરવું?

માસિક અનિયમિત થઇ ગયું છે અને પેટ પણ મોટું થઇ રહ્યું છે, શું કરવું?

 | 4:11 pm IST

મૂંઝવણ :- ડો. અક્ષરકુમાર શર્મા

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૨ વર્ષની છે, પતિની ઉંમર ૨૫ વર્ષ છે. મારું માસિક દર મહિને ૨૩ કે ૨૫માં દિવસે આવી જાય છે. હવે અમે બાળકનો પ્લાન કરી રહ્યાં છીએ. ગત મહિને માસિક આવ્યું ત્યારબાદ અમે બાળક માટે પ્લાન શરૂ કર્યો, અમે નિરોધ વગર સેક્સ કરતાં હતાં, પરંતુ હજી ગર્ભ રહ્યો નથી. મારું માસિક ફરીથી આવી ગયું છે. તો શું સ્પર્મનો કોઇ પ્રશ્ન હશે? મને ચિંતા થઇ રહી છે કે ગર્ભ કેમ ન રહ્યો?

જવાબ : જરૂરી નથી કે પહેલીવારના પ્રયત્નમાં જ ગર્ભ રહી જાય. તમે આટલાં ઉતાવળે કોઇ ગ્રંથી ન બાંધશો. તમારી ઉંમર પણ હજી નાની છે. ગર્ભ રહેવાની ઘટના ગમે ત્યારે બનશે. હાલ કરો છો એવો પ્રયાસ કરતા રહો. ધીરજ રાખો. સફળતા મળી જશે, એક વર્ષે પણ જો સફળતા ન મળે તો એકવાર કોઇ સારા ગાયનેકને બતાવી દો.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૩ વર્ષ છે. પતિની ૨૫ વર્ષ છે. મારું માસિક નિયમિત છે, પણ  પેટ મોટું થતું જાય છે. અમારે હાલ બાળક નથી જોતું, અમે પાંચ દિવસ પહેલાં જ ઘરે પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ લાવીને તપાસ કરી હતી, પણ તેમાં એક જ લાઇન આવી હતી. મારું પેટ મોટું થતું હોવાને કારણે ડર લાગે છે કે મને ગર્ભ રહી ગયો હશે તો? ડોક્ટર પાસે ન જવું પડે અને ઘરે જ તેની ખબર પડી જાય તેવો ઉપાય જણાવશો.

જવાબ : માસિક નિયમિત હોય તો ગર્ભ રહેવાની શક્યતા નથી. વળી તમે જણાવ્યું કે તમે ઘરે પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ લાવીને ચેક કર્યું, તેમાં એક જ લાઇન આવી મતલબ કે ગર્ભ નથી. પણ પેટનો ભાગ મોટો થઇ રહ્યો છે તેની પાછળનું કારણ કદાચ તમારું વજન વધતું હોય એવું પણ બને. ઘણી સ્ત્રીઓને લગ્ન બાદ થોડો પેટનો ભાગ વધતો હોય છે. બીજું પણ કારણ હોઈ શકે. તેથી એકવાર ડોક્ટરને બતાવી આવવું જ યોગ્ય રહેશે. ડોક્ટર પાસે જવામાં શું વાંધો છે? તમે પતિ-પત્ની છો, ડોક્ટર પાસે જવામાં કોઇ પાપ નથી લાગવાનું માટે ખોટું રિસ્ક લેવાને બદલે એક્વાર ચેકઅપ કરાવી લેવું જ યોગ્ય રહેશે.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૫ વર્ષ છે. હું કુંવારી છું. મેં સેક્સનો અનુભવ ઘણીવાર માણ્યો છે. પહેલાં મારા નિપ્પલની આજુબાજુનો ભાગ એક રૂપિયાના સિક્કા જેટલો નાનો હતો, હવે તે વધી ગયો છે. તેની આજુબાજુનો ભાગ વધારે પહોળો અને કાળો થઇ ગયો છે, તેમજ મારા પેડૂનો ભાગ પણ વધી ગયો છે, આવું કેમ થયું હશે? મને જણાવશો.

જવાબ : સેક્સ કર્યાં બાદ નિપલ્સની આજુબાજુનો ભાગ થોડો પહોળો અને ડાર્ક થતો હોય છે. આ નોર્મલ છે. હોર્મોન્સ બદલાય તેના કારણે આવું બનતું હોય છે. સાથે જ સેક્સ માણવાનું શરૂ કરો તો ધીમે ધીમે પેડૂનો ભાગ પણ થોડો મોટો થતો હોય છે, બ્રેસ્ટ પણ વિકાસ પામે છે. તેથી ગભરાવાની જરૂર નથી પરંતુ માસિક ન આવતું હોય તો ચેકઅપ જરૂરથી કરાવડાવી લેવું.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૩૭ વર્ષ છે. મારે બે બાળકો છે. થોડાં સમયથી માસિક અનિયમિત થઇ ગયું છે. શું મને મેનોપેઝ આવી રહ્યું છે? કે બીજી કોઇ સમસ્યા હશે? મને યોગ્ય ઉત્તર જણાવશો.

જવાબ : મેનોપેઝ માટે તમારી ઉંમર ખરેખર થોડી ઓછી જ કહેવાય, પણ ચિંતાની વાત નથી. માસિક અનિયમિત થવાના બીજાં અનેક કારણ છે.  મનની સમસ્યાના સમાધાન માટે એકવાર ડોક્ટરને બતાવી દેવું જ બહેતર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન