metoo Amdavadi girl pointed fingers at the famous songwriter
  • Home
  • Ahmedabad
  • #Metoo હવે ગુજરાતમાં, અમદાવાદી યુવતીએ જાણીતા ગીતકાર પર આંગળી ચીંધી

#Metoo હવે ગુજરાતમાં, અમદાવાદી યુવતીએ જાણીતા ગીતકાર પર આંગળી ચીંધી

 | 9:15 pm IST

ભૂતકાળમાં, કેટલાક કિસ્સામાં તો 20 વર્ષ પહેલાં, જાતીય સતામણી, દુષ્કર્મનો પોતે ભોગ બન્યા હોવાની અને કોણે ભોગ બનાવ્યા તેના નામ જોગ કેફિયત સોશિયલ મીડિયા મારફતે પ્રસિદ્ધ કરવાની યુવતીઓ-મહિલાઓની જે ‘મી ટુ’ ઝુંબેશ રાષ્ટ્રીય સ્તરે શરૃ થઈ છે તેનો ઘરઆંગણે ગુજરાતમાં પણ પ્રારંભ થયો છે.

ગુજરાતની યુવતીઓએ પણ પોતે કોના હાથે જાતીય સતામણીનો કેવી રીતે ભોગ બન્યા તેની ક્યાંક સિલસિલાબંધ તો ક્યાંક મર્યાદિત વિગતો સાથે પણ ભોગ બનાવનાર વ્યક્તિના નામ સાથે સોશિયલ મીડિયામાં પોતાની કેફિયત મુકી છે. આમાં એક બોલિવૂડના રાઈટર, કમ્પોઝર તથા બીજા અમદાવાદની એક સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થાના પ્રોફેસરે પોતાની સાથે દુષ્કર્મ કર્યું હોવાનો અથવા આવો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

શહેરમાંથી પ્રસિદ્ધ થતાં એક અંગ્રેજી અને ગુજરાતી અખબાર સાથે ભૂતકાળમાં સંકળાયેલ યુવતીઓ કેટલાક સમય પહેલાં એક પાર્ટીમાં બોલિવૂડના રાઈટર-કમ્પોઝરે તેને હાથ પકડીને છેડછાડનો પ્રયાસ કર્યાની પણ પોતે અત્યંત અડગપણે પ્રતિભાવ આપતાં પેલા મહાશય બહુ આગળ વધી શક્યા નહોતા, પરંતુ કદાચ આવી છેડછાડ બીજી યુવતીઓ સાથે પણ તેમણે કરી હોવાની આશંકા સાથે આ યુવતીએ ફેસબુક પર પોતાની પોસ્ટ મુકી છે.

બીજા એક બહાર આવેલા કિસ્સામાં એક યુવતીએ અમદાવાદની એક ડિઝાઈન-મેનેજમેન્ટ ઈન્સ્ટીટયુટના પ્રોફેસરે બે વર્ષ પૂર્વે તેના પર જાતીય હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે. ફેસબુક પર તેણે મુકેલી પોસ્ટ બાદ ભારે ચકચાર મચી હતી. જો કે, આ મામલે હકીકત એવી બહાર આવી છે કે, આ યુવતી ન તો આ સંસ્થામાં વિદ્યાર્થી હતી કે છે, અથવા ત્યાં પ્રોફેસર પણ નથી. વળી, સંસ્થાએ આ આક્ષેપને ગંભીરતાથી લઈ તપાસનો નિર્ણય કર્યો છે. અલબત્ત, જેમની પર આક્ષેપ છે એ પ્રોફેસર હાલ શૈક્ષણિક જવાબદારીમાંથી બ્રેક લઈ પોતાના અભ્યાસમાં વ્યસ્ત છે.

આમ, ખરેખર વાતમાં તથ્યા હોય કે નહીં તે તો તપાસનો વિષય બનશે, પણ પોતાની મરજી વિરૃદ્ધ કોઈ પુરૃષે વર્તન કર્યું હોવાની કથિત ઘટનાઓ સામે ચુપ રહ્યા વિના હવે ગુજરાતી યુવતીઓ બિન્દાસ્ત બહાર આવી રહી છે. તેમાં કેટલાય મોટા માથાં ઝપાટામાં આવી જશે તેવી આશંકા છે.

અમદાવાદની રાષ્ટ્રીયકક્ષાએ પ્રિમિયર માર્કેટિંગ એન્ડ કોમ્યુનિકેશન ઈન્સ્ટિટયુટ તરીકે ગણના પામતી માઈકાના એક પ્રોફેસર સામે જાતિય સતામણીના આક્ષેપથી વિવાદ જાગ્યો છે. હાલ તુર્ત સંસ્થાએ એક ઈન્કવાયરી કમિટી બેસાડી છે.

મહિલાઓની જાતિય સતામણી અંગે છેલ્લા કેટલાક સમયથી મી ટુના નામે ઝૂંબેશ ચાલી રહી છે. જેમાં મહિલાઓ પોતાની સાથે થયેલી સતામણીની વિગતો જાહેર કરે છે. ફેસબુકમાં માઈકાના એક પ્રોફેસર સામે એક યુવતીએ બે વર્ષ પહેલાં જાતિય સતામણી કરી હતી તે મતલબની પોસ્ટ મુકી હતી.

આ પોસ્ટ બાદ વિવાદ થતાં માઈકાએ આ આક્ષેપ અંગે ઈન્કવાયરી કમિટી બેસાડી હોવાનું જાણવા મળે છે. માઈકાએ આક્ષેપ કરનાર તેમની સ્ટુડન્ટ કે પ્રોફેસર નહીં હોવાનું જણાવ્યું છે. જેની સામે આક્ષેપ છે તે પ્રોફેસર ૧૭મી સપ્ટેમ્બરથી સ્ટડી લીવ પર છે.

આક્ષેપ અંગે પ્રોફેસરનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે મને બદનામ કરવાનું આ ષડયંત્ર છે. જેણે આક્ષેપ કર્યો છે તે મારા પત્નીની ફ્રેન્ડ છે. મને સસ્પેન્ડ કરાયો નથી. હું હાલમાં સ્ટડી લીવ પર છું. આ પ્રકરણમાં સત્ય બહાર આવશે. હું તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ. આ મુદ્દે હું કાનૂની લડત આપીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન