#MeTOO : એમ .જે . અકબર પર રાજીનામાનું પ્રચંડ દબાણ, નિર્ણય પર સસ્પેન્સ ઘેરું બન્યું - Sandesh
  • Home
  • India
  • #MeTOO : એમ .જે . અકબર પર રાજીનામાનું પ્રચંડ દબાણ, નિર્ણય પર સસ્પેન્સ ઘેરું બન્યું

#MeTOO : એમ .જે . અકબર પર રાજીનામાનું પ્રચંડ દબાણ, નિર્ણય પર સસ્પેન્સ ઘેરું બન્યું

 | 1:15 am IST

। નવી દિલ્હી ।

#MeTOO મૂવમેન્ટ અંતર્ગત મહિલા પત્રકારો દ્વારા કરાયેલા આરોપો બાદ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમ. જે.અકબર પર રાજીનામાનું પ્રચંડ દબાણ સર્જાયું છે. જોકે સરકાર દ્વારા આ અંગે કોઇ પગલાં લેવાશે કે કેમ તેનો કોઇ સંકેત ન મળતાં નિર્ણયમાં સસ્પેન્સ જળવાઇ રહ્યું છે. કેટલાંક સરકારી સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે, સાત મહિલાઓ દ્વારા જાતીય સતાવણીના આરોપ મુકાયા બાદ રાજીનામાનો નિર્ણય એમ. જે. અકબરે જાતે લેવો જોઇએ. એમ. જે. અકબર પર ગંભીર આરોપ મુકાઇ રહ્યાં છે ત્યારે તેઓ હાલ નાઇજીરિયાના લાગોસ ખાતે આયોજિત મહાત્મા ગાંધી પરના એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યાં છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર એમ. કે. અકબર રવિવારે સ્વદેશ પરત ફરે તેવી સંભાવના છે. એમ. જે. અકબરને પ્રવાસ ટૂંકાવી પરત ફરવાના સરકારે આદેશ આપ્યા હોવાના અહેવાલોને અધિકારીઓએ નકારી કાઢતાં જણાવ્યું હતું કે આ બધી ઉપજાવી કાઢેલી વાતો છે. એમ. જે. અકબર પરત ફરે પછી તેમનો પક્ષ પણ ધ્યાનમાં લેવાશે. એમ. જે. અકબર સામે કોઇ વિધિવત એફઆઇઆર કે ફરિયાદ નોંધાવાઇ નથી. આ નૈતિકતાનો મામલો છે અને તેનો નિર્ણય અકબરે જાતે જ લેવાનો છે.

ભાજપ-સંઘ ઇચ્છે છે કે અકબર જાતે રાજીનામું આપે

ભાજપ અને સંઘના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ અને સંઘ ઇચ્છે છે કે, વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ એમ જે અકબર જાતે જ રાજીનામુ આપે. કેન્દ્રીય કેબિનેટના એક ટોચના સૂત્રે જણાવ્યું હતું કે, અકબર પર મુકાઇ રહેલા આરોપોના કારણે સરકાર ઘણી પરેશાન છે. સરકાર અકબરનો કોઇ બચાવ પણ કરવા માગતી નથી. ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે, અકબર સામે પગલાં લેવાશે જ. બની શકે કે સરકાર તેમને ખુલાસો કરવાની એક તક આપે. બીજી તરફ સંઘ પણ ઇચ્છે છે કે તેના ચારિત્ર્ય પર નૈતિકતાના ઉલ્લંઘનનું કોઇ કલંક લાગે.