માયામી ઓપન : સાનિયા-સ્ટ્રિકોવાની જોડી ફાઇનલમાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • માયામી ઓપન : સાનિયા-સ્ટ્રિકોવાની જોડી ફાઇનલમાં

માયામી ઓપન : સાનિયા-સ્ટ્રિકોવાની જોડી ફાઇનલમાં

 | 1:22 am IST
  • Share

માયામી, તા. ૧

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને ચેક ગણરાજ્યની જોડીદાર બાર્બરા સ્ટ્રિકોવાની જોડીએ સ્વિત્ઝર્લેન્ડની ર્માિટના હિંગિસ અને ઔતાઇવાનની ચાન યુંગ જાનની જોડીને દોઢ કલાક સુધી ચાલેલા સેમિફાઇનલ મુકાબલામાં ૬-૭, ૬-૧, ૧૦-૪થી પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ફાઇનલમાં ઇન્ડો-ચેક જોડીનો સામનો કેનેડાની ગેબ્રિયેલા દાબ્રોવસ્કી અને ચીની ઝુ યિફાન સામે થશે. આ જોડીએ પોતાની સેમિફાઇનલ મેચમાં હેવાકોવા અને સુઈ પેંગની જોડીને ૭-૫, ૫-૭, ૧૦-૭થી પરાજય આપ્યો હતો. સાનિયા-સ્ટ્રિકોવાની જોડી આ પહેલાં ઇન્ડિયન વેલ્સ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં ર્માિટના હિંગિસ અને ચાન યુંગ જાનની જોડી સામે ટકરાઈ હતી પરંતુ તે વખતે હારનો સામનો કરવો પડયો હતો. આમ, હવે ઇન્ડો-ચેક જોડીએ આ જીત મેળવી બદલો પણ લઈ લીધો હતો.

પ્રથમ સેટમાં હિંગિસ-ચાન યુંગની જોડીએ મજબૂત શરૂઆત કરતાં ૪-૧ની લીડ મેળવી હતી પરંતુ સાનિયા-સ્ટ્રિકોવાએ વળતી લડત આપી સતત ચાર પોઇન્ટ જીતી ૫-૪ની લીડ મેળવી લીધી હતી. બંને જોડી વચ્ચે તે પછી સંઘર્ષ જોવા મળતાં બંને ૬-૬ની બરાબરી પર પહોંચી હતી જેને કારણે પ્રથમ સેટ ટાઈ બ્રેકરમાં પહોંચ્યો હતો જ્યાં હિંગિસ-યુંગની જોડીએ ૮-૬થી પ્રથમ સેટ પોતાના નામે કર્યો હતો. બીજા સેટમાં સાનિયા-સ્ટ્રિકોવાએ આક્રમક રમત દર્શાવતાં હિંગિસ-યુંગની બે વખત સર્વિસ બ્રેક કરી ૫-૦ની લીડ મેળવી હતી. છઠ્ઠી ગેમ હિંગિસ-યુંગે જીતી હતી પરંતુ સાતમી ગેમમાં સાનિયા-સ્ટ્રિકોવાએ જીત મેળવી બીજો સેટ ૬-૧થી જીતી લીધો હતો. તે પછી સુપર ટાઈબ્રેકમાં સાનિયા-સ્ટ્રિકોવાએ ૧૦-૪થી આસાનીથી સેટ જીતી ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

આ વર્ષે સાનિયા મિર્ઝાએ બેથાની માટેક સેન્ડ્સ સાથે બ્રિસ્બેન ઓપનનું ટાઇટલ જીત્યું હતું. તે પછી સાનિયાએ ચેક ગણરાજ્યની બાર્બરા સ્ટ્રિકોવા સાથે જોડી બનાવી હતી. આ જોડી સિડની ઓપનની ફાઇનલમાં પહોંચી હતી જ્યાં ટીમિયા બાબોસ અને પાવ્લિચેન્કોવા સામે પરાજય થતાં રનર્સ અપથી સંતોષ માનવો પડયો હતો. તે પછી સાનિયા ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં, કતાર ઓપન અને દુબઈ ઓપનની સેમિફાઇનલમાં બહાર થઈ ગઈ હતી.

લિયેન્ડર પેસ લિઓન ચેલેન્જરની ફાઇનલમાં 

ભારતીય પીઢ ટેનિસ ખેલાડી લિયેન્ડર પેસ અને કેનેડાના સાથીદાર આદિલ શમસુદ્દીનની જોડી લિયોન ઓપન ચેલેન્જર્સની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ત્રીજા ક્રમાંકિત પેસ-આદિલની જોડીએ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના લ્યુક સેવિલ અને જ્હોન પેટ્રિક સ્મિથની જોડીને ૬-૭, ૬-૪, ૧૦-૫થી પરાજય આપ્યો હતો. ફાઇનલમાં પેસ-આદિલનો સામનો સ્વિત્ઝર્લેન્ડના લુકા માર્ગારોલી અને બ્રાઝિલના કારો ઝામ્પિએરી સામે થશે. પેસ આ સિઝનમાં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યો છે. આ પહેલાં પેસ દુબઈ ઓપન અને ડેલરે બીચ ઓપનની સેમિમાં પહોંચ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન