મિડકેપમાં શું ફરી વેચાણનો દોર શરૂ થયો ? - Sandesh

મિડકેપમાં શું ફરી વેચાણનો દોર શરૂ થયો ?

 | 3:22 am IST

સેક્ટર વોચઃ આશુતોષ દેસાઇ

શેરબજારમાં ખરીદ-વેચાણ કરતાં દરેક રોકાણકાર અને ખેલૈયાઓને ‘ટ્રેડિંગ સાઇકલ’ જેવો શબ્દ તો માલૂમ હશે જ. મિડકેપ સેક્ટરમાં પણ સાઇકલ ડિગ્રી ટોપ બનાવ્યા બાદ આપણે એક જબરજસ્ત પેનિક મૂવમેન્ટના સાક્ષી બન્યા હતાં અને ત્યારબાદ મિડકેપમાં થોડી સ્થિરતા જળવાવી શરૂ થઈ અને પેનિક લેવલથી ફરી મોટાભાગના મિડકેપ શેરોમાં સુધારાનો દોર શરૂ થયો. પરંતુ, મિડકેપ શેરોમાં રોકાણ કરાનારા અને ટ્રેડિંગ કરનારા ટ્રેડર્સ માટે એ માહોલ ખાસ લાંબા સમય માટે જળવાયો નહીં અને ફરી એકવાર મિડકેપ આ વધતાં માર્કેટમાં પણ કંઈક અલગ પ્રકારના સંકેત દઈ રહ્યું છે. કહેવાય છે કે શેર માર્કેટનો એક વણલખ્યો નિયમ છે. બજારમાં કોઈ શેર કે સેક્ટર મજબૂત હોવાને નિશાની માત્ર એટલી નથી કે તેના ભાવો સતત ઉપરની તરફ આગળ વધતા રહે, પરંતુ તેની એક શરત એ પણ છે કે તેના વધ્યા ભાવો વિપરીત સંજોગોમાં પણ જળવાઈ રહેવા માટે સતત મહેનત કરતાં રહે. જ્યારે મિડકેપમાં હાલના તબક્કે તેવા સંજોગો જણાતા નથી.

પહેલાં પેનિક વેચાણના દોરમાં આપણે જોયું કે લો ક્વોલિટીના મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચાણ શરૂ થયું હતું અને ત્યારબાદ તે પેનિક બજારમાં ધીમું પડતાં ફરી મિડકેપ શેરોમાં થોડી સ્થિરતા જળવાઈ હતી પરંતુ હવે વેચાણના આ દોરમાં સારી ક્વોલિટીના એટલે કે જે કંપનીના અર્િંનગ્સ સારા રહ્યા છે, બેલેન્સશીટના આંકડાઓ કંપનીઓને સારા વેલ્યુએશન બક્ષી રહી છે તે કંપનીઓમાં પણ હવે આ વખતના વેચાણના દોરમાં વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. આપણે આગળ કહ્યું તેમ આ રીતની મિડકેપ કંપનીઓ પોતાના લેવલ્સ જાળવી રાખવામાં તો નિષ્ફળ રહી જ છે સાથે જ થોડો વધારો કે પુલબેક પણ જળવાતો નથી અને તુરંત નવું વેચાણ આવવું શરૂ થઈ જાય છે. તેથી જ આપણે જોઈ રહ્યા છે કે નિફ્ટી બ્રોડ ઇન્ડેક્સ એટલે કે નિફ્ટી-૫૦ તો એકંદરે સારું પ્રદર્શન કરી રહી છે પરંતુ, નિફ્ટી જૂનિયર એટલે કે મિડકેપ શેરોનો ઇન્ડેક્સ તેની સાથોસાથ ચાલી સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ પુરવાર થઈ રહી છે.  અને તેથી જ બજારના જાણકારો તથા આ સેક્ટરના એનાલિસ્ટો કહી રહ્યા છે કે હાલના તબક્કે નિફ્ટી જુનિયરનું લેવલ અને પર્ફોર્મન્સ જોતાં જણાઈ રહ્યું છે કે નિફ્ટી જુનિયર મોટા ઘટાડાનું રિસ્ક પોતાની સાથે લઈ ચાલી રહી છે. જે એક ચિંતાનો વિષય છે. નિફ્ટી મોટાભાગના ઈન્ડિકેટર્સ સૂચવી રહ્યા છે કે ઈન્ડિયન ઇન્ડેક્સ ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ભૂતકાળમાં જે પ્રાઈસિંગની સામે જે રિસ્ક કેરી કરીને પ્રદર્શન કરતી હતી તે કરવામાં હાલ નિષ્ફળ પુરવાર થઈ રહી છે. માર્કેટ બ્રેથ જેને આપણે કહીએ છીએ. ઈન્ડેક્સમાં પાર્ટિસિપેન્ટ કરતાં હોય તેવા વધારો નોંધાવી રહેલાં શેરો કરતાં ઘટાડો નોંધાવનારા શેરોની સંખ્યા વધુ છે.  હવે આટલાં બધા ઓબ્ઝર્વેશન્સ પછી આ બજાર સચોટ અંદેશો એ આપી રહ્યા છે કે માર્કેટ બ્રેથ અને ખરીદી માટેનો નબળો પ્રતિસાદ બજારમાં મિડકેપ અને સ્મોલકેપ કંપનીઓના દરેક ઉછાળાને નવા વેચાણની તક તરીકે જ લેશે અને તેમાં આ જ રીતે વેચાણ આવતું રહેશે. તો આવા સંજોગોમાં ટૂંકા ગાળાના રોકાણકારો અને ટ્રેડર્સોએ શું કરવું જોઈએ? સૌથી પહેલાં ટૂંકા ગાળાના રોકાણકારોની વાત કરીએ તો, તેમણે હાલના તબક્કે કોઈપણ મિડકેપ કે સ્મોલકેપ કાઉન્ટર્સમાં ખરીદી કરવાથી તો દૂર જ રહેવું જોઈએ સાથે જ કોઈ કાઉન્ટર્સમાં સારો ઉછાળો જોવા મળે તો તેમાં તે તક વેચાણની તક હોવાનું જાણી તે પ્રમાણે જ વર્તવું જોઈએ. ભવિષ્યમાં આ ઇન્ડેક્સ કે કાઉન્ટર્સમાં સારા પ્રદર્શનની શરૂઆત થાય તો બે રૂપિયા મોંઘુ લેવું પોષાઈ શકે પરંતુ, ઘટયો છે તો ખરીદીની તક છે તેમ માની એન્ટ્રી લેવી નુકસાનકારક સાબિત થઈ શકે. અને ટ્રેડર્સ હોય તેમણે તો દરેક ઉછાળો વેચાણની તક સમજી પોતાના સોદાનો નિર્ણય કરવો જોઈએ. હાલના સંજોગોમાં મિડકેપ કે સ્મોલકેપ કાઉન્ટર્સમાં ખરીદી સાથેના સોદા બેસાડવા હિતાવહ નથી તેમ જણાઈ રહ્યું છે.