મિડલ્સબોરોને ૩-૧થી પરાજય આપી માન્ચેસ્ટર યુનાઇટેડ પાંચમાં સ્થાને

46

લંડન :

ઇજાગ્રસ્ત પોલ પોગ્બા અને વેઇન રૂની તથા સસ્પેન્ડેડ એન્ડર હરેરા અને ઔઇબ્રાહીમોવિચ જેવા સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં માન્ચેસ્ટર યુનાઇટેડે પ્રીમિયર લીગની એક મેચમાં મિડલ્સબોરોને ૩-૧થી હરાવી લીગમાં પાચમં સ્થાન મેળવ્યું છે. જ્યારે આર્સેનલ છઠ્ઠા અને ચેલ્સી પ્રથમ ક્રમે યથાવત્ છે. પ્રથમ હાફમાં ફેલૈની અને બીજા હાફમાં લિન્ગાર્ડ તથા વેલેન્સિઆનાં ગોલની મદદથી યુનાઇટેડે મિડલ્સબોરોને ૩-૧થી હરાવ્યું હતું. મિડલ્સબોરો તરફથી મેચનો એક માત્ર ગોલ ૭૭મી મિનિટે રૂડી ગેસ્ટેડે કર્યો હતો. આમ આ મેચમાં વિજય મેળવીને યુનાઇટેડે ચેમ્પિયન્સ લીગ માટે *ટોપ ફોર* ની રેસ વધુ રસપ્રદ બનાવી દીધી છે.

ટોટનહામે ઇજાગ્રસ્ત સ્ટાર ખેલાડી હેરી કેનની ગેરહાજરીમાં સાઉથમ્પટનને ૨-૧થી હરાવી લીગમાં બીજં સ્થાન જાળવી રાખ્યું છે. પ્રથમ હાફમાં ક્રિસ્ટીઅન એરિક્સન અને ડેલી અલીનાં પેનલ્ટી ગોલની મદદથી ટોટનહામે ૨-૦ની લીડ મેળવી લીધી હતી. મેચની ૩૦મી મિનિટે સાઉથમ્પટનનાં સ્ટાર સ્ટ્રાઇકર માનોલો ગાબિઆદિની ઇજાગ્રસ્ત થતા સાઉથમ્પટને પ્રથમ સબસ્ટિટયૂટ ખેલાડીનો ઉપયોગ કર્યો હતો. બીજા હાફમાં સાઉથમ્પટન તરફથી એક માત્ર ગોલ જેમ્સ વોર્ડ-પ્રોવ્સે ફટકાર્યો હતો. મેચમાં અન્ય કોઇ ગોલ ન થતા ટોટનહામે ૨-૧થી મેચ જીતી લીધી હતી.

લિવરપૂલ અને માન્ચેસ્ટર સિટી વચ્ચેની મેચ ૧-૧થી ડ્રો રહી હતી. મેચનો પ્રથમ હાફ ૦-૦થી રહ્યો હતો પરંતુ બીજા હાફમાં ૫૧મી મિનિટે લિવરપૂલ તરફથી જેમ્સ મિલનરે પેનલ્ટીની મદદથી ગોલ કરી પોતાની ટીમને ૧-૦થી આગળ કરી દીઘી હતી. અઢાર મિનિટ બાદ સિટીનાં સ્ટાર સ્ટ્રાઇકર અગ્વેરોએ કેવિન ડી બ્રૂનનાં શાનદાર પાસને ગોલમાં ફેરવી સ્કોર બરાબરી પર લાવી દીધો હતો અને મેચ ૧-૧થી ડ્રોમાં પરિણમી હતી.

વેલેન્સિઆ સામે બાર્સેલોનાનો ૪-૨થી ભવ્ય વિજય

લિયોનેલ મેસ્સીનાં બે અને લુઇસ સુઆરેઝ તથા આન્દ્રે ગોમેસનાં એક ગોલની મદદથી ફૂટબોલ ક્લબ બાર્સેલોનાએ વેલેન્સીઆને ૪-૨થી હરાવ્યું હતું. વેલેન્સીઆ તરફથી મુનીર તથા મંગલાએ ગોલ કર્યા હતાં. ૨૯મી મિનિટે વેલેન્સીઆનાં ડિફેન્ડર મંગલાએ ગોલ કરી પોતાની ટીમને ૧-૦થી આગળ કરી દીધી હતી. મેચની ૩૫મી મિનિટે બાર્સેલોનાનાં લુઇસ સુઆરેઝે નેયમારનાં પાસને ગોલમાં ફેરવી સ્કોર ૧-૧થી બરાબરી પર લાવી દીધો હતો. ૪૪મી મિનિટે મંગલાને રેડ કાર્ડ મળતા બાર્સેલોનાને પેનલ્ટી મળી હતી જેને મેસ્સીએ ગોલમાં ફેરવી પોતાની ટીમને ૨-૧થી આગળ કરી દીધી હતી પ્રથમ હાફનાં અંતે વેલેન્સીઆનાં મુનિરે ગોલ કરી સ્કોર ૨-૨ની બરાબરી પર લાવી દીધો હતો. બીજા હાફની ૫૨મી મિનિટે મેસ્સી અને અંતિમ ક્ષણોમાં આન્દ્રે ગોમેસે ગોલ ફટકારી પોતાની ટીમને ૪-૨થી વિજય અપાવ્યો હતો.