મધ્યમ વર્ગ શ્રીમંતો- આધારિત બની રહ્યો છે! - Sandesh

મધ્યમ વર્ગ શ્રીમંતો- આધારિત બની રહ્યો છે!

 | 2:44 am IST

વર્લ્ડ વાઈડઃ વસંત કામદાર

ભૂતકાળમાં શ્રીમંતો પોતાના વ્યવસાયિક ક્ષેત્રમાંથી નિવૃત્ત થયા પછી જ દાન ધર્માદા કરવાનું વલણ ધરાવતા હતા, પરંતુ હવેનાં ધનિકો વધુ ને વધુ યુવાન વયે અથવા તો સક્રિયતાનાં વર્ષો દરમ્યાન જ દાન ધર્માદા કરી રહ્યા હોવાનું વલણ પ્રકાશમાં આવ્યું છે. અમેરિકામાં સમાજ કલ્યાણ અર્થે દાન ધર્માદા કરવા માંગતા ધનિકોને માર્ગદર્શન આપતી એક જાણીતી સંસ્થાનાં પ્રમુખ મેલીસા બર્મનનાં જણાવ્યા અનુસાર આજની દુનિયાનાં મોટા ભાગનાં ધનિકો કેવળ ધનથી જ નહીં, પરંતુ સમય અને શક્તિ થકી પણ માનવ સમાજની સેવા કરવા માંગે છે.

આવું શા માટે બની રહ્યું છે એ વિશે ખુલાસો કરતાં તેઓ જણાવે છે કે આ પ્રકારનું ઉદાર વલણ ધરાવતાં ધનિકોની એક સામાન્ય ખાસીયત એ છે કે તેઓને અતિશય શ્રીમંત બનવામાં ત્રીસ કે ચાળીસ વર્ષાે નથી લાગ્યા. તેઓ બહુ થોડાંક વર્ષોમાં જ શ્રીમંત બની ગયા છે. આ એક કારણથી તેઓ તેમની સંપત્તિમાંથી ઘણો બધો હિસ્સો માનવ સમાજના કલ્યાણ માટે ખર્ચી શકે છે. આવી ઉદારતા સામે તેમની અપેક્ષા કેવળ એટલી જ હોય છે કે તેઓ સમાજનાં મોટા ભાગનાં વર્ગ પાસેથી માન પાન મેળવી શકે.

જો કે ભારતીય લેખક આનંદ ગીરીધરદાસ પોતાનાં પુસ્તક “વીનર ટેક ઓલ”માં બાબત વિશે વધુ પ્રકાશ જણાવે છે કે વાસ્તવમાં માતબર રકમોનાં દાન આપી રહેલાં ધનિકો જ સમાજમાં પ્રવર્તી રહેલી આર્થિક અસમાનતાનાં પોષક છે. તેઓ તેમને ધનિકોની યાદીમાં મોખરાના સ્થાનો ઉપર રાખતી નફાખોરીને જતી કરવા કે તેમાં ઘટાડો કરવા સહેજે તૈયાર નથી.

તેઓના મત મુજબ સરકાર ગરીબો અને વંચિતોનાં વિકાસ માટે શ્રીમંતોના સહકારની અપેક્ષા રાખે એનાં કરતાં પોતાની સરકારી સંસ્થાઓને જ વધારે અસરકારક બનાવે તો એ સંસ્થાઓ સમાજનાં કચડાયેલા અને શ્રમિક વર્ગોનાં વિકાસમાં વધારે નોંધપાત્ર પ્રદાન કરી શકશે.  ઉલ્લેખનીય છે કે જાણીતા ઉદ્યોગપતિ વોરેન બફેટે છેલ્લા ૧૮ વર્ષથી દાન ધર્માદા કરેલી રકમ તેમની કુલ આવકનો ૭૧% જેટલો માતબર હિસ્સો થવા પામે છે. તેમણે બર્કશાયર હેથવે નામની સંસ્થાની સ્થાપના કરી છે અને તેની મારફતે તેમણે ૪૬૬ અબજ ડોલરનું દાન કર્યું છે.

બફેટ પછીનાં ક્રમે આવનાર માઈક્રોસોફટનાં સ્થાપક બીલ ગેટસે પણ છેલ્લા ૧૮ વર્ષો દરમ્યાન ૧૮૦ અબજ ડોલર જેટલી માતબર રકમ માનવ કલ્યાણ અર્થે વાપરી છે જે તેમની કુલ આવકનાં ૨૨.૨% જેટલી થવા પામે છે. તેમણે પણ આ હેતુને માટે એક ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. જેની કુલ સંપત્તિ ૪૦૩ અબજ ડોલર જેટલી છે અને એ ફાઉન્ડેશન થકી તેમણે ૪૧૦ અબજ ડોલરની રકમ દાન પેટે વાપરી છે.

આ યાદીમાં ફેસબુકનાં માર્ક ઝુકરબર્ગ, ગુગલનાં સર્ગેઈ બ્રીન અને લેરી પેજ તથા પ્રસિદ્ધ રોકાણકાર સીન પાર્કર જેવા અન્ય ધનિકોનો પણ સમાવેશ થાય છે. આ તમામ ધનિકોએ તેમની યુવાવસ્થામાં જ માનવ કલ્યાણ અર્થે પોતાની સંપત્તિનો મહત્તમ હિસ્સો ફાળવી દીધો છે.

વોરેન બફેટે પહેલાં તો એવું વિચારેલું કે પોતાનાં મૃત્યુ બાદ પોતાની સંપત્તિમાંથી કેટલીક રકમ માનવ કલ્યાણ અર્થે વપરાય તેવું આયોજન કરશે, પરંતુ તેમણે એકાદ દશક અગાઉ પોતાનું આ પ્રકારનું આયોજન ફેરવી તોળ્યું અને એવું નક્કી કર્યું કે તેઓ જીવતે જીવ જ પોતાની મોટાભાગની રકમ માનવ કલ્યાણ માટે વાપરશે. આજે તેઓ ૮૩ વર્ષની ઉંમરે પહોંચ્યા છે અને અમેરિકાનાં સહુથી ઉદાર ધનિકની યાદીમાં ટોચનાં સ્થાને બિરાજ્યા છે.

આ યાદીમાં સમાવિષ્ઠ બધા ધનિકોમાં એક સામ્યતા એ પણ છે કે તેઓએ કોઈ સંસ્થાને સખાવત આપવાનાં બદલે પોતાની માલિકીનાં જ સ્વતંત્ર ફાઉન્ડેશન વિકસાવ્યા છે અને એ ફાઉન્ડેશન મારફતે જ તેઓ દાન ધર્માદાની પ્રવૃત્તિ કરે છે. આ ફાઉન્ડેશનમાં ગમે તે દાતાઓ પોતાની સંપત્તિ દાનના સ્વરૂપમાં જમા કરાવી શકે છે. વોરેન બફેટે પોતાનાં દાનની રકમ ગેટસ ફાઉન્ડેશનને પણ આપી છે એ આ બાબતનું એક જવલંત ઉદાહરણ છે. આ ફાઉન્ડેશનનું સંચાલન બોર્ડ દ્વારા થતું હોય છે અને એ બોર્ડનાં પદાધિકારીઓમાં બદલાણને પણ અવકાશ હોય છે. આવા ખાનગી ફાઉન્ડેશન શેર બજાર અથવા તો એ પ્રકારનાં અન્ય ફળદાયી પ્રવૃત્તિઓમાં પોતાની સંપત્તિનો કેટલોક હિસ્સો રોકવા માટે મુક્ત હોય છે અને એ રીતે તેઓ પોતાની મૂડી વધારી પણ શકે છે. જો કે આખરે તો એ મૂડીમાં થયેલો વધારો પણ માનવ કલ્યાણનાં કામોમાં જ વાપરવાનો રહે છે.

એમેઝોન જેવી જાણીતી કંપનીનાં સી.ઈ.ઓ. જેફ બેઝોસે ધર્માદા રકમ કોઈ અન્ય ફાઉન્ડેશન મારફતે વાપરવાના બદલે પોતાનાં પરિવારનાં સભ્યોને સમાવતા એક ટ્રસ્ટ મારફતે વાપરી છે. એવું કહેવાય છે કે તેમણે અત્યાર સુધીમાં અંદાજિત ૬૮૦ કરોડ ડોલર આ ટ્રસ્ટમાં જમા કરાવ્યા છે. તેમણે તો આથી પણ વધારે રકમ માનવ કલ્યાણ અર્થે વાપરવાની તૈયારી દર્શાવી છે અને એ કેવી રીતે વાપરી શકાય એ અંગેના સૂચનો પણ તેમણે મંગાવ્યા છે.

જો કે ધનિકોએ કરેલાં આ માતબર રકમનાં દાન ધર્માદા પાછળ કેટલાક છૂપા હિતો હોવાની ટીકાઓ પણ થતી રહે છે. કોચ પરિવારની આ ઉદારતા પાછળ કેટલાક રાજકીય હિતો હોવાની ચર્ચાઓને પણ જોર પકડયું છે. તેઓ અમેરિકાની કન્ઝર્વેટીવ લોબીને મજબૂત કરવા માટેની યોજનાઓમાં આ રકમ ફાળવી રહ્યા હોવાના આક્ષેપો તેમની ઉપર થઈ રહ્યા છે.

બીલ ગેટસ ફાઉન્ડેશન પણ તેમાં બાકાત રહી શક્યું નથી. તે ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ ક્ષેત્રે અંદાજિત ૩.૬૭ અબજ ડોલર જેટલી રકમ ફાળવી છે. ગેટસ ફાઉન્ડેશનનાં ટીકાકારો એમ જણાવી રહ્યા છે કે ગેટસ ફાઉન્ડેશન દ્વારા શરૂઆતમાં નાની-નાની શાળાઓ શરૂ કરવાની યોજના માટે ફંડ ફાળવવામાં આવ્યો હતો, પરંતુ પાછળથી એ હેતુ ફેરવાઈ ગયો અને અમેરિકાનાં સરકારી શિક્ષણ વિભાગ દ્વારા શરૂ થઈ રહેલી અન્ય પ્રકારની શાળાઓ માટે એ ફંડને વાપરવાનું નક્કી કરવામાં આવ્યું. આવા હેતુફેરનાં લીધે ફાઉન્ડેશનને દાન આપનાર દાતાઓને ગેરમાર્ગાે દોરવામાં આવ્યા હોવાનું અનુભવાયું છે એમ તેઓ કહી રહ્યા છે.

[email protected]