મિલે તાલ મેરા તુમ્હારા... ૭૭ દેશોના સહવાદનનો રેકોર્ડ - Sandesh
  • Home
  • Kids Corner
  • મિલે તાલ મેરા તુમ્હારા… ૭૭ દેશોના સહવાદનનો રેકોર્ડ

મિલે તાલ મેરા તુમ્હારા… ૭૭ દેશોના સહવાદનનો રેકોર્ડ

 | 12:02 am IST

ગિનેસ રેકોર્ડ :- દિશા ઉમરેઠવાલા

પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં આવેલા સ્ટર્લિંગમાં સિત્યોતેર દેશના લોકો ભેગા થયા હતા, અને તેઓએ મળીને હમડ્રમ નામનું એક ડ્રમ ગ્રૂપ બનાવ્યું હતું. એકતા દિનની ઊજવણીમાં આ ડ્રમ ગ્રૂપે સંગીતવાદ્ય ડ્રમ પર સંગીતના અદ્ભુત સૂરો રેલાવ્યા હતા અને સૌને ડ્રમના તાલે ડોલાવ્યા હતા. ૧૯૯૯નાં રોજ હાર્મની ડે એટલે કે એકતા દિનની ઊજવણી થાય છે. આ દિવસે ઓસ્ટ્રેલિયામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે, જેમાં દેશની સંસ્કૃતિ અભિવ્યક્ત થાય છે. આ દિવસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ભેદભાવને સંયુક્ત રીતે દૂર કરવા સાથે પણ સંકળાયેલો છે. ૧૫ માર્ચના રોજ સ્ટર્લિંગ શહેર દ્વારા ધ સ્ક્વેર ઈન મીરબુક ખાતે ઊજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાર્મોની દિવસની ઊજવણી કરવા માટે દેશભરમાં અનેક ઈવેન્ટો અને અલગ -અલગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની તૈયારીઓ કરવામાં આવે છે. આ વખતે પણ ઓસ્ટ્રેલિયાના ર્સ્ટિલંગ શહેરમાં આ આયોજન કરવામાં આવ્યું હતું. પણ આ વખતે કંઈક હટકે કરીને ઊજવણીનો આનંદ વધુ જોશીલો બનાવી દીધો હતો. સિત્યોત્તેર લોકોએ ભેગા મળીને એક ગ્રૂપ બનાવ્યું હતું અને બધાએ એક સરખા રંગબેરંગી ઝભ્ભા પહેર્યાં હતા. તે દરેક પાસે આફ્રિકન ડ્રમ હતા અને તે ડ્રમના અવાજથી વાતાવરણને મનોરંજન સભર કરી દીધું હતું. આમ આ ડ્રમ ગ્રૂપે આયોજનમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. તેઓ એક્વાબા નામના આફ્રિકન પર્કસન ગ્રૂપના નેજા હેઠળ આ વાદન કરી રહ્યા હતા. એ ગ્રૂપે આયોજનમાં ભાગ લીધેલા સભ્યોને ૧૦૦ જેટલાં ડ્રમ પૂરા પાડયા હતા. તેમણે આયોજનના અઠવાડિયા પહેલા જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી અને આખરે ઊજવણીના દિવસે તેમણે ૧૫૦ જેટલી જાહેર જનતાની સામે પરફોર્મન્સ આપ્યું હતું. આ ઉપરાંત પ્રાથમિક શાળાના બાળકો પણ પોતાના અલાયદા ડ્રમ સાથે આ ડ્રમ ગ્રૂપમાં જોડાયા હતા અને સંગીતના સૂરો રેલાવ્યા હતા. પ્રેક્ષકોમાં શહેરના અનેક સ્થાનિક રહેવાસીઓ, કુંટુબીજનો અને મિત્રો પણ સામેલ હતા અને સાથે સાથે સ્ટર્લિંગના મેયરની હાજરી હતી. ડ્રમ ગ્રૂપમાં અલ્બેનિયા, અફઘાનિસ્તાન, બલ્ગેરિયા, કેનેડા, કોલંબિયા, ઈજિપ્ત, જાપાન, કેન્યા, મલેશિયા, રશિયા, પોર્ટુગલ, સ્પેન સાથે સાથે કુલ બીજા સિત્યોત્તેર દેશના નાગરિકોએ  ભાગ લીધો હતો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન