સૈન્ય અધિકારીઓ અડધી કિંમતે અનાજ અને ઈંધણ વેચી જાય છે

106

નવી દિલ્હી, તા. ૧૧

બીએસએફના જવાન તેજબહાદુર યાદવે જવાનોને ખરાબ ભોજન આપવાનો આરોપ મૂકતો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કર્યા બાદ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સરકાર દ્વારા આ મુદ્દે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. તપાસે નવો વળાંક લીધો છે.  એક બીએસએફ જવાને નામ ન આપવાની શરતે જણાવ્યું કે, એરપોર્ટ પર સામાન આવે ત્યારે જ સ્થાનિક લોકો અને દુકાનદારો અનાજ અને ઈંધણને ખરીદી લેતા હોય છે. તેણે વધુ જણાવ્યું કે, સરકાર ઘણુંબધું મોકલાવે છે પણ અધિકારીઓ તેને વેચી મારે છે. અમારા સુધી કશું આવતું નથી. જીવનજરૂરિયાતની વસ્તુઓ અમારા સુધી પહોંચતી નથી. સ્થાનિક લોકો અને એજન્ટોની મદદથી તે વેચાઈ જાય છે.

અમને સરળતાથી પેટ્રોલ-ડીઝલ મળી જાય છે  

દુકાનદારે જણાવ્યું કે અમને હુમહમા કેમ્પ ખાતેથી અડધી કિંમતે પેટ્રોલ અને ડીઝલ મળી જાય છે, તે ઉપરાંત અધિકારીઓ અમને અનાજ, દાળ, ચોખા, મસાલા, રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ બધું જ અડધા ભાવે આપી દે છે. એક ફર્નિચરના વેપારીએ જણાવ્યું કે, બીએસએફના અધિકારીઓ અમારી પાસેથી જે ફર્નિચર ખરીદે છે તેમાં મસમોટું કમિશન રાખે છે. તેમનું કમિશન અમારા નફા કરતાં વધારે હોય છે.

બીમાર હતા તો સરહદે કેમ મોકલ્યા : શર્મિલા  

યાદવની પત્ની શર્મિલાએ જણાવ્યું કે, મારા પતિ જો માનસિક રીતે બીમાર હતા તો તેમને શા માટે સરહદે મોકલવામાં આવ્યા? સારાં ભોજનની માગણી કરવામાં કશું જ ખોટું નથી. અમને ન્યાય મળવો જોઈએ. મારા પતિએ જે કર્યું છે તે સાચું અને સારું કર્યું છે. બીજી તરફ તેજ બહાદુરે ઘરે ફોન કરીને પોતાની પત્નીને જણાવ્યું હતું કે, મારી ચિંતા ન કરતાં હું સંપૂર્ણ સુરક્ષિત છું.

મોદી ડિજિટલ યુગની વાત કરે છે અને જવાન મોબાઈન ન રાખી શકે  

સીઆરપીએફના પૂર્વ સુબેદાર રણવીરસિંહે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન મોદી ડિજિટલ યુગની વાતો કરે છે, ભારત કેશલેસ થઈ રહ્યો છે અને તમે મોબાઈલ ન રાખવાની વાતો કરો છો, તેજબહાદુર જ નહીં તમામ જવાનોએ મોબાઈલ રાખવા જોઈએ. તમે એ તો વિચારો કે તે સહન કરીને કંટાળ્યો હશે ત્યારે તેણે ફેસબુકનો આધાર લીધો હશે.

પાકિસ્તાની અખબારોએ મજાક ઉડાવી 

ભારતીય જવાન દ્વારા મુકાયેલા આરોપ અંગે પાકિસ્તાની અખબારો અમે મીડિયાએ ટીખળ શરૂ કરી છે. સ્થાનિક અખબારોમાં ભારતીય જવાન દ્વારા ખરાબ ભોજન મળવાના સમાચાર ભારતની મજાક કરવા સ્વરૂપે છાપવામાં આવ્યા હતા, ત્યાં સોશિયલ મીડિયામાં પણ લોકોએ આ મુદ્દે ભારતની ઠેકડી ઉડાડવાનો પ્રયાસ કર્યો હતો.