Milk adulteration is making India cancerous
  • Home
  • Featured
  • દૂધમાં થતી મિલાવટ ભારતને કેન્સરગ્રસ્ત બનાવી રહી છે

દૂધમાં થતી મિલાવટ ભારતને કેન્સરગ્રસ્ત બનાવી રહી છે

 | 8:30 am IST

કવર સ્ટોરી । રીના બ્રહ્મભટ્ટ

હિંદુસ્તાન બદલ રહા હૈ ….નવું ભારત , શમણાનું ભારત જેવા ગૌરવપ્રદ શબ્દો કાનમાં મધ ઘોળતા હોય તેવા ભાસે છે. અને ક્યાંક વાતમાં દમ પણ છે. હિંદુસ્તાન વિસ્તરી રહ્યું છે , પાંગરી રહ્યું છે.મહોરી રહ્યું છે. પરંતુ સામે છેડે કેટલીક ચીજો તેવી પણ છે કે જે લોકોનો કુદરતી અને કાયદાકીય અધિકાર હોવા છતાં લોકોના નથી મળી રહી અને લોકોના જીવન રક્ષણ સામે પણ બહુ મોટા પડકારો આ સ્થિતિ પેદા કરી રહી છે. આ અગાઉ પણ આ અંગે ચર્ચા કરવામાં આવી જ છે. પરંતુ આજે પણ સ્થિતિ તેની તે જ છે. હાલમાં ટ્રાફ્કિ નિયમોને લઈને કેટલાક કડક કાયદા ઘડવામાં આવ્યા છે. જે જરૂરી હતા. જેનાથી લોકોની સલામતી થોડે ઘણે અંશે વધશે. કાયદામાં કચાશ જરૂર છે પરંતુ આમાંનું ઘણું બધું જરૂરી હતું. લોકો પણ સામે થોડા અણઘડ અને બેજવાબદાર તો છે જ.

ખેર મુદ્દાની વાત કરીએ તો દેશમાં હાલ ઘણા બદલાવ આવી રહ્યા છે. દેશ બદલાઈ રહ્યો છે, કાયદા સુધરી રહ્યા છે, જે ઘણી જ સારી બાબત છે પરંતુ મોદીજી હવે એટલે કે પ્રથમ તો દેશના લોકોને કે જે તેમનો પ્રાથમિક અધિકાર છે તે હવા, પાણી અને ખોરાક ૧૦૦% શુદ્ધ હોય તેવા મળવા જોઈએ. બાકી અત્યારે તો આ ત્રણેય જીવન પોષક તત્ત્વો સાવ દૂષિત, ઝેરી અને બિનઆરોગ્યપ્રદ મળી રહ્યા છે. આ અંગે અભ્યાસ હાથ ધરવામાં આવે તો માલૂમ પડશે કે કેટલા લોકો આ ત્રણેય ચીજોની શુદ્ધતાના અભાવે મોતને ભેટી રહ્યા છે. તેમ છતાં તેને સુધારવાના કોઇ પણ પ્રયાસો હાથ ધરાતા નથી.

માની લેવામાં આવે કે હવાની બગડેલી ક્વોલિટી સુધારવામાં સમય લાગી શકે છે. પરંતુ ખોરાક અને પાણીને તો સુધારી શકાય છે ને?

વેલ હાલના તબક્કે સૌથી વધુ અહેવાલો જે અંગેના પ્રાપ્ત થઇ રહ્યા છે તે દૂધ અને દૂધની બનાવટો અંગેના છે. દૂધ અને દૂધની બનાવટોમાં જે ભયાનક હદે ચેડાં થઇ રહ્યા છે તે ખૂબ જ ખતરનાક બાબત છે. કેમ કે તેના પરિણામો ખૂબ જ ખતરનાક આવી શકે છે અને આવી પણ રહ્યા છે. ખાસ તો આ અંગે કરવામાં આવેલ એક ધારણા અનુસાર ૨૦૨૨ સુધીમાં અગર આ પ્રવૃત્તિ પર લગામ કસવામાં ન આવી તો દર ઘર દીઠ એક કેન્સરનો દર્દી જોવા મળશે. વિચારો કે આ કેટલી ગંભીર અને જોખમી બાબત છે. તેમ છતાં આવા રિપોર્ટોની અવગણના કરવામાં આવી રહી છે. અને થોડી કાગારોળ થાય એટલે મ્યુ.નું આરોગ્ય ખાતું જ્યાં ત્યાં ચેકિંગના નાટકો કરી સેમ્પલ એકઠા કરે છે.

પરંતુ આ સેમ્પલો દુકાનદાર ઈશારો કરે તે જ ચીજોના લેવાય છે. તેમજ આ સેમ્પલો પ્રોપર જગ્યાએ પહોચે છે, તેનો પ્રોપર લેબ રિપોર્ટ આવે છે? તેવી કોઈ ખરાઈ ફૂડ ઇન્સ્પેકટરો દ્વારા કરવામાં આવતી નથી. જેના પરિણામો આપણે જોઈ જ રહ્યા છીએ. નકલી દૂધ, ઘી, ચીઝ, પનીર અને માવો બેફમ બને છે અને બેફમ વેચાય છે અને ખવાય પણ છે.આ જ પ્રકારે નકલી સોસ, ચટણીનું પણ છે.

વિશેષમાં આપણે જયારે અહી નકલી દૂધના કારોબારની વાત કરી રહ્યા છીએ ત્યારે તે નોંધવું રહ્યું કે, ભારતમાં રોજનું દૂધ ઉત્પાદન લગભગ ૪૮ કરોડ લિટર જેટલું થાય છે. પરંતુ વસ્તીનું પ્રમાણ જોતા આગામી સમયમાં દૂધની જરૂરિયાત વધીને ૮૦ કરોડ લિટરે પહોચી જશે. ત્યારે તે બાબત પણ વિચારણા માંગી લે છે કે, ભારતમાં દુધાળા ઢોરોની સંખ્યા નથી તેટલી પ્રચંડ માત્રામાં દૂધનું ઉત્પાદન આમ પણ સવાલો પેદા કરનારા છે. શકના ઘેરામાં છે. તેમછતાં તંત્રની કુંભકર્ણ ઊંઘ ઉડતી નથી. દૂધમાં ફેટ લાવવા યુરિયા ખાતર મિલાવવાની ટેકનિક નાના મોટા ડેરીવાળા વર્ષોથી અજમાવતા આવ્યા છે. તેમ છતાં આ બાબતે કોઈ ચાંપતી વ્યવસ્થા ગોઠવાઈ નથી. કેટલાક લેભાગુ અને નાલાયક તત્ત્વો ભગવાનનો જરા પણ ડર રાખ્યા વિના કાયદેસર ૧૦૦ % નકલી દૂધ બનાવતા હોય તેવા પણ અહેવાલો ઘણીવાર સામે આવ્યા છે. ડિટરજન્ટ પાવડર નાખી આ લેભાગુ લોકો લોકોના આરોગ્ય સાથે જાનલેવા ચેડાં કરે છે. આવા લોકોને ભગવાનનો કે પાપ-પુણ્યનો કોઈ ડર નથી.

આ સાથે જ દૂધમાંથી બનતો માવો કે જે સાંપડેલા રિપોર્ટો મુજબ તદ્દન અખાદ્ય હોય છે. તેમ છતાં રાજ્યભરમાં તેના કેટલાય એકમો ધમધમે છે. ટેલ્કમ પાઉડર અને કેમિકલ દ્વરા બનતો આ માવો મીઠી બરફી, કાજુ કતરી, પેંડા, ડ્રાયફ્રૂટ હલવો જેવી અનેક ચીજો બનાવવા વપરાય છે. તેમ છતાં ફૂડ ઇન્સ્પેકટરો જે સેમ્પલ લે છે અને લેબમાં મોકલવામાં આવે છે તે તમામ પ્રક્રિયા ભ્રષ્ટાચારથી ખદબદતી હોવાથી તેના કોઈ નિષ્કર્ષ નીકળતો નથી. બટરમાં પણ આ જ પ્રમાણે વેજિટેબલ ફેટ અને પામોલીનમાંથી બનાવવામાં આવતું માર્ગરીન હોય છે. તેમજ ચીજ-પનીર પણ આ જ પ્રકારે સબ સ્ટાન્ડર્ડ અને ભેળસેળયુક્ત જ હોય છે. અને ૧૫૦ રૂપિયે કિલોના ભાવે ખાનગીમાં આ નકલી ચીજ, બટર વેચાય છે અને મૂર્ખ લોકો હોંશે હોંશે ખાય પણ છે. આ અંગેના અનેક વીડિયો આવતા હોવા છતાં લોકો પોતે જ તેમની જીભના કંટ્રોલમાં રાખી શકતા નથી. અને આવું નકલી અને બિન આરોગ્યપ્રદ ચીજોના ઓર્ડર ઝૂમતા ઝૂમતા આપે છે. ત્યારે હવે આમને કોણ સમજાવે કે આપણી જીભના બેખોફ સ્વાદ રસના કારણે જ આ લેભાગુ તત્ત્વો ફવી જાય છે.

સરકાર નિયમો બનાવે કે ન બનાવે, ફૂડ ઇન્સ્પેકટરો રેડ પડે કે ના પાડે પરંતુ લોકો જ જો સ્ટ્રિક થઇ જાય….તો ચિત્ર કેવું બદલાઈ શકે ?? કલ્પના તો કરી જુઓ…ધંધો જ ના રહે તો શું ભેળસેળ થાય ??? તો જાગો લોકો જાગો અને આવા લોકોને સબક જાતે જ શીખવો ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન