NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • મિલ માલિકની દીકરી જ્યારે મિલમજૂરો માટે રસ્તા પર ઊતરી

મિલ માલિકની દીકરી જ્યારે મિલમજૂરો માટે રસ્તા પર ઊતરી

 | 3:04 am IST

ડિસેમ્બર ૧૯૪૬નો સમય હતો. દેશને આઝાદી આપવાનું નક્કી થઈ ગયું હતું. અંગ્રેજો વહેલી તકે ઈન્ડિયા છોડી જવા માગતા હતા. દેશના ભાગલાની વાત પણ ચર્ચાતી હતી. મુસ્લિમ લીગે કોઈપણ સંજોગોમાં મુસલમાનો માટે અલગ દેશની માગણી કરી હતી. દેશનાં વાતાવરણમાં એક ઉકળાટ હતો, ક્યારે શું થશે તે કોઈ કહી શકતું ન હતું. તેવામાં સરદાર પટેલે અમદાવાદ જવાનું જાહેર કર્યું. સાથીઓએ પૂછયું સરદારસાહેબ અત્યારે અમદાવાદમાં એવો કયો પ્રોબ્લેમ આવી પડયો છે કે તમારે અમદાવાદ જવું પડે તેમ છે? સરદારે કહ્યું દેશમાં અત્યારે મોટાભાગનાં શહેરોમાં તોફાની માહોલ છે, હડતાળ અને રેલીઓ યોજાય છે. અમદાવાદ એવું એક શહેર છે જ્યાં કોઈ પ્રોબ્લેમ નથી.

અમદાવાદની શાંતિ પાછળ જે સંસ્થાનો હાથ છે તે સંસ્થાની એનિવર્સરી ઊજવાઈ રહી છે, ત્યારે મારે તેમાં જવું પડે અને સરદાર ૩૦ ડિસેમ્બર ૧૯૪૬ના દિવસે અમદાવાદના ટેક્સ્ટાઇલ લેબર એસો.નાં ફંક્શનમાં આવ્યા.

આ ફંક્શનમાં હાજર રહેલા સેંકડો મિલમજૂરોને સંબોધન કરતાં સદાર પટેલે કહ્યું હતું કે, અમદાવાદ તેની સમજણ માટે જાણીતું છે, તમે શાંતિથી જે મેળવ્યું છે તે બીજાં શહેરોએ હડતાળ અને તોફાનો કરીને પણ મેળવી શક્યાં નથી. ૧૯૪૨માં અમદાવાદના મિલમજૂરોએ શાંતિપૂર્વકની હડતાળ પાડીને દેશભરમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. ટેક્સ્ટાઇલ લેબર એસો.ના હોદ્દેદારો આ માટે ખૂબ અભિનંદનને પાત્ર છે. સરદારના શબ્દોને મિલમજૂરોએ તાળીઓના ગડગડાટથી વધાવી લઈ મોટાં બહેન ઝિંદાબાદના નારા લગાવ્યા.

આ મોટાં બહેન એટલે અનસૂયાબહેન સારાભાઈ, જેમના પ્રયત્નોથી જ ટેક્સ્ટાઇલ લેબર એસો.(મજૂર મહાજન સંઘ)ની સ્થાપના ૧૯૨૦માં થઈ હતી. અનસૂયાબહેન સારાભાઈ એટલે દેશનાં પ્રખ્યાત ઉદ્યોગપતિ અને અમદાવાદ મિલમાલિક એસો.ના પ્રમુખ અંબાલાલ સારાભાઈનાં મોટાં બહેન. આ અનસૂયાબહેન સારાભાઈ મિલમાલિક યુનિયનના નેતા કેમ બન્યાં અને તેમને અમદાવાદના મિલમજૂરોનું સંગઠન બનાવવાની કેમ જરૂર પડી તેની પાછાળ પણ એક ઇતિહાસ છે.

અમદાવાદના પ્રખ્યાત મિલમાલિક સારાભાઈ અને તેમનાં પત્ની ગોદાવરીબાનાં સંતાનોમાં મોટી દીકરી અનસૂયા, તેનાથી પાંચ વર્ષ નાનો દીકરો અંબાલાલ અને એક દીકરીનો સમાવેશ થતો હતો. ૧૧ નવેમ્બર ૧૮૮૫માં જન્મેલાં અનસૂયાબહેન ૯ વર્ષનાં થયાં ત્યારે જ તેમનાં માતા-પિતાનું અવસાન થયું હતું. આ ભાઈબહેનો તેમના કાકા ચીમનભાઈ સારાભાઈની છત્રછાયામાં મોટાં થયાં. ૧૩ વર્ષની ઉંમરે અનસૂયાબહેનનાં લગ્ન તેમના કાકાએ કરાવી દીધાં હતાં, પરંતુ આ લગ્નજીવન લાંબું ચાલ્યું નહીં. અનસૂયાબહેન પોતાના ભાઈ અંબાલાલ સારાભાઈ જોડે રહેવા પાછાં આવી ગયાં હતાં. ભાઈના સહકારથી ૧૯૧૨માં અનસૂયાબહેન ઇંગ્લેન્ડ અભ્યાસ કરવા ગયાં. મેડિકલમાં એડમિશન લીધું પરંતુ મેડિકલના અભ્યાસમાં ડિસેક્શનમાં દેડકા અને બીજાં પ્રાણીઓ કાપવાં પડતાં હોઈ જૈન પરિવારમાં ઊછરેલાં અનસૂયાબહેનને આ રુચ્યું નહીં, એમણે મેડિકલનો અભ્યાસ છોડી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં એડમિશન લીધું. લંડનમાં અભ્યાસ દરમિયાન અનસૂયાબહેન સ્ત્રી મતાધિકારની લડત લડતાં લોકો સાથે સંપર્કમાં આવ્યાં અને પ્રભાવિત થયાં.

૧૯૧૩માં લંડનથી પરત આવેલાં અનસૂયાબહેનમાં જબરજસ્ત બદલાવ આવ્યો હતો. અમદાવાદમાં આવીને તેમણે ગરીબો, મહિલાઓ, વંચિતો માટે કામગીરી શરૂ કરી. સૌથી પહેલાં અનસૂયાબહેને ગરીબ બાળકો માટે સ્કૂલ શરૂ કરી, તેમની સ્કૂલમાં તમામ જ્ઞાાતિનાં બાળકો માટે દરવાજા ખુલ્લા હતા. એક જમાનામાં જેમના અભ્યાસ માટે ઇંગ્લેન્ડથી મોન્ટેસરીના ટીચર્સ આવતા હતા તેવા સારાભાઈ ફેમિલીની દીકરીએ ગરીબોના લત્તામાં જઈને બાળકોને જાતે ભણાવવાનું શરૂ કર્યું. શાળામાં આવતાંં બાળકોની અસ્વચ્છતા જોઈ આ બાળકોને સ્કૂલમાં જ નવડાવવાનું પણ અનસૂયાબહેને શરૂ કર્યું. આખા અમદાવાદની આંખો ત્યારે ફાટી ગઈ જ્યારે અનસૂયાબહેને ઘરમાં જ હરિજન વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા શરૂ કરી. વિચારો, એ સમય હતો ૧૯૧૨નો. ગાંધીજી અસ્પૃશ્યતા સામે આંદોલન ચલાવી રહ્યા હતા, પરંતુ અનસૂયાબહેને આ વાત તો જીવનમાં ઉતારી દીધી હતી. આ ઉપરાંત શહેરમાં ઘોડિયાંઘર, પ્રસૂતિગૃહ અને મહિલાઓ માટે ટોઇલેટની વ્યવસ્થાઓ પણ તેમણે કરાવી. આ સમય દરમિયાન તેમનું ધ્યાન અમદાવાદના મિલમજૂરોનાં થતાં શોષણ સામે ગયું.

એક દિવસે ઘરના ઓટલા પર બેસીને બાળકના વાળ ઓળતાં હતાં ત્યારે તેમની નજર સામે ૧૦-૧૨ પુરુષ-મહિલાઓ પસાર થતાં હતાં. આ તમામ ખૂબ જ થાકેલાં-પરેશાન દેખાતાં હતાં. અનસૂયાબહેને સહજતાથી પૂછયું કેમ, ક્યાંથી આવો છો, આટલાં બધાં થાકેલાં કેમ છો? આ ટોળામાંથી એક મહિલાએ કહ્યું, બોન, અમે મિલમજૂરો છીએ, મિલમાં સતત ૩૬ કલાક કામ કરવું પડે છે. અમે સતત બે રાત અને એક દિવસ કામ કરીને આવીએ છીએ. અનસૂયાબહેન આ વાત સાંભળીને જ કંપી ઊઠયાં. બ્રેક વગર માણસને સતત ૩૬ કલાક કામ કરાવવું એ તો મહિલાઓનું શોષણ છે.

મિલમજૂરોની વાતે અનસૂયાબહેનને ઝંપીને બેસવા ના દીધાં. તેમણે મજૂરોની ચાલીઓમાં જઈ તેમની વાતો જાણી. જેમ જેમ તેઓ ઊંડાં ઊતરતાં ગયાં તેમ તેમ મિલમજૂરો સાથે થતા અન્યાય, શોષણ અને અત્યાચારની વાતો સાંભળી તેમણે મજૂરો માટે કંઈક કરવાનું નક્કી કરી લીધું. ૧૯૧૪માં અમદાવાદમાં પ્લેગ ફાટી નીકળ્યો. ગરીબ મિલમજૂરો પર વધુ એક કુદરતી આફત ઊતરી આવી. મિલમજૂરો અનસૂયાબહેન પાસે આવ્યાં અને પોતાના માટે કંઈક કરવાની વિનંતી કરી.

અનસૂયાબહેને સાબરમતી નદીના કિનારે મજૂરોની પહેલી મિટિંગ ભરી અને મજૂરોના પગાર વધારવાની માગ સાથે ૪૮ કલાકની હડતાલની જાહેરાત કરી.

આખા અમદાવાદમાં સન્નાટો છવાઈ ગયો. શહેરના મિલમાલિક એસો.ના પ્રમુખ એવા અંબાલાલ સારાભાઈની બહેન જ મજૂરોની હડતાળ પડાવે તે કેવું? મિલમાલિકો પગાર વધારવા તૈયાર ન હતા. ભાઈ-બહેન સામસામે આવી ગયાં. આ હડતાલ ૨૧ દિવસ ચાલી. આખરે મિલમાલિકોએ મજૂરોનો પગારવધારો કરી આપવો પડયો.

૧૯૧૪ની આ હડતાલે અમદાવાદમાં મજૂર યુનિયનનાં બીજ વાવ્યાં. ચાર વર્ષ પછી ૧૯૧૮માં મજૂરોએ પોતાના પગારવધારામાં ૩૫ ટકાનો વધારો માગ્યો. મિલમાલિકોએ ના પાડી. મિલમજૂરોની આ લડતમાં ગાંધીજીનો પણ સાથ મળ્યો. સાબરમતીના કિનારે હજારો મજૂરોની ઉપસ્થિતિમાં ગાંધીજીની હાજરીમાં અનસૂયાબહેને શાંતિપૂર્વકની હડતાલની જાહેરાત કરી. અમદાવાદની મિલો બંધ થઈ ગઈ. ગાંધીજી મજદૂરોની માગણી માટે ૧૨ માર્ચ ૧૯૧૮ના રોજ આમરણાંત ઉપવાસ પર બેસી ગયા.

આખરે મિલમાલિકોએ મજદૂરોના પગારમાં ૩૫ ટકાનો વધારો આપવો પડયો. આ આંદોલન પછી અનસૂયાબહેન સારાભાઈને અમદાવાદના મજૂરોએ મોટાં બહેનનું ઉપનામ આપ્યું. આ બે આંદોલનો પછી મજૂરોનાં કાયમી હિત માટે શહેરમાં ટેક્સ્ટાઇલ લેબર એસોસિયેશનની સ્થાપના ૧૯૨૦માં કરાઈ જે મજૂર મહાજન સંઘ તરીકે જાણીતું થયું. અનસૂયાબહેન જીવ્યાં ત્યાં સુધી આ મજૂર સંઘમાં જોડાયેલાં રહ્યાં. મજદૂરોની દીકરીઓ માટે તેમણે કન્યાગૃહની પણ સ્થાપના કરી. ૧૯૭૨માં શહેરમાં સેવા(સેલ્ફ એમ્પ્લોઇડ વુમન્સ એસો.)ની સ્થાપનામાં પણ અનસૂયાબહેનનો મોટો ફાળો હતો. સેવાની સ્થાપનાના એક માસ બાદ અનસૂયાબહેનનું અવસાન થયું.

દેશમાં જ્યારે મહિલાઓનો કોઈ અવાજ નહતો તે સમયે અમદાવાદમાં મજૂરો, મહિલાઓ, ગરીબો અને વંચિતોનો અવાજ બનીને તેમને ન્યાય અપાવનાર અનસૂયાબહેન સારાભાઈની ૧૧ નવેમ્બરના રોજ ૧૩૨મી જન્મજયંતી ગઈ ત્યારે ગૂગલે અમદાવાદનાં આ મહિલાને યાદ કરીને તેનાં ડૂડલ પર અનસૂયાબહેનની તસવીર મૂકીને પ્રશંસનીય કામગીરી કરી છે. ગૂગલ માટે અનસૂયાબહેનનું ડૂડલ બનાવનાર પાકિસ્તાનની આર્ટિસ્ટ મારિયા કમરે સાચું જ કહ્યું છે કે અનસૂયાબહેનની ન્યાય અને એકતા માટેની જે પ્રતિબદ્ધતા હતી તેનાથી હું પ્રભાવિત થઈ છું. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે અનસૂયાબહેનની આ વિરાસત દુનિયા સાથે શેર કરવાનો મને મોકો મળ્યો.

[email protected]