મનમાં જાગતી શંકાનું નિવારણ કેવી રીતે કરી શકાય? - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • મનમાં જાગતી શંકાનું નિવારણ કેવી રીતે કરી શકાય?

મનમાં જાગતી શંકાનું નિવારણ કેવી રીતે કરી શકાય?

 | 12:59 am IST

આર્ટ ઓફ લિવિંગ : શ્રી શ્રી રવિશંકર

શંકાનો વિસ્તાર ભૂખરો હોય છે. ભૂખરો એટલે ન તો કાળો કે ન સફેદ. શંકાનો અર્થ છે તમે કશાકથી છુટકારો મેળવવા માંગો છો. એ એક હંગામી સ્થિતિ છે એ નથી આ પાર નથી કે નથી પેલે પાર. અને ત્યારે જ તાણ ઉદ્ભવે છે.

તો પછી તમે શંકાનું નિવારણ કઈ રીતે કરશો? કોઈ ઘટના, જ્ઞાન કે પારંપરિક બુદ્ધિમત્તા એમાં ઉપયોગી થાય તેમ નથી. મદદ કરી શકે તેવું શું છે. તમે જે કોઈ શંકા કરો છો તેને ક્યાં તો કાળાં તરીકે કે પછી સફેદ તરીકે સ્વિકારી લો. એને કાળું જ ગણી સ્વિકારી લો કે પછી સફેદ માનીને સ્વિકારો, ભૂલી જાઓ કે એ કાળું છે કે સફેદ કે પછી એ બે વચ્ચેનું કંઈ, ભૂખરાને તમે કાળા કે સફેદનો જ એક પ્રકાર ગણી લો. ગમે તે હોય એને સ્વિકારી લો. પ્રમાણિક કે અપ્રમાણિક સ્વિકારી લો. ત્યારે મન શાંત થશે અને તમે પેલા ભૂખરા વિસ્તારમાં ન રહો.

***

જ્યારે ગૂંચવણ ઊભી થાય માત્ર ત્યારે જ નિર્ણય આવે છે. જ્યારે ગૂંચવણ જ નથી હોતી ત્યારે નિર્ણય પણ નથી લેવાતો. જો તમારા ટેબલ પર એક લાકડાનો કટકો અને એક બિસ્કિટ પડયાં હોય તો શું ખાવું તે તમારે નક્કી કરવું પડે છે?

નિર્ણય ત્યારે જ લેવાનો હોય છે જ્યારે તમારે પસંદગી કરવાની હોય અને પસંદગી હંમેશાં ગૂંચવણ ઊભી કરે છે. માટે બધા જ નિર્ણયકર્તાઓ ગૂંચવણમાં જ હોય છે. શું તમે ગૂંચવાયા છો, નિર્ણય લઈ ચૂક્યા છો અથવા સુખી છો? જ્યારે તમે ગૂંચવણમાં હોવ છો, ત્યારે તમે મુક્ત નથી.

જ્યારે તમને કાર્ય સોંપાતું નથી ત્યારે તમારું કર્મ સહજ થાય છે. તમારામાં એક કર્તા કયાં તો ગૂંચવણમાં હોય છે કે પછી નિર્ણય લઈ ચૂક્યો હોય છે, પરંતુ જે કેવળ દ્રષ્ટા છે એ એક સ્મિત સાથે અનુભવે છે કે કાર્ય તત્કાળ અને સહજ થયું છે.

તમે જેટલા વધુ નિર્ણયો લો છો તેટલા જ વધારે ગૂંચવાયેલા રહો છો, અને પરિણામે તમે સુખ અને દુઃખની વચ્ચે ભટક્તા રહો છો. તમારામાં જેટલો વધુ સાક્ષીભાવ જાગશે તેટલા વધુ તમે આનંદ અને અલિપ્ત રહેશો. વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ અને આનંદ એ બધાં જ તમારી અંદર અને બહાર હાજર થશે.

***

એ માત્ર પુણ્ય છે જે થકી તમે શ્રદ્ધાને પામી શકો જો તમારામાં શ્રદ્ધાનો અભાવ હશે તો ન તમને આંતરિક સુખ મળશે કે ન તો સાંસારિક સુખ. આનંદનો ઉદય શ્રદ્ધામાંથી જ થાય છે અને તે શારીરિક સજગતાને ભૂલવામાં રહેલો છે. દુઃખ અને પીડાનો અર્થ છે શરીરની સજગતાને પંપળાવી. જ્યારે તમે આનંદમાં હો છો, મસ્તીમાં હો છો ત્યારે શરીર યાદ પણ નથી આવતું, અને જ્યારે દુઃખી હો છો ત્યારે માથું દુઃખે છે અને પેટ દુઃખે છે.

પ્રશ્નઃ “તો પછી સાધના કરતી વખતે ધ્યાનને શરીરના જુદા જુદા ભાગો પર કેમ કેન્દ્રિત કરવામાં આવે છે?  એક તીરને ફેંકવા માટે એને પહેલા તો પાછળ ખેંચવું પડે છે. એ પ્રમાણે જ જ્યારે તમારા ધ્યાનને શરીરના જુદા જુદા અંગો પર લઈ જવાની ક્રિયા તમને શરીર સજગતાથી મુક્ત કરે છે.”

***

જો તમે દુઃખી છો તો તપાસો કે તમારામાં શાનો અભાવ છેઃ તપ, વૈરાગ્ય કે સમર્પણનો.

તપ એટલે વર્તમાન ક્ષણની પૂર્ણ સ્વીકૃતિ, ભલેને પછી સ્થિતિ સુખદ હોય કે દુઃખદ. વૈરાગ્યનો અર્થ છે. “મારે કંઈ નથી જોઈતું” અને “હું કશું જ નથી.” સમર્પણ એટલે “હું અહીં તમારે માટે જ છું, તમારા જ આનંદ માટે.”

તમને જો કોઈ અસંતોષ છે તો એનો અર્થ છે તમારા જીવનમાં કોઈ વાતોનો અભાવ છે. જો તમે તમારી સ્થિતિને સ્વીકારી લીધી છે તો તમે કોઈપણ ફરિયાદ ન કરી શકો; તમે એને તપ તરીકે ગણો છો તો તમે ફરિયાદ કરવાના જ નથી. તમે જ્યારે વૈરાગ્યભાવ કેળવ્યો છે- “મારે કંઈ જોઈતું નથી” તો તમે ફરિયાદ નહીં કરો; અને જો તમે સમર્પણ જ કર્યું છે તો પછી ફિરયાદને કોઈ કારણ જ નથી.

આ ત્રણે તપ, વૈરાગ્ય અને સમર્પણ તમારા મનને પવિત્ર કરે છે અને તમને આનંદિત કરે છે.

તમે જો આ અત્યારે પોતાની મરજીથી નથી કરી રહ્યા, તો પાછળથી હતાશ થઈને પણ તમે એ જ કરવાના. પહેલા તમે કહેશો “કંઈ કરી શકાય તેમ નથી.” છેવટે ક્રોધ અને નિરાશામાં કહેશો, “હું હારી ગયો, મારે કંઈ નથી જોઈતું, હવે મારી પાસે આના સિવાય કોઈ ઉપાય જ નથી રહ્યો!”

[email protected]