મન : શરીરનું પાવરહાઉસ - Sandesh

મન : શરીરનું પાવરહાઉસ

 | 3:26 am IST

કેલિડોસ્કોપઃ મોહમ્મદ માંકડ

દસ-બાર વર્ષની એક છોકરી, શીલાને ખોરાક તરફ એટલી અરુચી થઈ ગઈ હતી કે એણે લગભગ ખાવાનું જ છોડી દીધું હતું. ધીમે ધીમે આ બાળકીનું શરીર સાવ નંખાઈ ગયું હતું. શક્તિની અનેક દવાઓ લેવા છતાં કોઈ ફાયદો દેખાયો નહિ. ઘણા ડોકટરોને તબિયત બતાવી પણ રોગનું કોઈ સ્પષ્ટ કારણ મળી શક્યું નહિ.

શીલાના માતાપિતા બંને શિક્ષિત અને સંસ્કારી હતા, અને શીલા એમનું એકનું એક સંતાન હતી. કોઈક મિત્રની સલાહથી મનોચિકિત્સકની સલાહ લેવામાં આવી. ડોકટર સાથે શીલાએ જે વાતો કરી એમાંથી કેટલીક હકીક્તો જાણવા મળી.

શીલાના પિતાને થોડા વખત પહેલાં ધંધામાં મોટી ખોટ ગઈ હતી. ત્યારથી પતિ-પત્ની વચ્ચે નાના-મોટા ઝઘડા શરૂ થયા હતા અને કુટુંબનું વાતાવરણ ડહોળાયું હતું. શીલા બચપણથી જ પિતાની હેવાઈ હતી. ધંધાની ખોટને પહોંચી વળવાની ચિંતામાં પિતાને પોતાની લાડકી શીલા સાથે બેસવાનો, વાતો કરવાનો કે આનંદ કરવાનો તો સમય કયાંથી મળે? શીલા એકલી પડી ગઈ હતી. જાણે કે એ તરછોડાઈ ગઈ હતી. ડોકટરે શીલાના માતા-પિતા સાથે બેસીને પરિસ્થિતિની ચર્ચા કરી. પતિ-પત્ની સમજું હતાં. થોડા વખતમાં જ ઘરના વાતાવરણમાં ફેરફાર થયો. ચમત્કાર થયો હોય એમ શીલાને ખોરાક તરફ રુચિ થવા લાગી. થોડા મહિનામાં જ એ તંદુરસ્ત બની ગઈ.

રોગ એક બહુ જ વિચિત્ર વસ્તુ છે, એના વિષેનું આપણું શરીરશાસ્ત્રનું જ્ઞાાન ઓછું પડે છે. નિષ્ણાંતોના અભ્યાસ અને અનુભવના તારણો એમ કહે છે કે, મોટાભાગના રોગ પહેલાં માણસના મનમાં દાખલ થાય છે અને પછી શરીરમાં દેખાય છે. પહેલાં મન માદું પડે છે અને પછી શરીર માંદુ પડે છે અને એટલે જ ચેપથી ફેલાતા રોગો પણ, એક જ સ્થળે વસતા બધા માણસોને થતા નથી. અમુક પ્રકારની માનસિક સ્થિતિ અને વ્યક્તિત્ત્વ ધરાવનાર માણસો અમુક પ્રકારના રોગોનો જલ્દી શિકાર બની જાય છે.

અહીં આયુર્વેદનો ભિન્ન ભિન્ન પ્રકૃત્તિનો સિદ્ધાંત સાચો ઠરે છે. ક્ષયના રોગીઓના જીવનના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે ક્ષય રોગ થવા પાછળ મોટે ભાગે પ્રેમમાં નિષ્ફળતા, જીવનમાં અચાનક ઊભી થતી અસ્થિરતા, લાગણીતંત્રને આઘાત લાગે એવા કોઈક બનાવો, પહોંચીવળી ન શકાય એવી આર્થિક પરિસ્થિતિ જેવા કારણો પડેલા હોય છે.

મનની માયાજાળને સમજવાનું સરળ નથી. એની જાળ સ્વયં ફેલાઈ શકે તેવી, અત્યંત બારીક છતાં ખૂબ જ મજબૂત હોય છે એને શરીરમાં ફેલાતાવાર લાગતી નથી.

માણસનું મન અવનવા રોગો ઉત્પન્ન કરી શકે છે અને અવનવી રીતે મિટાવી પણ શકે છે. કેટલીક વાર બીજાનો પ્રેમ જીતવા માટે, કેટલીકવાર અણગમતી પરિસ્થિતિથી ભાગવા માટે તો કેટલીકવાર મનમાં પડેલી અતૃપ્ત ઈચ્છા વ્યક્ત કરવા માટે માણસનું મન રોગનો આશરો લે છે. અનેક પ્રકારની પીડાઓ માણસના શરીરમાં કેટલીકવાર માત્ર માનસિક કારણોને લીધે દેખાય છે માનસિક કારણોથી માણસ નકામો થઈ જાય છે અને સ્ત્રીઓને ગર્ભપાત થઈ જાય છે. આવું અગોચર છે માણસનું મન અને એથીયે અગોચર અને અદ્ભૂત છે એની શક્તિઓ. આ શક્તિઓને જો નકારાત્મક બનતી અટકાવી શકાય તો શરીરની અસ્વસ્થતા દૂર કરવામાં એ ઉપયોગી પણ થઈ શકે છે.

મનનો તણાવ-ટેન્શન બ્લડ પ્રેશર વધારે છે. શરીરની જુદી જુદી ગ્રંથીઓના સ્રાવમાં ફેરફાર કરે છે. અનેક પ્રકારની એલર્જી અને ચિત્ર-વિચિત્ર રોગો જન્માવે છે એ મનને જો શાંત અને સ્વસ્થ રાખી શકાય તો અનેક રોગથી બચી પણ શકાય છે.

માણસ એટલે માત્ર એનું શરીર નહિ. માણસ એટલે શરીર અને મનનું સંયોજન. એ સંયોજન જેટલું નિર્મળ અને ર્નિિવકાર પૂરે એટલો માણસ સ્વસ્થ રહી શકે. નકારાત્મક સંવેદનાઓ જે રીતે શરીરને હાનિ કરી શકે છે એ જ રીતે રચનાત્મક અને વિધેયાત્મક સંવેદનાઓ શરીરને ફાયદો પણ કરી શકે છે. કેટલાંક વ્યક્તિઓ રોગ સામે લાંબો વખત ઝઝૂમી શકે છે અને એમાંથી મુક્ત પણ થઈ શકે છે. જ્યારે કેટલીક મજબૂત દેખાતી વ્યક્તિ પણ એમ કરી શક્તી નથી, એનું કારણ તેમનું માનસિક વલણ હોય છે.

વ્યક્તિના માર્ગમાં મુશ્કેલીઓ તો વારંવાર આવવાની જ પરંતુ જ્યાં સુધી એ પોતે એના સામે ઝૂકે નહિ ત્યાં સુધી એને રોકી શકાતી નથી.

જનરલ આઈઝન ઓવરને એકવાર એક પત્રકારે પૂછયું, ‘જો મિત્ર-દેશોના સૈનિકોને નાઝીઓએ દરિયામાં ફેંકી દીધા હોત તો યુરોપને મુક્ત કરવાની યોજનાનું શું પરિણામ આવ્યું હોત?’

આઈઝન હોવરે કહ્યું, ‘મિત્ર-દેશોએ દરિયામાં ફેંકાઈ જવા માટે આક્રમણ કર્યું નહોતું. એવું બન્યું હોત તો શું પરિણામ આવ્યું હોત તે હું જાણતો નથી, કારણકે એવું બને એવી શક્યતા ઉપર મારા મનને મેં ક્યારેય કેન્દ્રીત થવા દીધું નહોતું.’

માણસના મનમાં ઘૂંટાયેલ વસ્તુ જ આખરે ભૌતિક આવિષ્કાર પામે છે.

આમ, માણસ જો પોતાના મનનો વિવેક ઉપયોગ કરવા ચારે તો એનું મન અદ્ભૂત અને અમાપ શક્તિઓનો ખજાનો છે. એ એક એવું પાવરહાઉસ છે. જે શરીરમાં ખૂટતી શક્તિઓને લગાતાર પૂરી પાડી શકે છે. સ્વસ્થ રહેવા ઈચ્છનારે ખોરાક, કસરત, ઊંઘ વગેરે માટે જેટલી કાળજી લેવાની જરૂર છે એટલી જ જરૂર છે. પોતાના મનને સ્વસ્થ અને નિર્મળ રાખવાની કાળજી લેવાની. ઘરનું સુખી વાતાવરણ, પોતાના કામ-ધંધાનો સંતોષ બીજાને ઉપયોગી થવાની વૃત્તિ, બહુ મોટી અપેક્ષાઓ વિનાનું સાદું જીવન ગમે તેવી પરિસ્થિતિમાંથી કશુંક સારું શોધી કાઢવાની ક્ષમતા જે કંઈ સામે આવી પડે તેને આનંદથી અપનાવી લેવાની વૃત્તિ મનને સ્વસ્થ રાખે છે. આવું મન માણસની અણમોલ મૂડી બની રહે છે.