Minor hurricane and rain fall in south Gujarat Four Dead
  • Home
  • Gujarat
  • દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર મિની વાવાઝોડું, ભારે ખાનાખરાબી વચ્ચે વધુ ચારનાં મોત

દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર મિની વાવાઝોડું, ભારે ખાનાખરાબી વચ્ચે વધુ ચારનાં મોત

 | 9:58 pm IST

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાયુ નામનું વાવાઝોડું દક્ષિણ ગુજરાત તટની નજીકથી પસાર થવાની અસરને પગલે આજે તાપી અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં મિની વાવાઝોડાએ કેર વર્તાવતા આજે વધુ ચાર લોકોના મોત થયા છે. તોફાની વરસાદની સાથે કડાકાભડાકા સાથેની વીજળી પડતા ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે મિની વાવાઝોડાના તોફાને સૌથી વધુ તાપી જિલ્લામાં ખાનાખરાબી સરી હતી. અહીં સંખ્યાબંધ મકાનોના પતરાં ઊડી જતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આજે મોડી સાંજે તોફાને વર્તાવેલા કેરમાં દુધાળા પશુઓ પણ મોતને ભેટયા હતા. જ્યારે ખુશાલપુરા ગામ ખાતે વીજળી પડતાં એક ૬૨ વર્ષીય મહિલા નુરીબેન ગામીતનું મોત થયું હતું. જ્યારે ડાંગ જિલ્લાના સુબીર ખાતે પણ ગાજવીજ સાથેના વરસાદમાં એકનું મોત થયું હતું. સુબીર ખાતે એક વૃક્ષ નીચે ઊભેલા મગનભાઈ વાઘમારે (ઉ.વ. ૫૦)નું પણ વીજળી પડતાં મોત નીપજ્યું હતું.

આવી જ રીતે વાપીના તંબાડી ગામે વરસાદથી બચવા માટે ઘરની છત ઉપર પ્લાસ્ટિક બાંધી રહેલી મહિલા ૨૭ વર્ષીય પ્રેમીલાબેન વારલીનું મોત થયું હતું. જ્યારે વાપીના ઉમરગામ જીઆઈડીસી ખાતે ભારે તોફાની પવન વચ્ચે ઔદ્યોગિક એકમના માલિકનું પણ છત ઉપરથી પડી જતાં મોત થયું હતું. દામોદર કાલોલા (ઉ.વ. ૪૪) તેમના કામદારો સાથે છત ઉપર ચઢયા હતા એ દરમિયાન તોફાની પવને તેમને ફંગોળી દેતા નીચે પડતાં તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું.

તાપીના પાટી ગામને તોફાને ઘમરોળી નાંખ્યું

જિલ્લામાં આજે ભારે વરસાદના તોફાન વચ્ચે સંખ્યાબંધ વિસ્ચારોમાં ભારે ખાનાખરાબી સર્જાવા પામી હતી. જેમાં નિઝર, ઉચ્છલ અને કુકરમુંડા તાલુકામાં ૨૦૦થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું હતું અને ચાર દુધાળા અબોલ પશુઓના મોત થયા હતા. ડોલવણ તાલુકાના પાટી ગામ ખાતે અનેક મકાનોના પતરાં ઊડી જતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ખાસ કરીને કાચ મકાનમાં રહેતા લોકોએ ઘર છોડીને બહાર દોટ મૂકી હતી પરંતુ ઘરની બહાર ભારે તોફાની વરસાદ અને વીજળીના કડાકાં વચ્ચે સુરક્ષિત સ્થળ શોધવા પડયા હતા.

જિલ્લામાં આજે સોનગઢ અને ઉચ્છલમાં ૧૫ મિ.મી., ડોલવણમાં છ અને વ્યારામા એક મિ.મી. તથા નિઝર અને કુકર મુંડામાં હળવા છાંટા વચ્ચે તોફાની પવન ફૂંકાયો હતો.

વલસાડના દરિયા કાંઠા ઉપર ૧૦ ફૂટ ઊંચ મોજાં ઉછળ્યાં

જિલ્લામાં તિથલ અને ઉમગામના દરિયા કાંઠાના બીચ ઉપર આજે આઠથી દસ ફૂટ જેટલા ઊંચા મોજાં ઉછળ્યાં હતાં. જ્યારે જિલ્લામાં એન.ડી.આર.એફ.ની એક ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. જયારે ભારે તોફાની પવનને કારણે તિથલ બીચ ઉપર સંખ્યાબંધ સ્ટોલધારકોના પતરા ઊડી ગયા હતા અને કેટલાંક કાચા સ્ટોલ તો પોતાની જગ્યાએથી ફંગોળાઈ ગયા હતા. ઉમરગામ ખાતે પણ દરિયા કિનારો વિશાળ હોય સહેલાણીઓને કાંઠા ઉપર જતાં અટકાવાયા હતા તેમજ વૃંદાવન સ્ટુડિયો ખાતે દરિયા કાંઠા ઉપર જ ચાલી રહેલાં શુટિંગને પણ પોલીસે અટકાવી દીધું હતું. વરસાદી ઝાપટાં શરૂ થતાં જ બે વૃક્ષો તૂટી પડયા હોવા છતાં શુટિંગ ચાલુ રહેતા પોલીસને જાણ કરાઈ હતી. જેને અટકાવાની સાથે પોલીસે લારી ગલ્લાઓ પણ બંધ કરાવી દીધા હતા. સાથે જ નારગોલ વિસ્તારમાં પણ સરવે કરી નીચાણવાળા વિસ્તારની માહિતી નગર પાલિકા દ્વારા માહિતી મેળવાઈ હતી.

નવસારીના મછીવાડમાં દરિયાના પાણી પ્રવેશ્યા

જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી કાંઠા વિભાગમાં ગત રાત્રિથી દરિયાના પાણી પ્રવેશવાનો આરંભ થયો હતો. સમગ્ર રાત્રિથી શરૂ થયેલા પાણીની માત્રા આજે વધી જતાં લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા, જો કે, બપોર બાદ પાણી ઓસરી જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જ્યારે આજે બપોરના સમયે થોડો સમય વરસાદ પડયા બાદ બફારો છવાયો હતો. નવસારી જિલ્લાને ૫૩ કિલો મીટરનો દરિયા કાંઠો લાગે છે. જેને પગલે કાંઠા નજીકના ૨૪ ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે અને લોકોને સચેત રહેવાની તાકિદ સાથે તંત્ર દ્વારા પણ આગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે. બીલીમોરા ખાતે પણ આજે પચાસ કિલોમિટરની ઝડપના પવને ભારે કહેર વર્તાવ્યો હતો. જેને કારણે કાંઠા નજીક આવેલા મેંધર ઘાટ વિસ્તારમાં ખાસ વોચ ગોઠવવામાં આવી છે.

સુરતમાં ઝાપટાં વચ્ચે ૨૦થી ૩૨ કિ.મી. સુધી પવન ફૂંકાયો

સુરત શહેરમાં આજે તોફાની પવન ફૂંકાવાની આગાહી વચ્ચે વીસથી ૩૨ કિ.મી. સુધીની ઝડપનો દક્ષિણ પિૃમનો દરિયાપારનો પવન ફૂંકાયો હતો. ખાસ કરીને શહેરમાં આજે સંખ્યા બંધ વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા નોંધાયા હતા અને સાંજે પાંચથી સાડા પાંચ સુધી ૩૨ કિ.મી.ની ઝડપના પવન ફૂંકાયા હતા. જયારે ત્યાર બાદ પવનની ઝડપ ૨૦ કિ.મી. પ્રતિ કલાકની નોંધાઈ હતી. બીજી તરફ આજે શહેરના તાપમાનમાં આજે બે ડિગ્રીનો વધારો નોંધાવાને કારણે મોડી બપોર સુધી ભારે ઉકળાટનો માહોલ છવાયેલો રહ્યો હતો. જયારે હવામાન વિભાગની આગાહી મુજબ વાયુની અસરને પગલે આવતી કાલે ગુરુવારના રોજ પણ વરસાદ અને ભારે પવનની શકયતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન