અરીસાથી ડર શાનો...?! - Sandesh
NIFTY 10,682.70 -58.40  |  SENSEX 35,149.12 +-238.76  |  USD 67.7000 -0.09
1.6M
1M
1.7M
APPS

અરીસાથી ડર શાનો…?!

 | 11:35 pm IST

યુથ કોર્નર । અપર્ણા મહેતા

અરીસાની સામે ઊભાં રહીને બધાં જ એંગલથી પોતાને નિહાળવા, ખીલ દૂર કરવા માટે ઈન્ટરનેટ પર હોમ રેમેડીઝ શોધવી, વજન વધવાની બીકથી ખાણી-પીણી બંધ કરી દેવી.. ટીનએજમાં પહોંચતાની સાથે જ મોટાભાગના બાળકોના વ્યવહારમાં આવો બદલાવ નજરે પડે છે. તેમને સતત એવું મહેસૂસ થયા કરે છે કે પોતાના મિત્રો કે સખીઓની સરખામણીએ પોતાનું વ્યક્તિત્વ અનાકર્ષક છે. કોઈ પોતાના શ્યામરંગથી પરેશાન છે. તો કોઈને ખરતાં તૂટતાં વાળની ચિંતા છે, કોઈ કદ વધારવાની કોશિશમાં લાગેલું છે, તો કોઈ પોતાના દાંતને સીધાં સરખાં કરવાની જીદ લઈને બેઠાં છે. તે યુવક હોય કે યુવતી ઉંમરના આ નાજુક વળાંક પર આવી સમસ્યાઓ સૌને પરેશાન કરી મૂકે છે અને એમાથી પણ વધુ પરેશાન થાય છે, તેમના મા-બાપ કે વાલી કેટલીયવાર બાળકોના આવા વ્યવહારથી તેઓ અકળાઈ ઊઠે છે, પણ એમ કરવું અનુચિત છે કેમ કે ટીનએજર્સનો આવો વ્યવહાર સ્વાભાવિક જ છે.

શીખવો…ખુદને પ્યાર કરતાં

ઉંમરના આ નાજુક તબક્કામાં બાળકો પોતાના મિત્રો કે સખીઓથી વધુ પ્રભાવિત થાય છે અને તેમની સાથે પોતાની તુલના પણ કરે છે. એવે વખતે તેઓ પોતાની બોડી ઈમેજ બાબતે બહુ વધારે સજાગ બની જાય છે. તેમના મનમાં સુંદર દેખાવાની ચાહત સ્વાભાવિક જ હોય છે. એટલા માટે તેઓ હંમેશાં બન્નેના રંગરૂપ કે કદ કાઠી સાથે પોતાની તુલના કરતાં રહે છે. એવે વખતે જ્યારે પણ તેઓ પોતાને બીજા કરતાં ઊતરતાં મહેસૂસ કરે છે, ત્યારે પોતાના માટે પોતાના મનમાં નેગેટિવ બોડી ઈમેજ બનવા લાગે છે. તેઓ હંમેશા એવું વિચારીને પરેશાન રહે છે કે, હું આવો/આવી કેમ છું ? આવી વિચારધારાને કારણે તેમનો આત્મવિશ્વાસ પણ કમજોર થવા લાગે છે. આ ઉંમરમાં બાળક એ સમજી શકતું નથી કે આ પરિવર્તન સહજ છે અને તે એકલું નહીં બલકે તેના અન્ય મિત્રો કે સખીઓને પણ આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. ઉંમરના આ નાજુક દોરમાં તેને દરેક ડગલે ને પગલે તમારી જરૂર હોય છે. દા.ત. જો પાર્ટીમાં જતાં પૂર્વે તેને એ પરેશાની છે કે, તેણે કયો ડ્રેસ પહેરવો જોઈએ તો એવે વખતે તેને જલદી તૈયાર થવા માટે લડવાને બદલે પ્યારથી સમજાવો. તમે તેને સમજાવો કે આમ તો આ ડ્રેસ પણ સારો છે, પરંતુ પેલો પિંક ડ્રેસ તને વધુ સારો લાગશે. જ્યારે તે તૈયાર થઈ જાય ત્યારે તેની પ્રશંસા કરવાનું ન ભૂલશો. એનાથી તેનો આત્મવિશ્વાસ વધશે.

ખુદ બનો રોલ મોડલ

ટીનએજર્સને આવી સમસ્યાઓથી બચાવવા માટે એ ખૂબ જરૂરી છે કે મા-બાપ પણ પોતાની બોડી ઈમેજ પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ અપનાવે. બાળકોની સામે વારંવાર પોતાના વધતાં વજનની ચિંતા કરવા કે પોતાના રંગરૂપ વિશે નકારાત્મક વાતો કરવા જેવી આદતોથી મા-બાપોએ પણ હંમેશાં બચવું જોઈએ. બહેતર એ રહેશે કે તમે ખુદ તમારા ટીનેજર્સ માટે રોલમોડલ બનો. આપના બાળકો ને એવું મહેસુસ થવું જોઈએ કે, પોતાના મા-બાપ હંમેશા પોતાનો ખ્યાલ રાખે છે. ઘર સાથે સંકળાયેલી બાબતોમાં તેઓ હંમેશા યોગ્ય નિર્ણય લે છે. શક્ય છે કે તમે તમારા ઘેર હંમેશા હેલ્ધી ફૂડ હેબિટને પ્રોત્સાહન આપતાં હશો, પણ આ વાત આપે આપના ટીનેજર્સને સમજાવવી પણ જરૂરી છે. તમે તેમને જણાવો કે આ ઉંમરમાં સંતુલિત શારીરિક વિકાસ માટે કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન અને બધાં જ વિટામિન્સને પોતાના નિયમિત ડાયેટમાં સામેલ કરવા જોઈએ. એટલા માટે તમે તેમને નાસ્તાની સાથે દૂધ, ઈંડા અને જ્યૂસ જેવી ચીજ આપો છો. લંચ કે ડિનરની સાથે લીલા શાકભાજી, સૂપ, સેલાડ અને દહીં જેવી ચીજો પીરસો છો. બાળકોને યાદ અપાવો કે વચ્ચે જ્યારે હળવી ભૂખ લાગે ત્યારે ફળ કે સૂકા નાસ્તાનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. આપના બાળકોના મનમાં એ વિશ્વાસ હોવો બહુ જરૂરી છે કે તેઓ પોતાના ઘરમાં જે કંઈ પણ ખાય છે તે પોતાની તબિયત માટે એકદમ યોગ્ય છે. તેમને જણાવો કે સ્વસ્થ ત્વચા મેળવા માટે વધુમાં વધુ પાણી પીવાની કોશિશ કરવી જોઈએ. એ ઉપરાંત પોતાની દિનચર્ચાને અનુકૂળ રોજ સવારે કે સાંજે બાળકોની સાથે એકસરસાઈઝ માટે સમય જરૂર ફાળવો. જો તમે બાળકને સ્વિમિંગ ક્લાસમાં મોકલવા ઈચ્છતા હોય તો તમે પણ તેની સાથે જવાનું શરૂ કરી દો. જેનાથી તમે પણ ફિટ રહેશો અને આપનો સાથ મેળવીને આપના ટીનેજર્સમાં પણ ફિટનેસ પ્રત્યે જાગરૂકતા વધશે.

જોઈએ… આપનો સાથ

તેર-ચૌદની વર્ષની ઉંમર એવી હોય છે, જ્યારે બાળપણ સંપૂર્ણપણે પૂરું થયું હોતું નથી અને યુવાવસ્થા આવવાને વાર હોય છે. આ ઉંમરમાં બાળકોના શરીરમાં ઝડપથી હોર્માેન સંબંધી ફેરફાર થઈ રહ્યાં હોય છે. એવે વખતે તેમનામાં મૂડ સ્વિંગની સમસ્યા પણ ખૂબ વધુ જોવા મળે છે. આ ઉંમરમાં બાળકો પોતાના બાહ્ય વ્યક્તિત્વની બાબતે અનાવશ્યક રીતે સજાગ હોય છે. તેમને હંમેશા એ વાતની ચિંતા સતાવતી રહે છે કે હું કેવી/કેવો લાગતી/લાગતો હોઈશ ? લોકો મારા વિશે શું વિચારતાં હશે ? આકર્ષક દેખાવા માટે શું કરવું જોઈએ ? ટીનેજર્સના મનમાં ખાસ કરીને આવા સવાલ જ ઊભા થતાં રહે છે. કેટલીક વાર તો તેઓ પોતાની બોડી ઈમેજ બાબતે એટલા બધા ચિંતિત થઈ જાય છે કે લોકો સાથે હળવા-મળવા કે સામાજિક સમારોહમાં જતાં પણ ખચકાટ અનુભવે છે. તેમને તેમની એ મનોદશામાંથી બહાર કાઢવા માટે તમે તેની સાથે પ્યારભર્યાે ક્વોલિટી ટાઈમ વિતાવો અને લાડપ્યાર દર્શાવવામાં સંકોચન રાખો. તેેમની ફિઝિકલ અપિયરેંસની પ્રશંસા કરવી, પ્યારથી ગળે લગાડવા અને ક્યારેક ક્યારેક પોતાની ગોદમાં બેસાડવા… વિશ્વાસ રાખો કે, આવી નાની-નાની વાતો પણ તેનો સેલ્ફ એસ્ટીમ (આત્મવિશ્વાસ) મજબૂત બનાવવા માટે મદદરૂપ નીવડે છે. આનાથી તેના મનમાં પોતાની બોડી ઈમેજ બાબતે કોઈ નેગેટિવ વિચાર નહીં આવે.

બેટાને ન કરો નજર અંદાજ

જ્યારે પણ બોડી ઈમેજની વાત કરવામાં આવે છે તો લોકોના મનમાં સૌથી પહેલાં ટીનએજર યુવતીઓનો જ ખ્યાલ આવે છે. એ સાચું છે કે યુવતીઓ ફિઝિકલ અપિયરેંસ બાબતે વધુ સજાગ હોય છે અને સમાજમાં યુવતીઓ પાસેથી હંમેશાં સુંદર દેખાવની આશા રાખવામાં આવે છે, પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે પ્યૂબર્ર્ટીની ઉંમરમાં યુવકોના શરીરમાં પણ ખૂબ ઝડપથી હોર્માેન સંબંધી બદલાવ આવી રહ્યાં હોય છે. લગભગ ૧૧-૧૨ વર્ષાેની ઉંમરથી જ તેમના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્માેનનું સિક્રિશન શરૂ થઈ જાય છે. એનાથી તેમના અવાજમાં ભારેપણું ચહેરાની સાથે ચેસ્ટ અંડર આર્મ્સ અને પ્યૂબિક એરિયામાં હેરગ્રોથ જેવા બદલાવ નજરે પડવા લાગે છે. જ્યાં એક બાજુ આવા શારીરિક બદલાવ બાળકોને મોટા થવાનો સંકેત આપી રહ્યાં હોય છે. ત્યાં આ ઉંમરમાં યુવકો મનથી બાળક જ હોય છે. તેઓ આવા પરિવર્તનોને સહજતાથી સ્વીકારી શકતા નથી. તેમને પોતાનું આ બદલાયેલું નવું રૂપ બિલકુલ પસંદ આવતું નથી. તેમને આવી નેગેટિવ બોડી ઈમેજથી બચાવવામાં પિતાની બહુ મુખ્ય ભૂમિકા હોય છે. કેમ કે યુવકો માટે તેમના પિતા જ રોલ મોડ.લ હોય છે. યુવકો પોતાના પિતાની સાથે વધુ સહજતા મહેસૂસ કરે છે. તેમને એ સમજાવવા બહુ જરૂરી છે કે આ બદલાવની સ્વાભાવિક પ્રક્રિયા છે અને એ બાબતે અસહજ મહેસૂસ કરવા જેવી કોઈ જ વાત નથી.

સંચાર માધ્યમોનો પ્રભાવ

આજકાલ ટીવી પર બ્યુટી પ્રોડક્ટસની જેટલી પણ જાહેરખબરો દર્શાવવામાં આવે છે, તેમાં બાહ્ય વ્યક્તિત્વની સુંદરતાની પ્રશંસા કરવામાં આવે છે. શ્યામ રંગત, સૂકી ત્વચા અને મેદસ્વીતા વગેરેને ખૂબ જ મોટી બુરાઈ રૂપે રજૂ કરવામાં આવે છે. ટીનેજર્સના કોમળ મન પર એની બહુ જ ઘેરી અસર પડે છે અને તેમના મનમાં પોતાની બોડી ઈમેજ પ્રત્યે નકારાત્મક ભાવના પેદા થવા લાગે છે. યુવતીઓ મોડેલ્સ જેવા ફિગર મેળવવાની ચાહતમાં ફ્રેશ ડાયટિંગ શરૂ કરી દે છે, જે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકર્તા સાબિત થઈ શકે છે. એવે વખતે મા-બાપની એ જવાબદારી બને છે કે તેઓ પોતાના બાળકોને સમજાવે કે અસલી (વાસ્તવિક) જિંદગી ફિલ્મો કે ટી.વી. જેવી નથી હોતી. સ્લિમ થવું સારી વાત છે, પણ એના માટે સ્વાસ્થ્ય સાથે અડપલાં કરવાં અનુચિત છે. અંતમાં ટીનેજર્સની આવી વિચારધારામાં અચાનક પરિવર્તન લાવવું અસંભવ છે. જો મા-બાપ શરૂઆતથી જ સજાગતા રાખીને પોતાના બાળકને એ અહેસાસ અપાવે કે, એ બહુ જ સુંદર છે અને મા-બાપ માટે તે ખાસ છે, તો આપના સતત પ્રયાસથી આ સમસ્યાને આસાનીથી દૂર કરી શકાય છે.

પેરેંટ્સ… અટેંશન પ્લીઝ…!

પોતાના બાળકના રંગરૂપ કે કદ દેખાવની સરખામણી ભાઈ-બહેનો કે મિત્રો/સખી સાથે કદાપિ ન કરો.

આપના ટીનેજર્સને તેની રુચિ મુજબની કોઈ એકસ્ટ્રા એક્ટિવિટીમાં વ્યસ્ત રાખવાની કોશિશ કરો. એનાથી તેનો આત્મવિશ્વાસ વધશે અને પોતાના બાહ્ય વ્યક્તિત્વની નાની-નાની ખામીઓ તરફ તેનું ધ્યાન નહીં જાય.

તેને સમજાવો કે માનવીના સારા આંતરિક ગુણોથી તેના બાહ્ય વ્યક્તિત્વમાં પણ નિખાર આવે છે. એટલા માટે તે માત્ર એક સારા માનવી બનવાની કોશિશ કરે અને હંમેશા ખુશ રહે.

આપની દીકરીન સ્વાસ્થ્ય અને સૌંદર્યનો ખ્યાલ રાખવાનું શીખવો, પણ તેને બ્યુટી પ્રોડક્ટ્સની સાઈડ ઈફેક્ટ્સ (આડ અસર) વિશે પણ જણાવવાનું ન ભૂલશો.

હોર્માેન સંબંધી બદલાવને કારણે ક્યારેક ક્યારેક બાળકોના વ્યવહારમાં ચીડિયાપણું આવી જવું સ્વાભાવિક છે. એવે વખતે લઢવાને બદલે પ્યારથી સમજાવો.