અરીસા પર આપોઆપ શબ્દ લખાય ખરા? - Sandesh
  • Home
  • Kids Corner
  • અરીસા પર આપોઆપ શબ્દ લખાય ખરા?

અરીસા પર આપોઆપ શબ્દ લખાય ખરા?

 | 12:06 am IST

ચાલો, જાતે કરી જોઈએ… :- માલિની મૌર્ય

આપણે સ્કૂલમાં શીખી ગયા છીએ કે આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે હવામાંથી પ્રાણવાયુ અને બીજા અનેક જાતના વાયુઓ સાવ સૂક્ષ્મ પ્રમાણમાં લઈએ છીએ. એમાંથી પ્રાણવાયુ આપણા ફેફસાંમાંથી લોહીમાં જતો રહે છે અને લોહીમાં રહેલો અંગારવાયુ તથા પાણીની વરાળ હવામાં ભળી જાય છે. જ્યારે શ્વાસ બહાર છોડીએ ત્યારે પાણીની વરાળ અને અંગારવાયુ બહાર ફેંકાય છે.

આ વાત સાબિત કરવા માટે આપણે શિયાળામાં કોઈપણ અરીસાઉપર ફૂંક મારી જોઈએ તો અરીસા ઉપર વરાળ અડતાં જ પાણી બનીને ભેજ તરીકે જામી જાય છે. આ હકીકતનો ઉપયોગ કરીને આપણે અરીસા ઉપર જાદુઈ રીતે લખાણ લખવાનો પ્રયોગ કરવાનો છે.

શું શું જોઈશે?

સુંવાળું સ્વચ્છ સુતરાઉ કપડું, જેની પાછળ રબર હોય એવી પેન્સિલ, એક નાનકડો પોકેટ અરીસો અને ફ્રીજ તથા વડીલની હાજરી.

શું કરવાનું છે?

પ્રયોગ આમ તો તમારા કોઈ ખાસ મિત્રની હાજરીમાં કરશો તો વધારે મઝા આવશે, પરંતુ પ્રયોગ ચાલુ કરતાં પહેલાં થોડી તૈયારી કરી લો.

સૌથી પહેલાં તો સુંવાળા સ્વચ્છ સુતરાઉ કાપડથી અરીસો બરાબર ચોખ્ખો કરી લો. અરીસો બરાબર સ્વચ્છ થાય એ ખૂબ જરૂરી છે. એટલે અરીસો કપડાંથી સાફ કરતાં જાઓ અને અરીસાને આમતેમ ત્રાંસો કરીને તપાસતા જાઓ કે એમાં કોઈ જાતના ડાઘ કે ઘસારો રહી તો નથી ગયા!

અરીસો બરાબર સ્વચ્છ થઈ ગયો છે એની ખાતરી થઈ જાય તો પાછળ રબર ધરાવતી પેન્સિલ હાથમાં લો.

અરીસાને એક હાથે પકડી રાખો અને એની ઉપર પેન્સિલના પાછળના છેડાના રબર વડે તમારા એ ખાસ દોસ્તનું નામ કેપિટલ અક્ષરોમાં લખી લો. માનો કે તમારા દોસ્તનું નામ રાજ છે. તમે પેન્સિલ પાછળના રબર વડે એનું નામ અરીસા પર લખી લીધું.

હવે પેલા સુંવાળા સ્વચ્છ સુતરાઉ કાપડને અરીસા પર હળવા હાથે ફેરવી દો. એથી રબરનો ઘસારો દેખાતો બંધ થઈ જશે.

આટલું કરી લીધા પછી અરીસો ફ્રીજમાં મૂકી દો. અથવા મમ્મી, પપ્પા કે મોટાભાઈ(બહેન)ને કહો કે અરીસો ફ્રીજમાં મૂકી આપે.

અરીસો ફ્રીજમાં અડધો કલાક જેટલો રાખ્યા પછી તમારા દોસ્તને બોલાવો. એને કહો કે તારું નામ જાદુઈ રીતે હું અરીસા ઉપર લખી આપીશ!

હવે અરીસો ફ્રીજમાંથી બહાર કાઢો. એ તમારા મિત્રને આપો. એને કહો કે અરીસા ઉપર જોરજોરથી ફૂંકો મારે.

જેવો તમારો મિત્ર અરીસા ઉપર ફૂંકો મારશે કે થોડી જ પળમાં અરીસા ઉપર તમારા દોસ્તનું નામ રાજ દેખાવા લાગશે.

તમારો મિત્ર તો આ જોઈને નવાઈ જ પામી જશે. એને આૃર્ય થશે કે આવું શી રીતે બની શકે? અરીસા ઉપર માત્ર ફૂંક મારવાથી નામ શી રીતે લખાઈ જાય!

આવું શી રીતે થતું હશે?

આમ થવામાં આપણે શરૂઆતમાં જોઈ ગયા એ જ હકીકત કારણ બને છે. આપણે જોયું કે આપણે શ્વાસ બહાર છોડીએ તે ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઈડ સાથે ભરપૂર પાણીની વરાળ હોય છે. એ વરાળ કોઈપણ ઠંડી વસ્તુના સંપર્કમાં આવે તો તરત ડરીને પાણીના અત્યંત સૂક્ષ્મ કણ બનીને એ સપાટી ઉપર જામી જાય છે.

તમે અરીસા ઉપર પેન્સિલ પાછળના રબર વડે નામ લખ્યું અને સુંવાળા કપડાંથી સાફ કરી લીધું, પરંતુ રબરના સૂક્ષ્મ કણ ત્યાં ચોંટી રહ્યા. પછી અરીસાને ફ્રીજમાં મૂકી રાખ્યો એટલે અરીસો સાવ ઠરી ગયો.

એને બહાર કાઢીએ તો અરીસો તો થોડોક ગરમ થઈ જાય છે, પરંતુ એની ઉપર ચોંટેલા રબરના સૂક્ષ્મ કણ તરત ઠરતા નથી.

તમારો દોસ્ત જ્યારે અરીસા ઉપર ફૂંક મારે ત્યારે અરીસા ઉપર વરાળ જામીને ભેજ બાઝે એના કરતાં રબરના લખાણવાળા ભાગ ઉપર વધારે વરાળના કણ જામી જાય છે. એટલે એટલો ભાગ જુદો જ પડી જાય છે. એ ભાગ તમારા દોસ્તનું નામ બનાવતા અક્ષરોનો છે. એટલે નામ વંચાવા લાગે છે.

તમારા દોસ્તને તો આ વાતની ખબર જ નથી એટલે એને તો નવાઈ જ લાગે છે કે આ જાદુ શી રીતે થયો!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન