Missing NRI Mittal Saraiya Found Daman
  • Home
  • Baroda
  • NRI મિત્તલ સરૈયાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે…એટલે હું ગુમ થઇ ગયો હતો

NRI મિત્તલ સરૈયાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે…એટલે હું ગુમ થઇ ગયો હતો

 | 9:10 am IST

કારેલીબાગ મુક્તાનંદ સોસાયટી પાસેથી ગત સપ્તાહે રહસ્યમય રીતે ગુમ થયા બાદ ગઈ કાલે મંગળવારે દમણમાંથી મળેલા યુએસ ગ્રીનકાર્ડ હોલ્ડર અને વડોદરાના પૂર્વ ક્રિકેટરે રૃટીન લાઈફમાં આવવા યુએસ જવાનો નિર્ધાર કર્યો છે અને યુએસ જવા આડે એક પખવાડિયાનો સમય બાકી હોવાથી ત્યાં સુધી અનાથાશ્રમ અને વૃધ્ધાશ્રમોમાં સેવા કરવાની પોલીસ સમક્ષ ઈચ્છા દર્શાવી છે.

એનઆરઆઈ મિત્તલ સરૈયાએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ કેફિયત આપી છે કે, યુએસમાં હું રીઅલ એસ્ટેટનો બિઝનેસ કરતો હતો. જેમાં મારી સાથે 1.50 લાખ ડોલરનું ચીટિંગ થયું હતું. મિત્તલને એવું લાગતું હતું કે, હું જે કરવા જાઉં છું, તેમાં સફળતા મળતી નથી. માતા-પિતા અને પત્ની-બાળકો માટે કશું કરી શક્યો નથી, તેવા વિચારોએ મિત્તલને જકડી રાખ્યો હતો અને આ વિચારોમાં જ તે રિક્ષામાં બેસીને રાજમહેલ રોડ પાસે આવ્યો હતો. મિત્તલની યોજના મુંબઈ જવાની હતી. ખાનગી લકઝરી બસવાળાએ બસમાં બેસાડી તમને મુંબઈ નહીં પણ વાપી ઉતારાશે, તેવું જણાવ્યું હતું. વાપીથી રિક્ષામાં બ્રાઈટન હોટલ પહોંચ્યો હતો. તા.૧લી સુધી ત્યાં રોકાયો હતો. વીક એન્ડમાં ટેરિફ વધતા રૃમ ખાલી કર્યો હતો અને એક જમાનામાં ક્રિકેટ સાથે રમનારા દમણના હિરાલાલ ટંડેલને ફોન કરી ઉમેશ હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરાવી હતી. મિત્તલ ૩ મહિના સુધી દમણ છોડવા માગતો નહતો. તેણે ગુજારો કરવા હિરાલાલ ટંડેલ પાસે કામ માગ્યું હતું. મહત્ત્વની વાત એ છે કે, તેણે વડોદરામાં માતા-પિતા અને યુએસમાં પત્ની અને પુત્રીનો કોન્ટેક્ટ સુધ્ધાં કર્યો નહતો.

દમણ-વડોદરા પોલીસનો એક્શન પ્લાન સફળ
મિત્તલને શોધી કાઢનારા દમણના પીઆઈ સોહેલ જીવાણીએ જણાવ્યું કે, એસપી વિક્રમજીત સિંગે અધિકારીઓની બેઠક યોજી ગુમશુદાને શોધવાનો એક્શન પ્લાન બનાવ્યો હતો. વડોદરા પોલીસ સાથે સંકલનમાં રહીને દમણ પોલીસની ૧૦ ટીમો ઓપરેશનમાં જોડાઈ હતી. દમણના રિક્ષાવાળાઓની પણ મદદ લેવાઈ હતી. રિક્ષાવાળાઓ તરફથી અમને ક્લૂ મળ્યો હતો અને મિત્તલ સરૈયાને શોધી કાઢવામાં દમણ પોલીસને મોટી સફળતા મળી છે.

કરિયાણાની દુકાનમાં 550 ડોલર વટાવ્યા
તા.27મીએ ઘરેથી નીકળેલા મિત્તલ પાસે 550 યુએસ ડોલર હતા. કારેલીબાગની એક અનાજ-કરિયાણાવાળા પાસે તેમણે રૂ.25,000માં ડોલર વટાવ્યા હતા. આ રોકડ લઈને મિત્તલ દમણ પહોંચી ગયો હતો.

અપહરણની ફરિયાદમાં C સમરી ભરાશે
મિત્તલના માસા જનકભાઈ શાહે બે દિવસ પહેલાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં કિડનેપિંગની ફરિયાદ નોંધાવી હતી. હવે કાયદાકીય પ્રોસિજર શું ? તેવા પ્રશ્નના જવાબમાં ડીસીપી ક્રાઈમ જાડેજાએ કહ્યું હતું કે, હવે પોલીસ આ કેસમાં સી સમરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે.

પત્ની શ્વેતા અને બે પુત્રીએ પોલીસ કમિશ્નરનો આભાર માન્યો
મિત્તલ સરૈયા સહી-સલામત મળી આવ્યા છે, તેની જાણ યુએસ ખાતે રહેતાં પત્ની શ્વેતા સરૈયાને થતાં તેમના જીવમાં જીવ આવ્યો છે. શ્વેતા અને બે પુત્રી રિચા અને પૂજાએ વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંઘ ગહલૌતને ઈ-મેઇલ મોકલીને હૃદયપૂર્વકનો આભાર માન્યો છે અને જણાવ્યું છે કે, અમારા બધા માટે મિત્તલ સરૈયા આદર્શ છે. તેમના પાછા આવવાથી અમારા ઘરમાં પુનઃ ખુશી આવી છે. અમે વડોદરા અને ગુજરાત પોલીસને સેલ્યૂટ કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન