Mission 2019 : BJP is Conducting the exercise on Lok Sabha Elections, Om Prakash Mathur is Gujarat Incharge
  • Home
  • Featured
  • 2019 માટે BJPએ કમર કસી, રાજનાથ-જેટલીને મહત્વની જવાબદારી, ગુજરાતમાં ફેરફાર

2019 માટે BJPએ કમર કસી, રાજનાથ-જેટલીને મહત્વની જવાબદારી, ગુજરાતમાં ફેરફાર

 | 9:11 pm IST

લોકસભાની ચૂંટણીને લઈને BJPએ કવાયત હાથ ધરી છે BJPએ આ માટે વિવિધ સમિતિઓની રચના કરી છે. સંકલ્પ પત્ર સમિતિમાં રાજનાસિંહ અધ્યક્ષ સહિત 20 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. પ્રચાર – પ્રસાર સમિતિમાં અરૂણ જેટલી સહિત 8 સભ્યો છે. સામાજિક સ્વયંસેવા સંગઠનની જવાબદારી નીતિન ગડકરીને સોંપાઈ છે. સુષમા સ્વરાજની અધ્યક્ષતામાં સાહિત્ય નિર્માણ સમિતિ કામ કરશે. મીડિયા સમિતિના અધ્યક્ષ રવિશંકર પ્રસાદને બનાવવામાં આવ્યા છે.

અવિનાશ રાય ખન્નાની આગેવાનીમાં પ્રવાસ સમિતિની રચના કરાઈ છે. તેમજ આ સાથે શ્યામ જાજુને સોશિયલ મીડિયા અને સાહિત્ય વિતરણની જવાબદારી તો સરોજ પાંડેની અધ્યક્ષતામાં લાભાર્થી સંપર્ક સમિતિમાં રાખવામાં આવ્યા છે. પ્રબુદ્ધ સંમેલનની જવાબદારી પ્રકારશ જાવડેકરને સોંપાઈ છે. ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી પંચની જવાબદારી સોંપાઈ છે. અરૂણસિંહને કાર્યાલય, વિમાન અને મનની વાતની જવાબદારી સોંપાઈ છે. અવિનાશ રાય ખન્નાને મારો પરિવાર – ભાજપ પરિવારની જવાબદારી આપવામાં આવી છે. સંજીવ ચૌરસિયાને બાઈક રેલીની જવાબદારી સોંપાઈ છે.

ભાજપે લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે. 17 રાજ્યોમાં ઇલેક્શન-ઇન ચાર્જ (ચૂંટણી પ્રભારી)ની નિમણૂક કર્યાના એક દિવસ પછી ભાજપે અન્ય નવ રાજ્યોના પ્રભારીઓનાં નામોની જાહેરાત કરી છે. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલને તામિલનાડુ, પુડુચેરીનો કાર્યભાર સોંપાયો છે, જ્યારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભાજપ નેતા સી.ટી. રવિ સાથે સંયુક્ત રીતે તેમને કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

ભાજપે આરોગ્યપ્રધાન જે. પી. નડ્ડાને ઉત્તર પ્રદેશમાં પક્ષના ચૂંટણી કેમ્પેન પર નજર રાખવા કહ્યું છે, જ્યારે પી. મુરલીધર રાવ અને કિરણ મહેશ્વરીને કર્ણાટકનો હવાલો સોંપવામાં આવ્યો છે.

સંરક્ષણપ્રધાન એન સીતારામન અને જે.એસ. પાવૈયાને દિલ્હીમાં પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કલરાજ મિશ્ર અને વિશ્વાસ સારંગને હરિયાણાના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. અવિનાશ રાય ખન્નાને ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

અગાઉ હિન્દી હાર્ટલેન્ડ રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ કે જ્યાં ભાજપે સત્તા ગુમાવી અને કોંગ્રેસનું નવસર્જન થયું, ત્યાં ભાજપે સંસદીય ચૂંટણીમાં જીત મેળવવા વરિષ્ઠ નેતાઓને કમાન સોંપી છે.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર અને વરિષ્ઠ નેતા સુધાંશુ ત્રિવેદીને ભાજપની રાજસ્થાનમાં ચૂંટણીની તૈયારીઓ પર નજર રાખવા કહેવામાં આવ્યું છે, જ્યારે સ્વતંત્ર દેવસિંહ અને સતીશ ઉપાધ્યાયને મધ્ય પ્રદેશના વડા બનાવવામાં આવ્યા છે.

ભાજપે 15 વર્ષ પછી સત્તા ગુમાવી અને કોંગ્રેસે સત્તા પર આવી ત્યાં છત્તીસગઢમાં અનિલ જૈનને ઇન-ચાર્જ બનાવવામાં આવ્યા છે. વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય પ્રવકતા નલિન કોહલીને મણિપુર અને નાગાલેન્ડની કમાન સોંપવામાં આવી છે, જ્યારે ઓમ પ્રકાશ માથુરને ગુજરાતના ઇન-ચાર્જ બનાવવામાં આવ્યા છે. રાજ્યસભાના સભ્ય વી મુરલીધરન અને પક્ષના સચિવ દેવધર રાવને આંધ્ર પ્રદેશનો હવાલો સોંપવામાં આવ્યો છે.

ભાજપે લોકસભા ચૂંટણીની વ્યૂહરચના ઘડી કાઢી

ભાજપે આગામી લોકસભાની ચૂંટણીમાં ફરી સત્તા મેળવવા માટે બૂથ સ્તરના કાર્યકરોમાં વિશ્વાસ વધારવા માટે ‘મેરા બૂથ સબસે મજબૂત’ જેવા પ્રોગ્રામ સહિત અનેક ચૂંટણી કેમ્પેનો ઘડી કાઢયા છે. વડા પ્રધાન મોદી નિયમિત રીતે પક્ષના કાર્યકરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંવાદ કરશે. આ ઉપરાંત વડા પ્રધાન દેશભરમાં ચૂંટણી દરમિયાન 100 જેટલી સભાઓને સંબોધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન