મિશન ન્યૂઝીલેન્ડ : શિખર ધવનની ઇજા, હવામાન ભારત માટે પડકાર - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • મિશન ન્યૂઝીલેન્ડ : શિખર ધવનની ઇજા, હવામાન ભારત માટે પડકાર

મિશન ન્યૂઝીલેન્ડ : શિખર ધવનની ઇજા, હવામાન ભારત માટે પડકાર

 | 3:10 am IST

। નોટિંગહામ ।

ઇજાગ્રસ્ત ઓપનર શિખર ધવનની ગેરહાજરીમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે અહીં  ગુરુવારે રમાનારી આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની મેચમાં આકરી કસોટીમાંથી પસાર થવું પડશે. જોકે સતત ખરાબ હવામાન તથા વરસાદની પરિસ્થિતિ બદલાય તો જ આ સંભવિત બની શકે તેમ છે. ઇંગ્લેન્ડમાં ચાલી રહેલા કમોસમી વાતાવરણના કારણે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ ઉપર વરસાદનું સંકટ તોળાયું છે અને ઓછી ઓવરની મેચ રમાડવામાં આવી તેવી પણ સંભાવના છે.

ટીમમાં વધારે ફેરફાર માટે યોગ્ય સમય નથી

કાળા વાદળો તથા ભેજવાળી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા કોહલી કોઇ એક સ્પિનરને પડતો મૂકીને મોહમ્મદ શમીને રમાડી શકે છે. જો શંકર તથા કાર્તિક બંનેને રમાડવામાં આવે તો કેદાર જાધવને બહાર બેસવું પડશે. જોકે ટૂર્નામેન્ટમાં હજુ બીજું સપ્તાહ હોવાથી ટીમમાં વધારે ફેરફાર યોગ્ય નથી. નોટિંગહામની પિચ બાઉન્સી છે પરંતુ બેટ્સમેનો માટે અનુકૂળ છે. લોકેશ રાહુલ ટ્રેન્ટ બાઉલ્ટનો પ્રારંભિક સ્પેલ રમી લેશે તો આગામી મેચો માટે તેનો આત્મવિશ્વાસ વધશે.

ભારત વિ. ન્યૂઝીલેન્ડ

રેકોર્ડ બુક

વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધી કુલ સાત મુકાબલા રમાયા છે જેમાં ભારતે ત્રણ તથા ન્યૂઝીલેન્ડે ચાર મેચ જીતી છે. ઇંગ્લેન્ડની ધરતી પર બંને ટીમ વચ્ચે ત્રણ મેચ રમાઇ છે, ત્રણેયમાં કિવિ ટીમનો વિજય થયો હતો. ઓવરઓલ વન-ડેમાં બંને ટીમો વચ્ચે કુલ ૧૦૬ મુકાબલા રમાયા છે જેમાં ભારતે ૫૫ તથા ન્યૂઝીલેન્ડે ૪૫  મેચ જીતી છે. એક મેચ ટાઇ થઇ હતી અને પાંચ મેચ અનિર્ણીત રહી  હતી.

પિચ રિપોર્ટ

વાદળછાયું વાતાવરણ હોવાના કારણે પિચ ઉપરથી પ્રારંભિક કલાકમાં ઝડપી બોલરને મદદ મળશે. ટ્રેન્ટબ્રીજની પિચ બેટ્સમેનો માટે અનુકૂળ રહે છે અને સ્પિનર્સ એક્સ્ટ્રા બાઉન્સનો ફાયદો ઉઠાવી શકશે. ટોસ જીતનાર ટીમ પ્રથમ ફિલ્ડિંગ કરવાનું વધારે પસંદ કરશે.

લોકેશ રાહુલ પાસે ઓપનિંગ કરાવાશે તેવા સંકેત

વરસાદી વાતાવરણમાં ન્યૂઝીલેન્ડના પેસ બોલર ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. ધવનની ગેરહાજરીમાં રોહિત શર્મા સાથે લોકેશ રાહુલ પાસે ઇનિંગ્સનો પ્રારંભ કરાવવામાં આવે તેવા સંકેત મળ્યા છે. ધવન ફ્રેક્ચરના કારણે આગામી ત્રણ મેચ રમી શકે તેમ નથી. આ સ્થિતિમાં સુકાની કોહલી તથા કોચ રવિ શાસ્ત્રીને સાઉથ આફ્રિકા તથા ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હોવા છતાં પોતાના ગેમપ્લાનમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. ધવન ડાબોડી હોવાથી તેની ખોટ પડશે પરંતુ તેની ગેરહાજરી પણ સકારાત્મક બની રહેશે. ધવનની ગેરહાજરીમાં ભારતીય ટીમ મેનેજમેન્ટને તેનો પ્લાન-બી કેટલો અસરકારક છે તેનો ખ્યાલ આવશે. રાહુલ ઓપનિંગ કરે તો ચોથા ક્રમે વિજય શંકર અથવા દિનેશ કાર્તિકમાંથી કોઇ એકને તક મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન