મોબ લિંચિંગ : સરકાર ભીંત ક્યાં ભૂલે છે?  - Sandesh
  • Home
  • Columnist
  • મોબ લિંચિંગ : સરકાર ભીંત ક્યાં ભૂલે છે? 

મોબ લિંચિંગ : સરકાર ભીંત ક્યાં ભૂલે છે? 

 | 2:17 am IST

ઇશ્યૂ ઇન ન્યૂઝ : વિનોદ પટેલ

રાજસ્થાનમાં અલવર જિલ્લામાં ૨૦ જુલાઈએ રકબર નામનો ૩૨ વર્ષનો એક પશુપાલક(એટલે કે જેનું ગુજરાન પશુઓને આધારે ચાલે છે તે) તેની ગાયોને વેચવા માટે જતો હતો ત્યારે તેના પર કહેવાતા ગૌરક્ષકોએ હુમલો કરીને માર મારતાં તેનું મોત નીપજ્યું હતું. આ મામલે રાજસ્થાન પોલીસે ત્રણ આરોપીઓ ધર્મજિત, પરમજિત અને નરેશ સામે છેવટે છેક ગયા અઠવાડિયે ૨૫ પાનાંની ચાર્જશીટ નોંધી. પોલીસે આ આરોપીઓ સામે કલમ ૩૦૨ હેઠળ આરોપો મૂક્યા છે. પોલીસને જ્યારે આ મામલે તેમની ભૂમિકા બાબતે સવાલ કરવામાં આવ્યો ત્યારે જવાબ મળ્યો કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આ મામલે એક અલગ જ તપાસ ચલાવવામાં આવી રહી છે.  ભારતમાં ગૌરક્ષાના મામલે જે રીતે ગૌરક્ષકો અતિ ઉત્સાહી બની કાયદો તેમના હાથમાં લઈ રહ્યા છે તેને કારણે છેવટે રાજ્ય સરકારો આરોપીનાં પાંજરામાં આવી ગઈ છે. ગૌરક્ષા કરવાની કોઈ ના પાડતું નથી, પરંતુ તેનાં નામે કાયદો હાથમાં લઈને તમને જેની પર શંકા પડે તેનું કામ તમામ કરી નાખો તે તો કોઈ રીતે ન ચલાવી ન લેવાય. બન્યું છે એવું કે ૨૦૧૦થી ૨૦૧૮ દરમિયાન બનેલા લિંચિંગના કેસોમાં ૨૫ જણનાં મોત થયાં છે અને ૧૩૯ને ઈજા થઈ છે. જે લોકોનાં મોત થયાં છે તેમાં ૨૧ જણ મુસ્લિમ છે અને સૌથી શોચનીય બાબત એ છે કે આમાંથી ૫૦ ટકાથી વધારે હુમલા તો અફવાને આધારે કરવામાં આવ્યા હતા. એક અહેવાલ પ્રમાણે ૨૦૧૫થી અત્યાર સુધીમાં દેશમાં ગૌરક્ષાનાં નામે થયેલા હુમલાઓમાં કુલ ૭૮ જણાએ જીવ ગુમાવ્યા છે.

સ્વાભાવિક રીતે જ આ બાબતની કડક નોંધ લઈને દેશની સર્વોચ્ચ અદાલતે ૧૭ જુલાઈએ ગૌરક્ષાનાં નામે થતી હિંસાને ખાળવા માટે તમામ રાજ્યોને એક સપ્તાહમાં તેમનો અહેવાલ સુપરત કરવા માટે જણાવ્યું હતું. આ મામલે સાત સપ્ટેમ્બરે થયેલી સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે ગૌરક્ષાનાં નામે થતી હિંસાના મામલે અદાલતી આદેશ આપવા છતાં દેશનાં ૨૯ રાજ્યોમાંથી માત્ર ૧૧ રાજ્યોએ જ તેમનો કમ્પ્લાયન્સ રિપોર્ટ નોંધાવવાની તસદી લીધી હતી. સર્વોચ્ચ અદાલતે નાછૂટકે આ મામલે કડક વલણ લઈને જણાવ્યું હતું કે જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના અહેવાલ નોંધાવ્યા નથી તેમને વધુ એક સપ્તાહનો સમય આપવામાં આવે છે. જો આ છેલ્લી તકનો ઉપયોગ કરી રાજ્ય સરકારો તેમનો અહેવાલ સુપરત નહીં કરે તો તેમના ગૃહસચિવોને અદાલતમાં જાતે હાજર થવાની ફરજ પાડવામાં આવશે.

સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાનાં વડપણ તળેના જસ્ટિસ એ. એમ. ખાનવિલકર અને જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચૂડની બનેલી ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે ટોળાશાહીનાં આવાં ભયંકર કૃત્યો કોઈ રીતે ચલાવી ન લેવાય. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ભવિષ્યમાં આવાં કૃત્યો થતાં અટકાવવા માટે નિષેધાત્મક અને શિક્ષાત્મક પગલાં ભરવા માટે જણાવ્યું હતું. આ ખંડપીઠે સંસદને આ ગૌરક્ષાનાં નામે થતા હિંસાના બનાવો અટકાવવા માટે અલગ કાયદો બનાવવા માટે જણાવ્યું હતું.

સર્વોચ્ચ અદાલતનાં આકરાં વલણને પગલે વડા પ્રધાન અને ઉપરાષ્ટ્રપતિએ પણ આ બાબતે કડક વલણ લેવું પડયું છે. વડા પ્રધાને ચોખ્ખું જણાવ્યું હતું કે ટોળાં દ્વારા આચરવામાં આવતી હિંસાને ચલાવી લેવામાં આવશે નહીં, ભલે તેની પાછળનો હેતુ ગમે તે હોય. આ એક ગુનો છે. એ પછી તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ આ મામલે જણાવ્યું હતું કે આ એક સામાજિક સમસ્યા છે અને આ બાબત એવી છે કે માત્ર કાયદો બનાવવાથી તેનો ઉકેલ આવે તેમ નથી. તેમણે જણાવ્યું હતું કે આ સામાજિક વર્તન સુધારવું રહ્યું, જ્યારે તમે એક માણસને મારી નાખો ત્યારે તમે કેવી રીતે તમારી જાતને દેશભક્ત ગણાવી શકો.  દેશમાં કાયદો-વ્યવસ્થા જાળવવાનું કામ રાજ્ય સરકારોનું છે અને આ મામલે દેશની ટોચની અદાલતે દખલગીરી કરીને રાજ્ય સરકારોને તેમની ફરજનું ભાન કરાવવું પડે તે બાબત રાજ્ય સરકારો માટે શરમજનક છે. કમાલની વાત તો એ છે કે જે રાજ્ય સરકારોએ તેમના અહેવાલ સુપરત કર્યા નથી તેમાં સ્વાભાવિક રીતે જ મોટાભાગની રાજ્ય સરકારો ભાજપશાસિત રહેવાની, કેમ કે દેશમાં હાલ સૌથી વધારે રાજ્યોમાં ભાજપનો ઝંડો ફરકે છે, જ્યારે કથની અને કરણીમાં ફરક પડે ત્યારે આ દેશનો અબુધ નાગરિક પણ તેની ધીંગી કોઠાસૂઝને આધારે ચૂંટણીટાણે એવો નિર્ણય લે છે જે ભલભલા ચમરબંધીઓની આંખમાં પાણી લાવી દે છે.